-
ઇતિહાસ સાક્ષી છે ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી
-
વન અને ગીરી કંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન
-
આદિવાસીઓના જન નાયક બિરસા મુંડાએ આદિવાસીઓને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડીને દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો
-
આદિવાસી યુવાનો ડોક્ટર બને તે માટે રાજયના આદિવાસી વિસ્તારોમાં 5 મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપાઈ
રાજપીપળા: રાજપીપળા નજીક જીતનગર પોલીસ હેડ ક્વાટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 9 મી ઓગષ્ટના દિવસે રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજય રૂપાણીએ રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના 53 આદિજાતિ તાલુકાઓમાં 1700 કરોડના 289 વિકાસ કામોનો પ્રારંભ, લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજપીપળા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.341 કરોડના ખર્ચે 39 એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવા સાથે રૂ. 480 કરોડના ખર્ચે નિર્માણ થયેલ 199 વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.1222 કરોડના 90 કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વન અને ગીરી કંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન રહ્યું છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે. ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી. સોમનાથ મંદિરની રક્ષા હોય કે પછી 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય, ગુજરાતના જંબુઘોડાના વીર નાયકાઓએ અંગ્રેજો સામે 40 વર્ષ સુધી લડી અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા. આખી દુનિયામાં રાજ કરનાર અંગ્રેજોને ડાંગના રાજા અને પ્રજાએ ગામમાં ઘુસવા દીધા નથી.
આદીવાસી બંધોએ દેશ માટે હંમેશા પોતાના જીવ ન્યોછાવર કર્યા છે. માનગઢમાં ગોવિંદ ગુરુની આગેવાની હેઠળ અંગ્રેજો સામે લડતા જલિયાવાલા બાગ કરતાં પણ વધુ 1500 જેટલા આદિવાસીઓએ માતૃભૂમિ અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આદિવાસીઓના જન નાયક બિરસા મુંડાએ આદિવાસીઓને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડીને દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો.
છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે પ્રયાસો કર્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે. અમારી સરકારે આદિવાસીઓને ખોટા વાયદા વચનો નહી, પરંતુ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે રૂ.90 હજાર કરોડના વિકાસ કામો શરૂ કરાવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ.60 હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. વનબંધુ કલ્યાણ યોજના ફેઝ -2 માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એક લાખ કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જંગલની જમીન આપવાના 14 હજાર દાવાઓ મંજૂર કરી 46 હજાર હેક્ટર જમીનના હક્કો આદિવાસીઓને આપ્યા છે. આદિવાસી યુવાનો ડોક્ટર બને તે માટે રાજયના આદિવાસી વિસ્તારોમાં પાંચ મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 165 કરોડના ખર્ચે 5 લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને બિયારણ, ખાતરની કીટ આપી છે.
મુખ્યમંત્રીએ હળપતિ તથા વ્યક્તિગત આવાસ યોજના, ધિરાણ યોજના, માનવ ગરિમા યોજના, વન ધન વિકાસ યોજના, કૃષિ કિટ વિતરણ યોજના, વન અધિકાર અધિનિયમ તથા સિકલસેલ અને ટી.બી.ના દર્દીઓને તબીબી સહાય યોજના મળીને કુલ 23,000 થી પણ વધુ લાભાર્થીઓને રૂ.85 કરોડ થતા આદિજાતિના અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓને પ્રિ – મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ.80 કરોડના લાભોનું વિતરણ કર્યું હતું.
ગુજરાતમાં વેહલી ચૂંટણી પર વિજય રૂપાણીએ પૂર્ણ વિરામ મૂક્યું
વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે સાવરકુંડલા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 લોકોને સરકાર 4 લાખની સહાય આપશે. કોંગ્રેસના વિરોધ મુદ્દે એમણે જણાવ્યું હતું કે 9 દિવસ દરમિયાન કોંગ્રેસનો માત્ર મીડિયા લક્ષી કાર્યક્રમ હતો. ગુજરાતની પ્રજાએ કોંગ્રેસના વિરોધની નોંધ લીધી નથી. કોંગ્રેસના વિરોધનો મતલબ એ થાય કે કોંગ્રેસ આદિવાસીઓનો અને વિકાસનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસના બધા કાર્યક્રમો માત્ર રાજકીય સ્ટંટ હતા. વેહલી ચૂંટણી મુદ્દે જણાવ્યું હતું કે ચૂંટણી સમયસર જ થશે, અમે 5 વર્ષ દરમિયાન જનતાની વચ્ચે જનારા લોકો છે, અમે ચૂંટણી લક્ષી યોજના બનાવતા નથી પણ કોંગ્રેસ જરૂર બનાવે છે. હું “આપ” ને બિલકુલ ગણકારતો નથી. ડોકટરોની હડતાળ મુદ્દે જણાવ્યું હતું કે હાલ કોરોના છે જ નહીં ત્યારે ડોકટરોએ બોન્ડનું પાલન કરવું જોઈએ, ડોકટરોને મારી વિનંતી કે હડતાળ પાછી ખેંચે અને બોન્ડના પિરિયડને કનસિડર કરી કામે લાગે. કોરોનાની બીજી લેહેરને આપણે નથી શક્યા છે પણ ત્રીજી વેવને નજર અંદાજ કરી શકાય નહિ. એટલે ભક્તો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી શ્રાવણ મહિનો ઉજવે એવી મારી વિનંતી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની હડતાળ મુદ્દે જણાવ્યું હતું કે સરકાર વ્યાજબી પ્રશ્નોનું નિરાકરણ લાવે જ છે પણ ગેર વ્યાજબી પ્રશ્નો મુદ્દે સરકાર કોઈ દિવસ જુકશે નહિ.