Gujarat Exclusive > દેશ-વિદેશ > બાબરી કેસમાં કોર્ટનો ચુકાદો, અડવાણી, જોશી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

બાબરી કેસમાં કોર્ટનો ચુકાદો, અડવાણી, જોશી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

0
171

લખનઉ: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ (Babri Demolition Case)માં લખનઉની સ્પેશિયલ CBI કોર્ટે (Special CBI Court) પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં જે થયું, તે મામલે CBIની સ્પેશિયલ કોર્ટમાં બુધવારે પોતાનો ચુકાદો  (Babari Verdict) સંભળાવ્યો છે. જેમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે.

પોતાનો નિર્ણય સંભળાવતા CBI કોર્ટના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે, બાબરી મસ્જિદ વિધ્વંસ પૂર્વનિયોજિત કાવતરુ ન હતુ. આ ઘટના અચાનક જ બની હતી. તેથી આમાં કોઈપણ પ્રકારનું ષડયંત્ર ન હતુ. હાલમાં આ કેસના આરોપીઓ સામે પૂરતા પ્રમાણમાં પુરાવા નથી.

જજ એસકે યાદવે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતા અશોક સિંઘલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, ફોટો અને વીડિયોમાં જે પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તેનાથી કંઈ સાબિત નથી થતું.

જણાવી દઈએ કે, કોર્ટમાં સુનાવણી પહેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, નૃત્ય ગોપાલ દાસ સિવાય તમામ આરોપીઓ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે 6 આરોપીઓ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યાં હતા.

આ કેસની ચાર્જશીટમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ સહિત કુલ 49 લોકોનું નામ આરોપી તરીકે સામેલ હતું. જેમાંથી 17 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે બાકીના 32 આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે કોરોના મહામારીના પગલે સ્વાસ્થ્ય કારણોસર માત્ર 26 આરોપીઓ જ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: બાબરી કેસ: ચુકાદા સાથે જ રિટાયર થશે CBIના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ

92 વર્ષના એલ.કે અડવાણી અને 86 વર્ષના મુરલી મનોહર જોશીએ ઉંમરના કારણોસર કોર્ટમાં હાજર રહેવાથી છૂટ માંગી હતી. ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં છે. જ્યારે કલ્યાણ સિંહ પણ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. આજના હાઈપ્રોફાઈલ કેસમાં ચુકાદાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ 16મીં સદીની બાબરી મસ્જિદને તોડી પડાયાના 28 વર્ષ બાદ લખનઉની વિશેષ CBI કોર્ટ ચુકાદો આપ્યો છે. આ કેસમાં ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને કલ્યાણ સિંહ પર ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ હતો.