Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા-ભરૂચ જિલ્લાની બોર્ડર પરનો કોઝ વે ધોવાઈ જતા 5 ગામોને વિપરીત અસર

નર્મદા-ભરૂચ જિલ્લાની બોર્ડર પરનો કોઝ વે ધોવાઈ જતા 5 ગામોને વિપરીત અસર

0
161
  • ગ્રામજનોનો અન્ય ગામો સાથેનો સીધો સંપર્ક તૂટ્યો

  • ધોધમાર વરસાદમાં જન જીવન પર માઠી અસર

  • કોઝવે બ્રિજ ધાવાઈ જવાના કારણે વાહન વ્યવહાર પર પડી અસર

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: ગુજરાતમાં આગામી 3 દિવસોમાં ભારે વરસાદની આગાહી છે.

નર્મદા જિલ્લામાં પણ ગત રોજ રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.

દરમિયાન જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કાચા રસ્તાઓનું ધોવાણ થયું હોવાથી ગ્રામજનોનો અન્ય ગામો સાથેનો સીધો સંપર્ક તૂટ્યો હતો.

એક તરફ કોરોનાનો કેહેર તો બીજી બાજુ ધોધમાર વરસાદમાં જન જીવન ઠપ્પ થઈ ગયું છે.

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નર્મદા અને ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલા ડેડીયાપાડાના ગારદા-મોટા જાંબુડા ગામની વચ્ચેથી પસાર થતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યુ હતું.

જેના કારણે નજીકના ગારદા, ખામ, ભૂતબેડા, મંડાળા ગામના લોકોનો અન્ય ગામો સાથેનો સીધો સંપર્ક તૂટ્યો હતો.

આ પણ વાંચો: “પોલીસ હોય તો શું, હું અહીંનો દાદા છું” તેમ કહી સંજય દુબેનો સોલા પોલીસ પર હુમલો

વહેલી સવારથી જ ગાજ વીજ સાથે વરસાદની શરૂઆત થતાં ગારદા અને મોટા જાંબુડાની વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ પણ ઉભરાઈ ગયો હતો.

જેના કારણે આ ગામની વચ્ચે આવેલું કોઝવે પરથી પણ પાણી ફરી વળતા મુસાફરોને 8 થી 10 કિમી વધુ ફરવાનો વારો આવ્યો છે.

કોઝવે પાણીમાં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંધ થઈ ગયો છે, જ્યારે બાઈક ચાલકોને બાઈક પરથી ઉતરીને પસાર થવાનો વારો આવ્યો છે.

આ કોઝવે પરથી ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઉંમરપાડા, કેવડી, અંક્લેશ્વર જતા નોકરિયાત વર્ગના લોકોને તેમજ બીજા કામ કાજ પર જતા મુસાફરોને પણ અટવાવવાનો વારો આવ્યો છે.

નર્મદા જિલ્લા વહીવટીતંત્ર વહેલી તકે નિરાકરણ લાવે એવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

એ વિસ્તારના સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે,

“આ કોઝ વે પર બીજો મોટો પુલ બનાવવો જોઈએ જેથી ભારે વરસાદમાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે.”

ગ્રામજનોએ એમ પણ જણાવ્યું હતુ કે,

આ કોઝ વે નર્મદા-ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલો છે જેથી પુલ કોણ બનાવે એ મોટો પ્રશ્ન છે, પુલ મંજુર પણ થઈ ગયો છે પરંતુ ક્યાં કારણોસર કામકાજ અટવાયું છે એ કોઈ જણાવતું નથી.

હાલની સ્થિતિમાં જો અમારા વિસ્તારમાં કોઈને આરોગ્ય લક્ષી તકલીફ ઊભી થાય તો 108 ઇમરજન્સી વાનને પણ 8-10 કિમિનો લાંબો ફેરો મારીને આવવું પડે, એવા સંજોગોમાં ગંભીર બીમાર વ્યક્તિનું મોત પણ નિપજી શકે છે.”