ચંદીગઢ: કોંગ્રેસથી નારાજ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જલ્દી પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સમાચાર છે કે આવતા 15 દિવસમાં કેપ્ટન કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે તેમનો અર્થ ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરાવવાનો હશે. તાજેતરમાં તેમણે દિલ્હી જઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.
એક ડઝન કોંગ્રેસના નેતા કેપ્ટનના સંપર્કમાં છે. કેપ્ટન પોતાના સમર્થકો સાથે આગળના પગલાને લઇને ચર્ચા કરી રહ્યા છે. અટકળો લાગી રહી છે કે તે પંજાબમાં કેટલાક ખેડૂત નેતાઓને પણ મળી શકે છે. બુધવારે અમરિંદર સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મુલાકાત બાદ અટકળો લાગી રહી છે કે પૂર્વ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી જોઇન કરી શકે છે. જોકે, અમરિંદર સિંહે ખુદ આ વાતનો ઇનકાર કરી દીધો હતો.
દિલ્હીમાં લાંબી ચર્ચા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે તે અહી ગૃહમંત્રી સાથે કૃષિ કાયદા પર ચર્ચા કરવા આવ્યા હતા, તેમણે એમ પણ કહ્યુ હતુ કે તે હવે કોંગ્રેસ પાર્ટીનો ભાગ નથી. સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન કોંગ્રેસ નેતાઓ અને નવજોત સિંહ સિદ્ધૂ પર પ્રહાર કરી રહ્યા છે. બુધવારે પણ તેમણે કહ્યુ હતુ કે તે સિદ્ધૂને વિધાનસભા ચૂંટણીમાં જીતવા નહી દે.