Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > નિત્યાનંદ વિવાદમાં સપડાયેલ DPS શાળાની માન્યતા રદ્દ, અનેક પ્રશ્ન યથાવત

નિત્યાનંદ વિવાદમાં સપડાયેલ DPS શાળાની માન્યતા રદ્દ, અનેક પ્રશ્ન યથાવત

0
548

કથિત ભગવાન નિત્યાનંદના કૂકર્મોમાં ભાગીદાર બનેલ ડીપીએસ સ્કૂલની અંતે માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર સીબીએસસીએ શાળાની માન્યતા રદ્દ કરતો ઓર્ડર રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. અમદાવાદના હાથીજણ સ્થિત ડીપીએસ શાળામાં ચાલતા સ્વામી નિત્યાનંદના આશ્રમ અને તેમના કૂકર્મોની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં બહાર આવ્યું હતુ કે, શાળાએ ખોટા પુરાવાઓના આધારે એનઓસી મેળવ્યું હતું. તે ઉપરાંત શાળાની જમીન પણ એન.એ.ના કરાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

તમને જણાવી દઇએ કે, સૌ પ્રથમ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલમાં બનેલા આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા તેમજ યુવતી ગુમ થવા મામલે તપાસ ચાલી રહી છે. જે તપાસનો રેલો ધીમે-ધીમે આગળ વધતો ગયો અને એક પછી એક નિત્યાનંદ સાથે મળીને ડીપીએસ શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવેલા કૂકર્મો ખુલ્લા પડતા ગયા. આમ ડીપીએસ શાળા દ્વારા પોતાની માન્યતા સરકારના ધારા-ધોરણો અનુસાર ના લઇને તે તરકટ રચીને લેવામાં આવી હતી, તે ઉપરાંત પોતાને ભગવાન ગણાવતા નિત્યાનંદ સાથે મળીને ગેરકાયદેસરના કામના અંજામ શાળા થકી આપવામાં આવતા હોવાના કારણે માન્યતા રદ્દ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમ રજૂઆતોના આધારે ડીપીએસ શાળા સાથેનું સીબીએસઇનું તમામ જોડાણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે હજું પણ કેટલાક પ્રશ્ન યથાવત છે કે, શું નિત્યાનંદ સાથે મળેલા ષડયંત્રકારીઓ જેવા કે, મંજૂલા પૂજા શ્રોફ અને અમિતાભ શાહ સામે કાર્યવાહી કરવામાં આવશે કે, માત્ર શાળાની માન્યતા રદ્દ કરીને આખા મામલાને દબાવી દેવામાં આવશે? શું નિત્યાનંદની ધરપકડ કરવા માટે સરકાર આગળ કાર્યવાહી ધપાવશે કે તેના ઉપર પણ ઠંડૂ પાણી રેડી દેવામાં આવશે? સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે? વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?

ઉલ્લેખનિય છે કે, અમદાવાદના હાથીજણ પાસે આવેલા નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકો ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો હતો. સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રમ હિરાપુર ગામની સીમમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયો છે. ડીપીએસ સ્કૂલના પ્લે ગ્રાઉન્ડ અને આશ્રમ વચ્ચે કોઇ દીવાલ ઊભી કરાઈ નથી, પ્લે ગ્રાઉન્ડમાંથી સરળ રીતે આશ્રમમાં જઇ શકાય તે માટે ખુલ્લો રસ્તો છે. જેને પગલે ડીઇઓ(જિલ્લા શિક્ષણ અધિકારી)એ ડીપીએસને નોટિસ ફટકારી હતી. આમ આ સમગ્ર વિવાદમાં ડીપીએસની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદના હાથીજણ પાસે સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આશ્રમમાં રહેતી યુવતીઓ અને બાળકોને લેવા ડીપીએસ સ્કૂલની બસ આવતી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. DPS સ્કૂલમાં આશ્રમ ચાલતો હોવાની વાત સામે આવ્યા બાદ સંચાલકો સામે સવાલ ઉભા થયા છે.

“મહિલા સશક્તિકરણ SP અને CPની પ્રાથમિકતામાં નથી, રેપ રોકવા પોલીસ નિષ્ફળ: ADG અનિલ પ્રથમ