Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સિવિલ હોસ્પિટલની ડિઝાઇનમાં ખામી, CAG રિપોર્ટમાં સરકારના અનેક ભોપાળા સામે આવ્યાં

સિવિલ હોસ્પિટલની ડિઝાઇનમાં ખામી, CAG રિપોર્ટમાં સરકારના અનેક ભોપાળા સામે આવ્યાં

0
168

ગાંધીનગર: અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની ડિઝાઈનમાં ખામી હોવાની વાત સામે આવી છે. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)માં શુક્રવારે મૉનસૂન સેશનના (Monsoon Session) પાંચમાં અને અંતિમ દિવસે રજૂ કરવામાં આવેલા CAG રિપોર્ટ (CAG Report)માં આ બાબતનો ખુલાસો થયો છે.

CAG રિપોર્ટમાં સામે આવ્યું છે કે, હોસ્પિટલની ડિઝાઈનમાં ફાયર સેફ્ટીનું ધ્યાન નથી રાખવામાં આવ્યું. જેના કારણે રાજ્ય સરકારને વધારાના 37.96 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. આજ 1200 બેડની હોસ્પિટલમાં હાલના દિવસોમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત છે.

વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી રજૂ કરવામાં આવેલ CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિવિલ હોસ્પિટલના વિકાસ માટે 1200 બેડની હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત દરેક માળ પર હીટિંગ વેન્ટીલેશન એન્ડ એર કંડીશનિંગ (HVAC)ની વ્યવસ્થા કરવાની હતી. HVACની પાઈપોના પ્રવેશ માટે ઈમારતના બીમમાં અનેક ઠેકાણે કટ-આઉટ (ખાંચા) કરવામાં આવ્યા હતા. જેના કારણે બિલ્ડિંગના બીમમાં અનેક ઠેકાણે તિરાડો પડી ગઈ છે.

આ પણ વાંચો: UN મહાસભામાં ઈમરાનના ભાષણનો બહિષ્કાર, ભારતીય પ્રતિનિધિઓએ કર્યું વૉકઆઉટ

આ ખામીને દૂર કરવા માટે PIUએ IIT-કાનપૂરનો સંપર્ક કર્યો હતો. IIT-કાનપુરની ટીમે પોતાના રિપોર્ટમાં તારણ કાઢ્યું હતું કે, મૂળ ડિઝાઈનમાં જ ખામી હતી. જેમાં બીમમાં કટ-આઉટ માટે ખોટી જગ્યા, ભૂકંપગ્રસ્ત વિસ્તારને નજરઅંદાજ કરીને નબળું બાંધાકામ સહિતની ખામીઓ સામે આવી હતી.

પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ યુનિટ (PIU)એ IIT-કાનપુર તરફથી દર્શાવેલી ખામીઓને દૂર કરવા માટે 30.62 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા. આ બિલ્ડિંગની ડિઝાઈન અને પ્લાન પૂરતી મહેનત સાથે તૈયાર કરવામાં આવી હોત, તો આ ખર્ચો ના થાત.

CAGના રિપોર્ટે ગુજરાતમાં આયુષ વિભાગની પોલ ખોલી
હેલ્થ સેક્ટર પર પોતાના રિપોર્ટમાં CAGએ આયુષ વિભાગની ખામીઓ પણ ઉજાગર કરી છે. પોતાના રિપોર્ટમાં CAGએ આયુષ વિભાગ તરફથી રિસર્ચમાં કમી, ફાળવેલી રકમનો ખર્ચ ના કરી શકવા, 2015માં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને પૂરા ના કરવા, આયુષની દવાઓની ખરાબ ક્વોલિટી અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન તરફથી ચેકિંગ ના હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

CAGના ઑડિટમાં સામે આવ્યું કે, ગુજરાતમાં જે 8 જિલ્લાઓની તપાસ કરવામાં આવી. તેમાં 324 પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાંથી 125માં આયુષ ડૉક્ટરોની નિમણૂંક જ નથી થઈ. એટલે કે, 39 ટકા સ્વાસ્થ્ય કેન્દ્રો આયુષ ડૉક્ટરો વિના જ ચાલી રહ્યાં છે. આટલું જ નહીં, આ કેન્દ્રો પર આયુષ દવાઓ પણ પહોંચાડવામાં નથી આવી રહી.

રિપોર્ટમાં જણાવાયું છે કે, આયુષ સેવાના ભાગરુપ મુખ્ય કાર્યક્રમમાંથી એક એવો સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ (SHP), જેના થકી આયુષ વિભાગને સ્કૂલે જતાં બાળકોની સ્વાસ્થ્ય જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ કાર્યક્રમને રાજ્યમા લાગુ જ નથી કરવામાં આવ્યો.

કેન્દ્ર સરકારે રાજ્યના આયુષ વિભાગ માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી. જો કે ફેબ્રુઆરી-2019 સુધી તેમાંથી માત્ર 43 લાખ રૂપિયા જ ખર્ચ કરવામાં આવ્યાં હતા. જે પણ માત્ર સ્કૂલની હેલ્થ બુકલેટ છપાવવા પાછળ જ ખર્ચાયા હતા. એટલે કે, ફંડ મંજૂર થયા હોવા છતાં રાજ્યમાં આયુષની યોજનાઓ યોગ્ય રીતે લાગૂ જ નથી કરવામાં આવી.

જો કે ગુજરાત સરકારે જૂન-2020માં આયુષ કાર્યક્રમોને યોગ્ય રીતે લાગૂ ના કરવા પાછળ શિક્ષણ વિભાગને સહયોગ ના હોવાનું કારણ દર્શાવી પોતાનો બચાવ કર્યો હતો. આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે, આયુષ યોજનાઓ લાગૂ કરવા માટે શિક્ષણ વિભાગના સહયોગથી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જેથી ઉતકૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરી શકાય.