ગુજરાત એક્સક્લૂઝિવ: બોટાદ જિલ્લામાં કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારનો વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનો ફિયાસકો થયો. કાર્યક્રમના ફિયાસ્કા પાછળ બે કારણોને કારણભૂત માનવામાં આવી રહ્યાં છે. પ્રથમ તો બોટાદની જનતા માની રહી છે કે ભાજપ અયોગ્ય નેતાઓને આગળ કરી રહી છે. કાર્યક્રમની જવાબદારી એક એવા નેતાને આપી દીધી છે, જેનું નામ અમદાવાદ અસારવા સર્કિટ હાઉસ બહાર લોકોએ ક્યારેય સાંભળ્યો નથી. તો બીજા કારણ તરીકે આત્મારામ પરમાર જેવા વરિષ્ઠ નેતાઓને નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે. જાણકારી અનુસાર, કાર્યક્રમ દરમિયાન બોટાદ જિલ્લાના એકમાત્ર વરિષ્ઠ અને દલિત જન નેતા આત્મારામ પરમાર ગેરહાજર હતા.
Advertisement
Advertisement
સામાજિક ન્યાય કલ્યાણ મંત્રી પ્રદિપ પરમારને બોટાદમાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમને સફળ બનાવવાની પાર્ટી દ્વારા જવાબદારી સોંપઇ હતી. જોકે, તેમના કાર્યક્રમનો ફિયાસ્કો થતાં તેમને અને પાર્ટી બંનેને નીચું જોવાનો વારો આવ્યો છે. કાર્યક્રમની નિષ્ફળતાનો દોષનો ટોપલો પ્રદિપ પરમારે આયોજક અધિકારીઓ ઉપર ઢોળવાનો પ્રયાસ કર્યો. કાર્યક્રમ પછી પત્રકારોએ તેમને પૂછ્યું કે, બોટાદના તમારા કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી કેમ રહી ગઈ છે? શું બીજેપીએ બોટાદમાં કોઈ વિકાસના કામ બીજેપી દ્વારા કરવામાં આવ્યા નથી? પહેલા તો આ પ્રશ્નનો જવાબ તેઓ આપી શક્યા નહીં અને માત્ર હસીને જવાની કોશિશ કરી હતી. જોકે બીજી વખત પત્રકારોએ તેમને ઘેર્યા તે પછી પણ તેમને આ પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ કાર્યક્રમના મેનેજમેન્ટમાં ખરાબી રહી ગઈ હોવાનું કહીને અન્ય અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઢોર્યો હતો.
આ પણ વાંચો: વિપુલ ચૌધરીની ધરપકડથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ, કેમ ચર્ચામાં છે ‘અર્બુદા સેના’?
પ્રદિપ પરમારના કાર્યક્રમમાં ગણ્યા-ગાંઠ્યા લોકો આવતા તેમને માત્ર ખુરશીઓને ભાષણ આપીને ઘરે જવું પડ્યું હતું. કાર્યક્રમ નિષ્ફળ રહેતા તેની જાણકારી બહાર ના આવે તે માટે પત્રકારોને પણ તેના ફોટા અને વીડિયો લેવા દેવામાં આવી રહ્યાં નહતા, તેવી ચર્ચા ઉપર ચાલી રહી છે. જોકે લોકોએ તેના વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર ફરતાં કરી દીધા હતા.
એક સોશિયલ મીડિયા હેન્ડલે આ કાર્યક્રમના વીડિયો શેર કર્યા છે, જેના સાથે કેપ્શનમાં લખ્યું છે કે- “બોટાદ જિલ્લાની જનતા ભાજપનો વિકાસ જાણી ગઈ છે જનતાના ટેક્સના રૂપિયાના તાયફા કરવાનું બંધ કરો, વિશ્વાસ થી વિકાસ યાત્રાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીની હાજરીમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આજરોજ બોટાદ શહેરમાં માર્કેટિંગ યાર્ડ મા કેબિનેટ મંત્રીની હાજરીમાં કાર્યક્રમ થયો ફ્લોપ હોવાના દ્રશ્ય જોવા મળતા ખાલી ખુરશીઓ ના ફોટા લેવા મા પત્રકારોને રોકવામાં આવ્યા હતા.”
ઉલ્લેખનિય છે કે, આગામી ટૂંક જ સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે. ગુજરાતમાં વર્તમાનમાં આમ આદમી પાર્ટી પોતાની બધી જ શક્તિથી ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ સુરતમાં પગપેસારો પણ કરી દીધો છે. આપના પ્રમુખ નેતા ગણાતા ગોપાલ ઈટાલિયા બોટાદથી ચૂંટણી લડે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. તેવામાં પ્રદિપ પરમારે બોટાદમાં નિષ્ફળ કાર્યક્રમ કરીને બીજેપીને બેકફૂટ ઉપર ધકેલી દીધી છે. તે ઉપરાંત બોટાદની સીટ ઉપર કોંગ્રેસની હાજરીને પણ ભૂલવી જોઈએ નહીં.
Advertisement