Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > અબડાસા બેઠક પરથી પેટાચૂંટણી લડવાની માંગ સાથે મહિલાની HCમાં અરજી

અબડાસા બેઠક પરથી પેટાચૂંટણી લડવાની માંગ સાથે મહિલાની HCમાં અરજી

0
101
  • કચ્છની અબડાસા બેઠક પરની પેટાચૂંટણી માટે મહિલાની હાઈકોર્ટમાં અરજી
  • અરજદારનું નોમિનેશન ફોર્મ રદ કરતા આદેશને રદ કરવા અરજી

અબડાસા : કચ્છની અબડાસા બેઠક પર યોજાનાર પેટાચૂંટણી માટે મહિલાનું નોમિનેશન ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરાતા તેમણે બેઠક પરથી ચૂંટણી લડવા દેવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. મહિલા અરજદાર અરતીબેન ગોસ્વામી વતી એડવોકેટ સિકંદર સૈયદ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ‘ચૂંટણી અધિકારી દ્વારા અરજદારનું નોમિનેશન ફોર્મ રદ કરતા આદેશને રદ કરવામાં આવે. અરજદાર દ્વારા બીજી વાર જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું તેમાં ભૂલ સુધારી લીધી હોવા છતાં ચૂંટણી અધિકારીએ નોમિનેશન ફોર્મને અમાન્ય ગણાવ્યું હતું.’

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં વધુમાં એમ જણાવવામાં આવ્યું કે, ‘ચૂંટણી અધિકારીએ નોમિનેશન ફોર્મ રદ કરવાના બે કારણો આપ્યાં છે જેમાં એફિડેવિટના 20માં પાના પર 2(બી)(2) માં ભૂલ હોવાનું જણાવ્યું હતું. બીજું કારણ એમ આપવામાં આવ્યું કે પાના નંબર 15ના બ્લોક 4(6) (1,2,3,4,5) ને ખાલી રાખવામાં આવ્યું હતું. જેથી અરજદારનું નોમિનેશન ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મહિલા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ ભૂલ સુધારી હોવાં છતાં તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.’

આ સમગ્ર કેસની વિગત એવી છે કે ભુજની ૩૩ વર્ષીય મહિલાએ અબડાસા બેઠક પરથી પેટાચૂંટણી માટે અપક્ષ તરીકે નોમિનેશન ફોર્મ ભર્યું હતું. જો કે ચૂંટણી અધિકારીએ ભૂલોનું કારણ દર્શાવી મહિલાનું નોમિનેશન ફોર્મ રદ કરતાં તે મહિલાએ ચૂંટણી લડવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.