Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતનું મંત્રીમંડળ બદલી ભાજપે પ્રજાને જૂની બોટલમાં નવો નશો આપવાનો પ્રયાસ કર્યો

ગુજરાતનું મંત્રીમંડળ બદલી ભાજપે પ્રજાને જૂની બોટલમાં નવો નશો આપવાનો પ્રયાસ કર્યો

0
136

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાતના રાજકારણમાં હાલમાં જ મોટો ભૂકંપ આવ્યો, અચાનક મુખ્યમંત્રી સહીત આખે આખું મંત્રી મંડળ જ બદલાઈ ગયું.આ ઘટના બાદ જુના જોગીઓના તો જાણે હોંશ જ ઉડી ગયા હતા.વર્ષોથી ગુજરાતના મંત્રી પદે ચીટકી રહેલા જુના જોગીઓએ વર્ષો બાદ વિધાનસભામાં પાછલી પાટલી પર બેસવાનો વારો આવ્યો છે.એ જોતા કદાચ એમને સંકોચ જરૂર થતો હશે અથવા તો શરમમાં મુકાતા હશે એ વાત ચોક્કસ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે કરેલો આ અખતરો કેટલો કારગર નીવડે છે એ તો સમય બતાવશે પરંતુ ભાજપે હવે એ નક્કી કરવું પડશે કે ગુજરાતના મંત્રીઓમાં દમ નથી કે ભાજપ સરકારના વહીવટમાં…

છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાએ વિશ્વાસ રાખી ભાજપને મત આપી સત્તા સોંપી એટલે ભાજપે પણ પ્રજાને આખું મંડળ કેમ બદલ્યું એનું કારણ તો જણાવવુ જ રહ્યુ, બાકી એમ માની લેવાય કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની પ્રજા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે.ગુજરાતની 2017 વિધાનસભા ચૂંટણી પરિણામ પરથી જ એ સાબિત થયું હતું કે ગુજરાતની જનતામાં ભાજપ હવે ધીમેં ધીમે વિશ્વાસ ગુમાવી રહ્યુ છે.આગામી સમયમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભાજપે ગુજરાતનું આખું મંત્રી મંડળ બદલી કરેલો અખતરો કેટલો શુકન્યાળ નીવડે છે એ સાબિત થશે.

ગાંધીનગર મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો વર્ષ 2010માં ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ 2011 માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 11 વોર્ડની 33 બેઠકો માંથી કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી હતી.પણ અઢી વર્ષની ટર્મ પુરી થાય એ પેહલા કોંગ્રેસના મેયરે બળવો પોકાર્યો અને 3 સભ્યો સાથે ભાજપમાં જોડાયા અને ભાજપે સત્તા હાંસિલ કરી, એ બાદ આખી મેટર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગઈ.એપ્રિલ 2016 ની યોજાયેલી ચૂંટણીમાં 8 વોર્ડની 32 બેઠકો માંથી ભાજપને 16 અને કોંગ્રેસને 16 બેઠકો મળતા બન્નેવ વચ્ચે ટાઈ પડી હતી, પણ કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપના ટેકાથી મેયર બન્યા.હવે આ વખતની ત્રીજી ચૂંટણીમાં ભાજપ બહુમતી માટે કમર કસી રહી છે.તો બીજી બાજુ કોંગ્રેસ અને આપ પણ મેદાનમાં છે ત્યારે આ વખતનું ચિત્ર પણ કંઈક અલગ જ હશે.

ગુજરાતમાં આગળની તમામ ચૂંટણીઓ જીતવા ભાજપ નવાને કોંગ્રેસ જૂનાને અને આપ કેજરીવાલના પગલે છે ત્યારે આવનાર ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણી 2022 ની વિધાનસભા ચૂંટણી માટે નિર્ણાયક સાબિત થશે, એમ કહીએ તો ખોટું નથી કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એ વિધાનસભા ચૂંટણી પેહલાની સેમિફાઈનલ છે.ગુજરાતની ચૂંટણીઓ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આપ સહીત તમામ રાજકીય પક્ષો આંકડાની માયાજાળમાં પ્રજાનો વિશ્વાસ જીતવા રીતસરના હવાતિયાં મારી રહ્યાં છે એમ કહીએ તો બિલકુલ ખોટું નથી, પરંતુ આમાને આમા સાચી વાત પ્રજા સુધી પહોંચતી નથી એ બાબતનું દુઃખ પણ જરૂર થાય છે.

આ પણ વાંચો: #Column: સુખમાં છકી ન જશો, દુઃખમાં ભાંગી ન પડશો, યે દિન ભી બિત જાયેંગે

ગુજરાતની જો વાત કરીએ તો ભાજપે મુખ્યમંત્રી સહિત આખે આખું મંત્રીમંડળ બદલી ભૂતકાળની ભૂલો છૂપાવવા સત્તા પક્ષ સત્તા પરિવર્તન કરી ભૂલકણી પ્રજાને જૂની બોટલમાં નવો નશો આપવાનો પ્રયાસ કરી રહી છે, અને ફરીથી એકડા શીખવાડી એકડે એકથી શરૂઆત કરવા મજબૂર કરે છે.હવે પ્રજા પણ બિચારી કરે તો શું કરે, સરકાર ભાજપની આવે કોંગ્રેસની કે પછી અન્ય કોઈ પણ પક્ષની, પ્રજાની તો એટલી જ ઈચ્છા હોય છે કે સરકાર મોંઘવારી પર કાબુ મેળવે, જીવન ધોરણ ચલાવવા માટેનું બજેટ ખોરવાય નહિ.બાકી પ્રજા પણ એ જાણે જ છે કે સરકાર કોઈની પણ હોય પ્રજાના ભાગ્યમાં તો પીસાવાનું જ લખ્યું છે.

ભાજપે પોતાની સત્તા બચાવવા દોષનો ટોપલો પોતાના જ મંત્રીઓ પર નાખી દઈ માત્ર પક્ષની છબી સાફ કરવાનો પ્રયાસ કર્યો છે.આ તો એવું થયું કે શાળાના અનુભવી આચાર્ય અને શિક્ષકોને અચાનક પાણીચુ આપી તદ્દન નવા નિશાળીયાઓને શાળાનો વહીવટ સોંપાયો અને જવાબદારી એવી થોપાઈ કે શાળાનું રિઝલ્ટ અવવલ આવવું જોઈએ, હવે આ શક્ય છે ખરું?.ચાલો જે થયું એ ખરું પણ હવે જે લોકો સત્તામાં છે એમની પાસેથી આશા માત્ર એટલી જ રાખી શકાય કે આવનારી ચૂંટણી સમયે ભૂતકાળમાં પોતે આપેલા જુના વચનોને નવા વાઘા પહેરાવી પ્રજા વચ્ચે આવવાની જગ્યાએ સરકારે ક્યાં ક્યાં વચનો પુરા કર્યા એનું લિસ્ટ લઈને આવો તો સારું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat