ટીમ ઈન્ડિયાની બન્ને મેચોમાં શરમજનક હાર જોવા મળી હતી. જેના કારણે ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડીઓ પણ નારાજ દેખાઈ રહ્યા છે. ત્યારે હવે ન્યુઝિલેન્ડ સામેની હાર બાદ બુમરાહે બાયોબબલ વિશે ચર્ચા કરી હતી. બુમરાહે કહ્યું હતું, કોવિડને કારણે આજે ટીમોને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બાયોબબલમાં રહેવું પડે છે. ટીમના કોઈપણ સભ્યને કોવિડનું સંક્રમણ ન થાય એ માટે બાયોબબલ બનાવામાં આવે છે.
બુમરાહે મેચ પુરી થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને બ્રેકની જરૂરત હોય છે. તમે તમારા પરિવારને યાદ કરો છો. તમે 6 મહિનાથી સતત રમી રહ્યો છો. એથી ક્યાંક ને ક્યાંક આ બાબતની અસર થાય છે, પરંતુ જ્યારે તમે મેદાનમાં હોવ ત્યારે આ વિશે તમે નથી વિચારતા. તમે ઘણી બાબતો નિયંત્રણમાં નથી રાખી શકતા. પૂરો કાર્યક્રમ બને છે- કોણ, ક્યારે, કોની સામે રમશે. તેથી બબલમાં રહેવું અને પોતાના પરિવારથી દૂર રહેવું એ પણ આટલા લાંબા સમયથી, એનાથી ખેલાડી પર માનસિક અસર પડે છે.
બુમરાહે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે BCCIએ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. આ સમયે અમે જે સમયમાં જીવી રહ્યા છે એ ઘણો મુશ્કેલ છે. મહામારી ચાલુ છે. અમે સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બબલનો થાક માનસિક સ્વાસ્થ્યને ખરાબ કરી રહ્યો છે. તમે એક જ વસ્તુ વારંવાર નથી કરી શકતા.
એકવાર તમે ટોસ હારી જાઓ છો ત્યારે વિકેટ બીજી ઇનિંગ્સમાં ફેરવાઈ જાય છે, તેથી મેં વિચાર્યું કે આપણે બોલરોને થોડો ચાન્સ આપવો જોઈએ. બેટ્સમેનો સાથે આ જ ચર્ચા થઈ રહી હતી. અમે થોડા ઝડપી આક્રમક થયા અને લાંબી બાઉન્ડરીને કારણે થોડી મુશ્કેલી પડી. ન્યૂઝીલેન્ડે ધીમા બોલનો શાનદાર ઉપયોગ કર્યો. તેમણે વિકેટનો શાનદાર ઉપયોગ કરીને અમારા બેટ્સમેનો માટે મોટા શોટ ફટકારવાનું મુશ્કેલ બનાવ્યું. સિંગલ્સ પણ નહોતા આવતા.