Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BTP – AIMIM વચ્ચે ભંગાણ પડયું હોવાની ભારે ચર્ચાથી રાજકીય ગરમાવો

BTP – AIMIM વચ્ચે ભંગાણ પડયું હોવાની ભારે ચર્ચાથી રાજકીય ગરમાવો

0
119
  • કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને બીટીપીના વસાવા વચ્ચે બેઠક યોજાતાં તરેહ-તરેહની ચર્ચા શરૂ

  • એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી બાદ બીટીપીના MLA સાથે કોંગ્રેસની ગુપ્ત બેઠક યોજાઇ

ગાંધીનગર: આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં ગરમાવો આવતો જાય છે. ભાજપ તબક્કાવાર બેઠકો યોજીને વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે કવાયત હાથધરી છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકી એક પછી એક રાજકીય પક્ષોના પ્રાદેશિક નેતાઓ સાથે બેઠક યોજીને સાંઠગાંઠ શરૂ કરી દીધી છે. થોડાં દિવસ પહેલાં જ નેશનલ કોંગ્રેસ પાર્ટી ( NCP )ના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી ( પટેલ ) બાદ આજે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક યોજાતાં જ ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યાં સુધી કે AIMIM તથા BTP વચ્ચે ભંગાણ પડયું છે અને બીટીપીનું કોંગ્રેસ સાથે જોડાણ થઇ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને લઇને તમામ રાજકીય પક્ષોએ કવાયત હાથધરી દીધી છે. ભાજપની સાથે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની તમામ બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખવાની તાજેતરમાં જ આપના રાષ્ટ્રીય સંયોજક સુપ્રિમો અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી. ત્યારે અસ્તિત્વ સામે લડી રહેલી કોંગ્રેસે પણ વિખૂટા પડેલાં પક્ષોની સાથે પુન જોડાણ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. કોંગ્રેસમાંથી વિખૂટા પડેલાં શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાય તેવી વાતો વહેતી થઇ છે. આ વચ્ચે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસીંહ સોંલકી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી ( એન.સી.પી. )ના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ ( બોસ્કી ) વચ્ચે ગુપ્તરાહે બેઠક યોજાઇ હતી. ત્યાં વળી આજે ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બી.ટી.પી.)ના ધારાસભ્ય મહેશ વસાવા વચ્ચે બેઠક યોજાતાં તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઇ જવા પામી છે.

આ અંગે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ ભરતસીંહ સોંલકીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા મને મળવા આવ્યા હતા તેમણે પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. રાજસ્થાનમાં પણ બીટીપી કોંગ્રેસને ટેકો આપ્યો હતો. તેમના બે ધારાસભ્યો છે. 2017માં પણ અમે સાથે ચૂંટણી લડયા હતા. બે ધારાસભ્યો બીટીપીના ચૂંટાયા હતા. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતના પ્રમુખની બાબતમાં રાજકીય મતભેદના કારણે બીટીપીએ ટેકો પાછો ખેંચો લીધો હતો. તેની સાથે અહીંયા પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સમર્થન આપવાના બદલે AIMIM સાથે ગઠબંધન કર્યું હતુ. કદાચ હવે તેમને એવું લાગ્યું હોય કે ભાજપ એક કટ્ટરતાવાદી પાર્ટી છે તે જ રીતે AIMIM પાર્ટી પણ કટ્ટરતાવાદી પાર્ટી છે તેનો અનુભવ તેમને થયો. તેના ભાગરૂપે તેમને એવું લાગ્યું AIMIM સાથે બેસવાથી લાભના બદલે નુકસાન થયું છે. જે પ્રજાહિતમાં ન હતું. તેવું ફીલ કર્યા પછી તેમણે જે લાગણી વ્યક્ત કરી હતી કે, કોંગ્રેસ સાથે બેસીને ફરીથી કામ કરી શકાય તેવી તેમણે મનની ઇચ્છા વ્યક્ત કરી છે.

આ અંગે ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુભાઇ વસાવા તથા ધારાસભ્ય મહેશભાઇ વસાવાનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat