- બીએસએફના આઈ. જી. જી.એસ. મલિકની દેખરેખ હેઠળ હાથ ધરાયેલું ઓપરેશન સફળ રહ્યું
- ખરાબ મોસમ, દળદળ અને ભરતીની ઓટના પડકારો ભર્યા પરિબળો સામે ઝઝૂમીને BSFનું સર્ચ ઓપરેશન ચાલુ
ગાંધીનગર: ભુજના હરામીનાળા ક્ષેત્રમાં પાકિસ્તાની નૌકાઓ અને માછીમારોની ઘુસણખોરી વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં બીએસએફ ગુજરાતના જાંબાઝ કમાન્ડોએ 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા છે જો કે અત્યંત પડકારજનક એવા આ ઓપરેશનમાં બીએસએફના જવાનો ખરાબ મોસમ, દળદળ અને ભરતીની ઓટના પડકારો ભર્યા પરિબળો સામે ઝઝૂમીને પણ સમગ્ર ઓપરેશન આગળ ધપાવી રહ્યા છે. અગાઉ 11 પાકિસ્તાની માછીમારોની નૌકાઓ પકડી હતી.
ગઈકાલ 9મી હરામી નાળાના સામાન્ય વિસ્તારમાં પાકિસ્તાની માછીમારી નૌકાઓ તથા માછીમારોની ઘૂસણખોરી થઈ હોવાની માહિતી મળી હતી. જેના પગલે બીએસએફના ડી.આઈ. જી.એ તાત્કાલિક 300 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગી ઓપરેશન હાથ ધર્યું હતું.
ગુજરાતના IPS અને બી.એસ.એફ., ગુજરાત ફ્રન્ટ્રીયર IG જી.એસ. મલિક ગાંધીનગરથી તાબડતોબ ક્ચ્છ પહોંચી ગયા હતા. તેમની દેખરેખ હેઠળ બી.એસ.એફે. સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બીએસએફે 11 પાકિસ્તાની માછીમારી નૌકાઓ જપ્ત કરી હતી. અને 3 જુદા જુદા સ્થળોએથી એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા કમાન્ડોના 3 ગ્રૂપને ઉતારવામાં આવ્યા છે. અને પાકિસ્તાનીઓ જ્યાં છુપાયા હતા ત્યાં કમાન્ડો નજીક પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી. જો કે તે વિસ્તારમાં ભરતીની ઓટ ફરી વળતી હોવાની સાથે દલદલ તેમ જ મેન ગ્રોવ્સના વૃક્ષો હોવાથી પડકારજનક હોવા છતાં બીએસએફ કમાન્ડોએ હિંમતભેર ઓપરેશન ચાલુ રાખીને આજે 6 પાકિસ્તાનીઓને પકડી લીધા છે. છતાં હજુ તપાસ ચાલુ છે.