Gujarat Exclusive > દેશ-વિદેશ > બ્રિટિશ કંપની કેર્ન એનર્જી સામે કેન્દ્ર સરકારે નમતું જોખ્યું, 7,900 કરોડનો ટેક્સ કર્યો પરત

બ્રિટિશ કંપની કેર્ન એનર્જી સામે કેન્દ્ર સરકારે નમતું જોખ્યું, 7,900 કરોડનો ટેક્સ કર્યો પરત

0
86

બ્રિટિશ કંપની કેર્ન એનર્જીએ ફ્રાન્સથી લઈને અમેરિકા સુધી ભારતીય સંપત્તિઓ જપ્ત કરવાના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પાછલી અસરથી કર વસૂલાત (રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ)નો કાયદો પાછો ખેંચવાની જાહેરાત કર્યા પછી કંપનીએ આ જાહેરાત કરી છે. કેર્ન એનર્જીએ મંગળવારે જણાવ્યું હતું કે પાછલી અસરથી કર વસૂલાતનો કાયદો રદ થવાને પરીણામે તેને એક અબજ યુએસ ડોલરનું રીફંડ મળ્યાના કેટલાક જ દિવસમાં કંપની ભારત સામે ફ્રાન્સ, અમેરિકા સહિતના દેશોમાં ભારતીય સંપત્તિ જપ્ત કરવા માટે કરેલા કેસો પાછા ખેંચી લેશે.

ભારતે કેર્નની એક અબજ ડોલરની રકમ પાછી આપવાની દરખાસ્ત માની લીધી છે. કેર્નના જણાવ્યા મુજબ તે 1 અબજ ડોલરનું રિફંડ મળ્યાના 1-2 દિવસમાં જ ફ્રાન્સથી લઈને અમેરિકામાં ભારતીય સંપત્તિઓ જપ્ત કરવા માટે કરેલા કેસોને પાછા ખેંચવાની કાર્યવાહી શરૂ કરી દેશે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં જ પાછલી અસરથી કર વસૂલાત (રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ)નો કાયદો રદ કર્યો હતો. કેર્ન એનર્જીએ કેન્દ્રની આ નીતિને સાહસિક નિર્ણય ગણાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં ભારત સરકાર સામેનો કેસ જીતી ગયા પછી કેર્ન એનર્જીએ અમેરિકામાં એર ઈન્ડિયાના વિમાનો અને પેરિસમાં રાજદ્વારી એપાર્ટમેન્ટ જપ્ત કરવા માટે કેસ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટે ભારતને કેર્ન એનર્જીને 1.2 અબજ યુએસ ડોલર તથા વ્યાજ અને દંડની રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો.

વર્ષ 2012માં અમલી બનેલા રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા હેઠળ આવકવેરા વિભાગને 50 વર્ષ જૂના કેસોમાં પણ કેપીટલ ગેઈન ટેક્સ લગાવવાનો અધિકાર અપાયો હતો. વધુમાં આ કાયદા હેઠળ કોઈ કંપનીના માલિકી હકમાં ફેરફાર વિદેશમાં થયો હોય, પરંતુ તેની વ્યાપારિક સંપત્તિઓ ભારતમાં હોય તો તેના પર પણ આ કાયદો લાગુ થતો હતો. કેર્ન એનર્જીએ ભારતમાં રાજસ્થાનના રણમાં ઓનલેન્ડ ઓઈલના સૌથી મોટા ભંડારની શોધ કરી હતી.

કેર્ન એનર્જીના સીઈઓ થોમસન મુજબ ભારત સરકાર સામેના બધા જ કેસો પાછા ખેંચવા અને ભારત સરકાર દ્વારા પાછલી અસરથી કર માગણીને પગલે જપ્ત કરવામાં આવેલી રકમ પાછી આપવાની દરખાસ્ત તેમને મંજૂર છે. કેર્નના કેસમાં રિફંડ મળ્યાના થોડાક જ દિવસમાં કંપની ભારત સરકાર સામેના બધા જ કેસ પાછા ખેંચી લેશે.

કેર્નના શૅરધારકોએ પણ આ દરખાસ્ત સ્વીકારી લઈને વિવાદ ખતમ કરવાની તરફેણમાં છે. થોમસનના જણાવ્યા મુજબ બ્લેકરોક અને ફ્રેન્કલિન ટેમ્પલ્ટન જેવા કંપનીના કેટલાક મહત્વપૂર્ણ શૅરધારકોએ આ દરખાસ્ત મંજૂર કરી લીધી છે. અમારું માનવું છે કે બંને પક્ષો વચ્ચેનો વિવાદ ખતમ કરીને આગળ વધવું જોઈએ. અનેક વર્ષો સુધી કાયદાકીય કેસ ચલાવી રાખવો બંનેમાંથી કોઈપણ પક્ષના હિતમાં નથી.

યુપીએ સરકારમાં અમલી બનેલા રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદાથી રોકાણ સ્થળ તરીકે વૈશ્વિક સ્તરે ભારતની ખરડાયેલી પ્રતિષ્ઠા સુધારવા માટે કેન્દ્ર સરકાર અનેક વિદેશ કંપનીઓ સામેના રૂ. 1.1 લાખ કરોડના ક્લેમને પડતો મૂકવા ગયા મહિને રેટ્રોસ્પેક્ટિવ કાયદો રદ કરતો નવો કાયદો લાવી હતી. આ સાથે કેન્દ્ર સરકારે ટેલિકોમ ક્ષેત્રે વોડાફોન, ફાર્માસ્યુટિકલ કંપની સનોફી અને બુ્રઅરી સાબમીર, જે હવે એબી ઈન્બેવ તરીકે ઓળખાય છે અને કેર્ન સામેના આઉટસ્ટેન્ડિંગ ક્લેમ પડતા મૂક્યા હતા.

વધુમાં સરકારે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા હેઠળ આ કંપનીઓ પાસેથી વસૂલ કરેલા રૂ. 8,100 કરોડ વ્યાજ અને દંડના ક્લેમ સહિતના કાયદાકીય કેસો પાછા ખેંચવાની શરતે પાછા આપવા તૈયારી પણ બતાવી હતી, જેમાંથી રૂ. 7900 કરોડ કેર્નને આપવાના થાય છે. કેર્ને મંગળવારે તેના અર્ધવાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કંપની ભારત સરકાર પાસેથી મળનારા રૂ. 7,900 કરોડ (106 અબજ યુએસ ડોલર)માંથી 700 મિલિયન યુએસ ડોલર સ્પેશિયલ ડિવિડન્ડ ને બાયબેક ઓફર મારફત શૅરધારકોને પાછા આપશે.

કંપની ભારતમાં ફરીથી રોકાણ કરવા માગશે કે કેમ તેવા સવાલના જવાબમાં થોમ્સને જણાવ્યું હતું કે ચોક્કસ, ભારત સરકાર સાથેના વિવાદનો ઉકેલ આવી ગયા પછી ભારત અમારા માટે રોકાણનું સંભવિત સ્થળ બની શકે છે. અમને તક જણાશે ત્યારે ભારતમાં રોકાણ કરીશું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat