Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધો. 10 બાદ હવે ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત

ધો. 10 બાદ હવે ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત

0
51
  • ધો. 12 સામાન્ય પ્રવાહના ફોર્મ પણ ધો. 10ની સાથે જ 22 નવેમ્બરથી ઓનલાઈન ભરાવવામાં આવશે

  • ધો. 12 સાયન્સની પરીક્ષા માટેના ફોર્મ 25 નવેમ્બરથી ભરાશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 બાદ હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ કરવાની આજે સત્તાવાર જાહેરાત કરી છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના ફોર્મ પણ ધોરણ-10ની સાથે જ 22 નવેમ્બરથી ઓનલાઈન ભરાવવામાં આવશે. જ્યારે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટેના ફોર્મ 25 નવેમ્બરથી ભરાશે. પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને એક માસનો સમય આપવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ-2022માં લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરતા પહેલા બોર્ડ દ્વારા સ્કૂલ રજીસ્ટ્રેશન અને શિક્ષક રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી શરૂ થયા બાદ બોર્ડ દ્વારા સૌપ્રથમ ધોરણ-10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવા અંગેની કામગીરીની સત્તાવાર જાહેરાત કરી હતી. જે મુજબ ધોરણ-10ના ફોર્મ 22 નવેમ્બરથી ભરવામાં આવશે તેમ જણાવાયું હતું.

જોકે, હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની સાથે ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીના પણ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવા અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ તરત જ 22 નવેમ્બરથી ભરાવવામાં આવશે. આ કામગીરી 21 ડિસેમ્બર સુધી ચાલશે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ એક માસમાં ભરી દેવા માટે તાકીદ કરાઈ છે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થયા બાદ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાશે. ધોરણ-12 સાયન્સના ફોર્મ રેગ્યુલર ફી સાથે 25 નવેમ્બરથી ભરાવવામાં આવશે. સાયન્સના ફોર્મ પણ ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહની જેમ જ ઓનલાઈન ભરવાના રહેશે. સાયન્સના વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષા ફી કેટલી લેવામાં આવશે ?

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સાથે ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સની પરીક્ષા ફી પણ નક્કી કરી છે. જેમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ માટેની ફી રૂ. 490 રાખવામાં આવી છે. જ્યારે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. 140 બે વિષયની રૂ. 220 ત્રણ વિષયની રૂ. 285 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 490 ફી રહેશે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની રૂ. 605 ફી રહેશે. જ્યારે નિયમિત રિપીટરની એક વિષયની રૂ. 180, બે વિષયની રૂ. 300, ત્રણ વિષયની રૂ. 420 અને ત્રણ કરતા વધુ વિષયની રૂ. 605 ફી રાખવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat