Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > બંગાળમાં ભાજપની સુનામી, આંતરિક સર્વેમાં 187-195 બેઠક મળવાની શક્યતા

બંગાળમાં ભાજપની સુનામી, આંતરિક સર્વેમાં 187-195 બેઠક મળવાની શક્યતા

0
182

અભિષેક પાંડેય, કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે, જ્યારે હજુ 5 તબક્કા માટે મતદાન બાકી છે. 2 મેએ ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે બંગાળમાં કોની સરકાર બનશે. જોકે, આ પહેલાં ભાજપનો આંતરિક સર્વે સામે આવ્યો છે જેમાં ભગવા સુનામી જોવા મળી રહી છે. બંગાળમાં ભાજપને 187-195 બેઠક મળવાનું અનુમાન છે.

એક સીનિયર પત્રકારનું કહેવુ છે કે, “ભાજપ બંગાળમાં ચૂંટણી જીતી રહ્યો છે. ભાજપે બંગાળને જીતવા માટે પૈસાનો પાણીની જેમ ઉપયોગ કર્યો, ભાજપ હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ કરાવવામાં સફળ રહ્યો, સોશિયલ મીડિયા કેમ્પેઇન પણ સારી રીતે ચલાવ્યું. ભાજપે મમતાની તૃણમૂલ કોંગ્રેસને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી છે અને તેની કરપ્ટ પાર્ટી તરીકેની ઇમેજ ઉભી કરી છે જેનો ફાયદો પણ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે.” 2016 વિધાનસભા ચૂંટણી પહેલા પણ શારદા કૌભાંડ અને નારદ સ્ટિંગ મામલે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.જોકે, તે સમયે તૃણમૂલ કોંગ્રેસને કોઇ ફેર પડ્યો નહતો અને તે ચૂંટણી જીતી ગઇ હતી.

પશ્ચિમ બંગાળમાં જ્યારે મતોનું વલણ બદલાય છે તો પરિવર્તનની આંધી ફૂંકાય છે. સીનિયર પત્રકારે કહ્યુ કે 1972ની વિધાનસભા ચૂંટણીમાં માકપાની 14 બેઠક હતી, જે 1977માં 178 બેઠક થઇ ગઇ. બંગાળમાં 34 વર્ષ સત્તામાં રહેલી માકપા 2011ની વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠક પર આવી ગઇ હતી. આ રીતે જ મમતાની તૃણમૂલ કોંગ્રેસની 2006ની ચૂંટણીમાં 30 બેઠક હતી જ્યારે 2011ની વિધાનસભા ચૂંટણીમાં TMCએ 184 બેઠક જીતીને સત્તા મેળવી હતી. આવી જ રીતે 2004માં લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના એક જ સાંસદ હતા, જે 2009માં 19 થઇ ગયા. ભાજપનું પણ આવુ જ છે. 2014માં ભાજપ માત્ર 2 લોકસભા બેઠક જીત્યો હતો જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાંથી ભાજપના 18 સાંસદ ચૂંટાઇ આવ્યા. જોકે, 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વધુ ફરક જોવા નહી મળે.”

બીજા એક સીનિયર એડિટર વિશ્વજીત ભટ્ટાચાર્યનું કહેવુ છે કે, “બંગાળમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે રમખાણો ઘણી ઓછી જગ્યાએ થતા હતા, 2019ની લોકસભા ચૂંટણીમાં પણ આ ફેક્ટરે કામ કર્યુ નહતું પણ 2021ની વિધાનસભા ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો સૌથી મોટો મુદ્દો છે. નંદીગ્રામ અને આરામબાગમાં હિન્દુ-મુસ્લિમ મતોનું સૌથી વધુ ધ્રુવીકરણ જોવા મળી રહ્યુ છે. સાઉથ 24 પરગણા અને નોર્થ 24 પરગણામાં ભાજપના જીતવાના ચાન્સ વધુ છે.” નંદીગ્રામ વિધાનસભા બેઠક પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના એક સમયના નજીકના સાથી રહેલા શુભેન્દુ અધિકારી આમને-સામને છે. નંદીગ્રામ વિધાનસભા બેઠકને લઇને બંગાળમાં લેફ્ટનું રાઇટ જોઇ ચુકેલા સીનિયર એડિટર વિશ્વજીત ભટ્ટાચાર્યનું કહેવુ છે કે, “નંદીગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. નંદીગ્રામની વોટિંગ પેટન્ટ કોમ્પલિકેટેડ છે, દર 2 મિટરના અંતરે મતદારોનો મૂડ બદલાય છે.”

ભારતીય જનતા પાર્ટી (BJP)ના આંતરિક સર્વેમાં ત્રણ બાબતો બંગાળમાં સરકાર બનાવવા માટે મહત્વની સાબિત થઇ રહી છે.

1- વર્ષોથી મુસ્લિમ સેન્ટિમેન્ટ હતું તેને ભાજપ વેગ આપવામાં સફળ રહ્યો.
2- મમતા બેનરજીના પોતાના વિશ્વાસુ લોકો હતા, તેમણે પાર્ટીમાં યોગ્ય સન્માન ના મળ્યુ અને જે કામ કરી શકતા હતા તેમની કોઇ વેલ્યુ ના રહી.
3- મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી, જેને કારણે મોટાભાગના લોકોને ભાજપ તોડવામાં સફળ રહ્યો.

‘અબ કી બાર 200 કે પાર’

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જે રીતે 18 બેઠક મેળવી હતી, તે રાજકીય પંડિતોની સાથે સાથે મમતા માટે પણ ચોંકાવનારી વાત હતી. મિશન 2021 માટે ભાજપ સંગઠને જે રીતે પોતાની પુરી તાકાત લગાવી દીધી તેનો ફાયદો પાર્ટીને જમીની સ્તર પર મળતો જોવા મળી રહ્યો છે. ભાજપ ‘અબ કી બાર 200 કે પાર’ના નારા સાથે ચૂંટણી લડી રહ્યો છે.

બંગાળમાં મતોનું ધ્રુવીકરણ કરવામાં ભાજપ સફળ

બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે ધ્રુવીકરણનો સહારો લીધો. બંગાળમાં ભારતીય જનતા પક્ષએ ખુલીને હિન્દુ-મુસ્લિમનુ કાર્ડ રમ્યુ તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ પણ ખુદને હિન્દૂ-હિતૈષી બતાવવામાં લાગી ગઇ હતી.

બાંકુડા જિલ્લાના વિષ્ણુપુરમાં 25 માર્ચે એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ, “ઉત્તર પ્રદેશથી ભગવાવસ્ત્રધારી અને પાન બહાર ચાવતા ગુંડા અહીં મોકલવામાં આવી રહ્યા છે, તે અમારી સંસ્કૃતિ નષ્ટ કરી રહ્યા છે.” તૃણમૂલ કોંગ્રેસ પાન બહાર અને ગુટખાનો ઉપયોગ બંગાળી Vs બાહરી ધ્રુવીકરણમાં કરી રહી છે તો ભાજપ અને તેના સહયોગી સંગઠન બંગાળમાં જિહાદી પ્રભાવને મુદ્દો બનાવી રહ્યા છે.

બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે 27 ફેબ્રુઆરીએ ટ્વીટ કરી કે, આગામી વિધાનસભા ચૂંટણી અમારી જમીન બચાવવાની લડાઇ છે. ઘૂષણખોરી અને અનિયંત્રિત જન્મદરથી જનસંખ્યા બદલાઇ રહી છે. જિહાદી ગતિવિધિ પણ વધી રહી છે. તૃણમૂલે જે વાત ઉઠાવી તેની અસર કોલકાતા અને તેની આસપાસના શહેરી વિસ્તારમાં વધુ થઇ જ્યારે ભાજપની વાતની અસર ગ્રામીણ વિસ્તારમાં અનેક લોકોને પ્રભાવિત કરી રહી છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા તથા બીરભૂમ જિલ્લાના કેટલાક ભાગમાં મુસ્લિમ વસ્તી વધુ છે ત્યાં ધર્મના આધાર પર ધ્રુવીકરણ વધુ જોવા મળ્યુ. 2011ની વસતી ગણતરી અનુસાર બંગાળમાં 27 ટકા વસ્તી મુસ્લિમોની છે.

30 માર્ચે નંદીગ્રામમાં યોજાયેલી અંતિમ પ્રચાર રેલીમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે, “જ્યારે હું પૂજા કરવા મંદિરમાં ગઇ, તો પૂજારીએ મને મારૂ ગોત્ર પૂછ્યું, મેં કહ્યુ, ‘માં,માટી,માનુષ’. ત્રિપુરામાં ત્રિપુરેશ્વરી મંદિરમાં પણ મે આ જ કહ્યુ હતું, મારૂ ગોત્ર શાંડિલ્ય છે.”

બીજી તરફ એક સમયના મમતાના ખાસ શુભેન્દુ અધિકારીએ પણ નંદીગ્રામમાં એક રેલીમાં કહ્યુ હતું, “તે લોકોએ કેટલીક ગ્રામ પંચાયતોને પાકિસ્તાન જેવી બનાવી દીધી છે. જો પાકિસ્તાન ક્રિકેટ મેચ જીતે છે તો, તે ફટાકડા ફોડે છે, મીઠાઇ વહેંચે છે અને પાર્ટી કરે છે. તમે લોકો નંદીગ્રામને તે લોકોને સોંપવા માંગો છો…જરા તેના પર વિચારો.”

Dipak Haldar Resigned from TMC

મમતાના માનીતા લોકોને પાર્ટીમાં સન્માન ના મળ્યુ

મમતા બેનરજીના માનીતા લોકોને પાર્ટીમાં સન્માન ના મળ્યુ, જેનો સીધો ફાયદો ભાજપને થયો. ભાજપ સામે કરો યા મરોનો જંગ લડી રહેલા મમતાની સૌથી મોટી મુશ્કેલી ભાજપના તે સેનાપતિ છે, જે થોડા સમય પહેલા મમતાના સૌથી વિશ્વાસપાત્ર સેનાપતિ હતા. જેમાં સૌથી પ્રથમ નામ મુકુલ રૉયનું છે, જેમણે ગ્રામીણ બંગાળમાં તૃણમૂલના મૂળ મજબૂત કરવાનો શ્રેય આપવામાં આવે છે.આજે જો નોર્થ બંગાળ, હિલ્સ અને જંગલ એરિયા તૃણમૂલના હાથમાંથી નીકળીને ભાજપ પાસે જાય છે તો તેનA શ્રેય મુકુલ રોયને જ છે. આ સિવાય મમતાના બીજા સેનાપતિઓના બળવા પાછળ પણ મુકુલ રોયનો જ હાથ માનવામાં આવે છે. શુભેન્દુ અધિકારી અને દિનેશ ત્રિવેદી સહિત આવા કેટલાક નામ છે, જેમણે કાલ સુધી ટીએમસીને મજબૂત બનાવવાનું કામ કર્યુ, પણ આજે તે તૃણમૂલને ઉખાડી ફેંકવામાં જોડાયેલા છે.

પાર્ટીમાં બળવો, ભાઇ-ભત્રીજાવાદનો આરોપ

જ્યારે શુભેન્દુ અધિકારીએ TMC છોડી દીધી ત્યારે મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીને પાર્ટીમાં આગળ વધારવાનો અસંતોષ ખુલીને સામે આવ્યો હતો. ધીમે ધીમે આ યાદીમાં ટીએમસીના કેટલાક ધારાસભ્ય અને સ્થાનિક સ્તરના મોટા નેતાઓના નામ સામેલ થઇ ગયા.મમતાએ આ અસંતોષને રોકવાની જગ્યાએ કહ્યુ કે, પાર્ટી છોડીને જનારાઓ માટે દરવાજા ખુલ્લા છે. એવામાં ભાઇ-ભત્રીજાવાદના આરોપોને વધુ બળ મળ્યુ અને બળવાખોરો પાર્ટી છોડીને જવા લાગ્યા હતા.

એન્ટી ઇન્કમબેન્સી ફેક્ટર

મમતા બેનરજી છેલ્લા 10 વર્ષથી પશ્ચિમ બંગાળમાં સત્તા પર છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થા, બાંગ્લાદેશી ઘુષણખોરી, દુર્ગા પૂજા અને વિસર્જન પર રોક, મોંઘવારી સહિત એવા કેટલાક મુદ્દા છે, જેને લઇને લોકોમાં સરકાર વિરૂદ્ધ નારાજગી વધી છે જેનો લાભ ભાજપે ઉઠાવ્યો અને તેને ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો અને મમતા સામે પ્રહાર કર્યા. બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે તેને જોતા તો એમ જ લાગે છે કે બંગાળમાં “અબ કી બાર, મોદી સરકાર”, “2 મઇ, દીદી ગઇ”.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat