-
છોટુ વસાવાનો પુત્ર દિલીપ વસાવા અને છોટુ વસાવાના જમણો હાથ અનિલ ભગતની પણ હાર
-
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માંથી ભાજપે 19, કોંગ્રેસે 2 અને બિટીપીએ 1 બેઠક મેળવી
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી.2 જી ફેબ્રુઆરીએ રાજપીપલા નગરપાલિકાના મતદાનની મતગણતરી રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતે, નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન-મામલતદાર કચેરી ખાતે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી.નર્મદા જિલ્લામાં ભાજપનો ભગવો લેહેરાયો છે અને કોંગ્રેસનો અને બિટીપીનો સફાયો થયો છે.
નર્મદા જિલ્લા પંચાયત સહિત નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા, સાગબારા તાલુકા પંચાયત સહીત રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો લેહેરાયો હતો.નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માંથી ભાજપે 19, કોંગ્રેસે 2 અને બિટીપીએ 1 બેઠક મેળવી છે.તો બીજી બાજુ નાંદોદ તાલુકા પંચાયતની 18 બેઠકો માંથી ભાજપે 13, કોંગ્રેસે 2 અને અપક્ષે 1 તથા ગરુડેશ્વર તાલુકા પંચાયતની 18 બેઠકો માંથી ભાજપે 11 અને કોંગ્રેસે 7 બેઠકો તથા તિલકવાડા તાલુકા પંચાયતની 16 બેઠકો માંથી ભાજપે 10 કોંગ્રેસે 5 અને અપક્ષે 1 તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતની 22 બેઠકો માંથી ભાજપે 16, કોંગ્રેસે 4 અને બિટીપીએ 2 તથા સાગબારા તાલુકા પંચાયતની 18 બેઠકો માંથી ભાજપે 12, કોંગ્રેસે 3, બિટીપીએ 2 અને અપક્ષે 1 બેઠક મેળવી છે.રાજપીપળા પાલિકાની 28 બેઠક માંથી ભાજપે 16, કોંગ્રેસે 6 અને અપક્ષે 6 બેઠકો મેળવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના લોકો સરકાર સામે ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા, જેથી એ 6 ગામની કેવડિયા બેઠક પર આખા ગુજરાતની નજર હતી ત્યારે એ બેઠક પર ભાજપનો વિજય થયો છે.નર્મદા જિલ્લા પંચાયતની વડીયા બેઠક પરથી કાકા કિરણ વસાવા અને ભચરવાડા તાલુકા પંચાયત પરથી ભત્રીજી હિનલ વસાવાની જીત થઈ છે.
નર્મદા જિલ્લામાં આ મહારથીઓ હાર્યા
નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ ચીકદા બેઠક પર હારનો સામનો કરવો પડયો છે.જ્યારે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાની પુત્રી મનીષા વસાવાએ આમલેથા જિલ્લા પંચાયત, પુત્ર જતીન વસાવાએ ઢોલારા, જમાઈ અલ્પેશ વસાવાએ ગામકુવા તાલુકા પંચાયત પરથી હારનો સામનો કરવો પડયો છે.જ્યારે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામુ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ દિનેશ તડવીના પુત્ર રણજીત તડવીની પણ કેવડિયા બેઠક પર અને વડીયા જિલ્લા પંચાયત બેઠક પર જયંતિ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન મુકેશ રોહિત, બળવંતસિંહ ગોહિલ, તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ કપૂર ભીલની હાર થઈ છે.
રાજપીપળા નગરપાલિકાને મળશે મજબૂત વિપક્ષ
રાજપીપળા નગરપાલિકામાં આ વખતે ભાજપને 16 બેઠકો મળી છે.જ્યારે 6 બેઠક કોંગ્રેસના ફાળે અને 6 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.ગત વખતે રાજપીપળા પાલિકામાં ભાજપના કથિત ભ્રષ્ટાચાર સામે વિપક્ષે મૌન ધારણ કર્યું હતું.પણ આ વખતે રાજપીપળા પાલિકામાં વોર્ડ 7 માંથી નિલેશ આટોદરિયા અને એમના પત્ની મીનાક્ષીબેન આટોદરિયા સહીત વિપક્ષમાં નવા જ ઉમેદવારો ચૂંટાયા હોવાથી આ વખતે રાજપીપળા પાલિકાને મજબૂત વિપક્ષ મળશે એવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.