Gujarat Exclusive > રાજનીતિ > મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં ખીલશે ‘કમળ‘, 2 મહિનાથી મિશન પર કામ કરી રહી છે ભાજપ

મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં ખીલશે ‘કમળ‘, 2 મહિનાથી મિશન પર કામ કરી રહી છે ભાજપ

0
1032

મુંબઈ/ભોપાલ: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારની અંદર બળવો અચાનક નથી ફાટી નીકળ્યો. જ્યોતિરાદિત્ય સિંધિયાનું વલણ જોઈને ભાજપે લગભગ 2 મહિના પહેલા જ M-2 પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં એક M મધ્ય પ્રદેશનો છે, તો એક M મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રમાં જ્યાં ભાજપ ઉદ્ધવ ઠાકરેની NDAમાં વાપસી માટે સંઘ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જોડતોડના પ્રયત્ન કરી રહ્યાં છે, તો સિંધિયાની મદદથી મધ્ય પ્રદેશમાં પોતાની સરકાર બનાવવાના અભિયાનમાં તેઓ 2 મહિના પહેલા જ કામે લાગી ગયા હતા. જે અંતર્ગત મધ્ય પ્રદેશથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના માધ્યમથી સિંધિયા સાથે વાત કરવામાં આવી હતી.

અમિત શાહ અને સિંધિયાનું ક્રિકેટ કનેક્શન
આજથી બે મહિના પહેલા જ્યારે તેમની સાથે વાત કરવામાં આવી ત્યારે સિંધિયાએ જણાવ્યું કે, જો તેમને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું પદ અથવા રાજ્યસભાની ટિકિટ નહીં આપવામાં આવે, તો તેઓ ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કરશે. જ્યારે ભાજપે જોયું કે, કોંગ્રેસમાં સિંધિયાનું ધાર્યું નથી થઈ રહ્યુ, ત્યારે તેમણે પોતાના મિશનની ગતિ અચાનક વધારી દીધી. સિંધિયા અને પૂર્વ ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે ક્રિકેટ કનેક્શન પણ છે. તેઓ ક્રિકેટથી રાજનીતિમાં જોડાયા હોવાથી બન્ને વચ્ચે સારા સબંધો પણ છે.

સિંધિયાને શું મળ્યું વચન?
મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારમાં બળવો શરૂ થયો, તો બન્ને વચ્ચે તેને લઈને વાટાઘાટો પણ થઈ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બન્ને વચ્ચેની વાતચીતમાં મધ્ય પ્રદેશના રાજકીય સમીકરણો પર ચર્ચા થઈ. શાહે સિંધિયાને જણાવ્યું કે, તેમના સિવાયનો સમસ્ત સિંધિયા પરિવાર ભાજપમાં છે. એવામાં તેમના માટે પરિવાર પાસે આવવા જેવું રહેશે. તેમની ફઈ અને મામી ભાજપમાં છે. તેમની દાદી પણ ભાજપના કદ્દાવર નેતા રહી ચૂક્યા છે. આથી ભાજપ તેમના માટે એક પરિવાર જેવું જ છે. ભાજપ અને સિંધિયા વચ્ચે થયેલી વાતચીતમાં તેમને પ્રસ્તાવ આપવામાં આવ્યો કે, જો તેઓ 15 ધારાસભ્યોને લઈને આવશે, તો તેમને રાજ્યસભા સાથે કેબિનેટ મંત્રીનું પદ સોંપવામાં આવશે. આ સાથે જ તેમની સાથે આવેલા ધારાસભ્યોને રાજ્યમાં બનનારી નવી સરકારમાં પણ સામેલ કરવામાં આવી શકે છે.

મધ્ય પ્રદેશમાં ખરી કસોટી 13 માર્ચે
આટલું જ નહી, સિંધિયાના ભાજપમાં આવવાથી રાજ્યસભાની એક સીટ, જે તે જીતી રહી છે તેની સાથે અન્ય એક સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. કોંગ્રેસ હાલ જે બે સીટો પર જીતી રહી છે, તેને માત્ર એક સીટ પર સંતોષ માનવો પડશે. ભાજપે પોતાની અંદર બળવાથી બચવા માટે તમામ ધારાસભ્યોને મંગળવારે ભોપાલ બોલાવ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના તમામ સાંસદો પણ ઉપસ્થિત રહેશે. જેમાં રાજ્યમાં સરકાર બનાવવા અને ધારાસભ્યોને સુરક્ષિત ઠેકાણે રાખવા પર ચર્ચા થશે. રાજ્યમાં વિધાનસભાનું વિશેષ સત્ર 16 માર્ચે છે. આજ દિવસે શક્તિ પરીક્ષણની પણ રણનીતિ છે. જો કે રાજ્યમાં પરિવર્તનનું ખરી અસર 13 માર્ચે જ નક્કી થશે.

આ દિવસે રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જો દિગ્વિજય સિંહ અને કમલનાથ જૂથ સિંધિયાને ટિકિટ લેતા રોકવામાં સફળ રહ્યા, તો મધ્ય પ્રદેશમાં નવા સરકારને લઈને ફરી અનિશ્ચિતતા સર્જાશે. સિંધિયાને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના વિશ્વાસુ માનવામાં આવે છે.

મહારાષ્ટ્ર મિશન અંગે ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, M-2 પ્લાન પર અમિત શાહની સતત નજર છે. મહારાષ્ટ્રમાં પણ વિચારધારાથી વિપરિત ગઠબંધનની સરકાર વધારે દિવસ નહીં ચાલે. જેનું કારણ છે કે, હિંદુત્વના મુદ્દે ઉદ્ધવ ઠાકરેને સતત સ્પષ્ટતા કરવી પડે છે. બીજી તરફ મુસ્લિમ આરક્ષણને લઈને પણ ઉદ્ધવ અવઢવમાં છે. તાજેતરમાં જ્યારે ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા જવાનું નક્કી કર્યું, ત્યારે કોંગ્રેસ અને NCPએ નારાજગી વ્યક્ત કરી હતી.

દેશભરમાં હોળીની ઉજવણી, વિશ્વના અલગ-અલગ દેશોમાં કેવી રીતે મનાવાય છે રંગોનો તહેવાર