Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભાજપે હિન્દુત્વના નામે ગુજરાતને બેરોજગારીના ખપ્પરમાં ધકેલી દીધુ

ભાજપે હિન્દુત્વના નામે ગુજરાતને બેરોજગારીના ખપ્પરમાં ધકેલી દીધુ

0
12

ગુજરાતમાં બેરોજગારી તેના ચરમ પર છે. લાખો સંખ્યામાં યુવાઓ પોતાનું ભવિષ્ય સુધારવા અને નોકરીઓ મેળવવા માટે રાહ જોઈ રહ્યાં છે. જોકે, વર્તમાનમાં સરકાર રોજગારનું સર્જન કરવાની જગ્યાએ પોતાની સત્તાને ટકાવી રાખવા માટે દુનિયાભરના અનેક વગર કામના મુદ્દાઓને ઉભા કરી રહી છે. તેમાંથી સૌથી મોટો મુદ્દો હિન્દુ-મુસ્લિમનો છે. દેશના લોકોને હિન્દુ-મુસ્લિમ, હિજાબ જેવા નકામા મુદ્દાઓથી નફરત ફેલાવીને વ્યસ્ત રાખીને બેરોજગારી, શિક્ષણ, ભૂખમરો, રોજગાર વગેરે જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપરથી ધ્યાન ભટકાવી દેવામાં આવે છે.

ગુજરાતમાં બેરોજગારીની ચરમસીમા પાર થઈ ગઈ છે. તેથી માત્ર 3437 તલાટીની જગ્યાઓ માટે 22 લાખ યુવાઓએ અરજી કરી છે. તલાટીની જગ્યાઓ બહાર પડતાની સાથે જ યુવાઓ ફોર્મ ભરવા માટે પડાપડી કરવા લાગ્યા અને તેથી ઓજસની વેબસાઈટનું સર્વર પણ ક્રેશ થઇ ગયું હતું. વિચારો ગુજરાતમાં કેટલી બરોજગારી છે. જોકે, તે છતાં રોજગાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર એકમાત્ર નફરતી મુદ્દાઓ ભારે પડી રહ્યાં છે.

જે રીતે તલાટીના ફોર્મ ભરાયા છે તે જોતા લાગે છે કે ગુજરાતને બીજેપીએ પાછલા 20 વર્ષોમાં બેરોજગારી સિવાય બીજું કશું જ આપ્યું નથી. આ વર્ષો દરમિયાન માત્ર ગુજરાતને બેરોજગારીના ખપ્પરમાં ધકેલવાનું કામ કર્યું છે. લાખોની સંખ્યામાં યુવાઓ બેરોજગારીની ભઠ્ઠીમાં તપી રહ્યાં છે, તે ક્યારે બહાર નિકળશે તે કોઈ કહી શકે તેમ નથી. કદાચ તે ભઠ્ઠીમાં જ તેમનું  જીવન નિકળી જઈ શકે છે.

વર્તમાનમાં હિન્દુત્વના નામે લાખો હિન્દુ યુવાનોના ભવિષ્યને બર્બાદ કરવામાં આવી રહ્યો છે. બેરોજગાર રહી ગયેલા યુવાઓ ભવિષ્યમાં શું કરશે? કદાચ હિન્દુત્વના નામે રાજકીય પાર્ટીઓનું કેમ્પેન કરશે. કદાચ બીફના નામે દલિત અથવા મુસ્લિમો સાથે લિંચિંગ પણ કરી શકે છે. કેમ કે પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે કોઈના ઈશારે કંઈક તો કરવું પડશે ને?

જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ સામે આવી શકે છે. ભારતમાં સૌથી વધારે યુવા ધન છે પરંતુ તે વેડફાઈ રહ્યું છે. તેને ભારતની સરકારો યોગ્ય દિશા આપવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અહીં બીજેપી બે દશકાથી પણ વધારે સમયથી સત્તામાં છે. શું કર્યું તેને બે દશકા દરમિયાન? કેમ આટલી વિસ્ફોટક બેરોજગારી ઉદ્દભવી? બે દશકા દરમિયાન માત્રને માત્ર હિન્દુઓના હિતની મોટી-મોટી વાતો કરી અને તેમના જ છોકરા-છોકરીઓના ભવિષ્યને ધૂળ અને ધાણી કરી નાંખ્યુ. ગુજરાતના યુવાઓને બેરોજગારીના ખપ્પરમાં ધકેલ્યા પછી હવે દેશભરના યુવાઓનો વારો છે.

હિન્દુત્વના નામે હિન્દુઓને જ છેતરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ મોટા-મોટા પદ પર બેસેલા ગુજરાતના નેતાઓના દિકરાઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં છે અથવા કરોડો રૂપિયાની કમાણી કરીને પોતાનું અને પરિવારનું ભવિષ્ય સુનિશ્ચિત કરી લીધું છે.

તલાટીની પરીક્ષા આપવા માટે અત્યાર સુધીમાં 22 લાખ અરજીઓ આવી છે. એક પોસ્ટ માટે 600થી વધુ ઉમેદવારો છે, મોટી હરિફાઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને જોવા મળી રહી છે. હજુ પણ સરકાર દ્વારા અન્ય બે દિવસ ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યા છે. 24 કલાકમાં 4 લાખ ફોર્મ ભરાયા છે. જેથી 25 લાખથી વધુ ફોર્મ ભરાય તેવી શક્યતા છે.

તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અગાઉના દિવસોમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઇને ક્યાંકને ક્યાંક ધાંધિયા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ સબમીટ કરાતા વેબસાઈટ જ અવારનવાર ક્રેશ થવાની ઘટનાઓ વારંવાર બનતી હતી.

જેના કારણે તલાટી કમ મંત્રીની તારીખ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ પહેલાં 15 ફેબ્રુઆરી સુધીમાં તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. જોકે આ તારીખમાં ફેરફાર કરી 17 ફેબ્રુઆરી સુધીની તારીખ કરવામાં આવી છે. જ્યારે ફી ભરવા માટે 21 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે.

જોકે, હવે આ તલાટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને ક્યારે 3437 તલાટીઓને નિમણૂંક આપવામા આવશે તે કોઈ કહી શકતું નથી. કેમ કે, 2018માં જાહેર થયેલી બિન સચિવાયલના કલાર્કની પરીક્ષા એક વખત ફરીથી મોકૂફ કરી દેવામાં આવી છે. ચાર વર્ષોથી તે પરીક્ષા ટલ્લે ચડેલી છે. કદાચ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરીને પણ ભૂલી ગયા હશે. જો આવી જ સ્પીડથી તલાટીની પરીક્ષા પર કામ કરવામાં આવશે તો કદાચ 2025-26 સુધીમાં તલાટીઓની નિમણૂંક આપી દેવામાં આવશે.

જણાવી દઈએ અને યાદ પણ અપાવી દઈએ કે ગુજરાત ઉપર બીજેપીએ પાછલા 20થી પણ વધારે વર્ષોથી રાજ કરી રહી છે. હિન્દુત્વની વાત કરતી બીજેપીએ તલાટી માટે ભરાયેલા 22 લાખ ફોર્મમાંથી કેટલા હિન્દુ ઉમેદવારોના ફોર્મ છે તે તપાસવા જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat