અમદાવાદ: આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મિડીયાને સંબોધતા કહ્યું હતું કે, ભાજપ સરકાર વર્ષોથી પટેલ વિરોધી માનસિકતા ધરાવે છે. જ્યાંરથી કેશુ બાપાને ભ્રષ્ટ ભાજપના કેટલાક નેતાઓએ કાઢી મૂક્યા અને પટેલ સમાજનું અપમાન કર્યું હતું ત્યારથી ભાજપના કેટલાક નેતાઓ પટેલ સમાજના યુવાનો આગળ આવે એ જોઈ શકતા નથી. પટેલ સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે પટેલ સમાજના જેટલા પણ નેતાઓ હતા તેમને તોડી-ફોડી, ભાજપમાં જોડી ભાજપની ભાષા બોલાવડાવવાનું કામ કરાવડાવ્યું છે. હાર્દિક પટેલ જેવા નેતાને પણ ખેસ પહેરાવવામાં ભાજપ સફળ થઈ છે. ગોરધન ઝડફિયા જેવા વ્યક્તિને પણ ખેસ પહેરાવવામાં ભાજપ સફળ થઈ છે, જ્યારે ગોપાલ ઇટાલિયા ભાજપ સામે અડીખમ રીતે લડી રહ્યા છે. ભાજપના કોઈ નેતાની તાકાત નથી કે ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે ગોપાલ ઇટાલિયાને પોતાના પક્ષમાં લઈ શકે.
Advertisement
Advertisement
પટેલ સમાજના જે પણ આગેવાનો ભાજપની સામે પડ્યા હતા એમને સામ દામ દંડ ભેદથી, કોઈને મંત્રીપદ આપીને એ રીતે ખરીદી લીધા છે. અને નારાજ પટેલ સમાજને ફરીથી પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરે છે. આ વર્ષો જુની ભાજપની ચાલ છે. પણ આ વખતે તમામ પટેલ સમાજ લેઉવા પટેલ સમાજ હોય કે કડવા પટેલ સમાજ બધાએ જાણી લીધું છે કે ભ્રષ્ટ ભાજપ સરકાર શું કરે છે. તમે જોયું હશે કે પટેલ સમાજ એટલો રોષે ભરાયેલો છે કે વિજય રૂપાણીને કાઢી આખરે ભુપેન્દ્ર પટેલને માત્ર મોહરું બનાવી બેસાડી દેવામાં આવ્યા છે અને ચૂંટણી પછી સી.આર.પાટીલ મુખ્યમંત્રી બનવાના છે એ નક્કી છે. ત્યારે એક પટેલ સમાજનો યુવાન જેને આંદોલનમાં પણ સમાજને ન્યાય અપાવવાની કોશિશ કરી એને કચડી નાખવા માટે ભ્રષ્ટ ભાજપના નેતાઓ જાતજાતના વિડીયો મીડિયાને આપે છે.ગોપાલને કોઈપણ રીતે કચડી નાખવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું છે.
ગોરધન ઝડફિયા પણ બોલ્યા છે પ્રધાનમંત્રી વિરુદ્ધ, હાર્દિક પટેલ પણ બેફામ બોલ્યા છે તેના વિડીયો છે. એ બંને એ ખેસ પહેરી લીધા છે એટલે એમને કોઈ દિલ્હી બોલાવવામાં આવતા નથી અને મહિલા આયોગ દિલ્હીને ગોપાલભાઈની ભાષાથી વાંધો પડ્યો છે અને દિલ્હી બોલાવવામાં આવશે. કાલે ગોપાલ ઇટાલિયા દિલ્હી હાજર થાય છે. અહીંયા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આખું ગુજરાત ઉભું થશે. દિલ્હીમાં પણ ગોપાલ ઇટાલિયા જ્યાં જ્યાં જશે એમની સાથે સમર્થનમાં આમ જનતા જોડાશે. ભાજપ એક નાનો 32-33 વર્ષનો યુવાન રાજનીતિમાં આગળ વધી રહ્યો છે તેને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. જેવી રીતે કેશુ બાપા ને પાડી દેવામાં આવ્યા. જેમ ગોરધન ઝડફિયાને દબાવી દેવામાં આવ્યા, જેમ બીજા પટેલ યુવાનોને દબાવી દેવામાં આવ્યા એમ ગોપાલ ઇટાલિયાને દબાવવામાં ભ્રષ્ટ ભાજપ સફળ નથી થઈ.
ભ્રષ્ટ ભાજપ સરકારે 12 પટેલોને ગોળી મારી દીધી છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાક પટેલ ઉદ્યોગપતિઓની મજબૂરી હશે એટલે ભાજપની સાથે ચાલે છે. પણ પટેલ સમાજના એક એક યુવાનને મારે કહેવું છે, એક એક માતા, બહેન, દીકરીને કહેવું છે GMDC માં જ્યારે પટેલ સમાજના આંદોલન ઉપર અત્યાચાર થયો માતા, બહેન, દીકરીઓને ઘરમાંથી કાઢીને પોલીસે માર્યા હતા તેનો કોણે હુકમ કર્યો હતો? મારી પટેલ સમાજને વિનંતી છે કે તેઓ આ વાતને ભૂલે નહીં. ભાજપની એક એક ચાલ નો જવાબ આપે. ભ્રષ્ટ ભાજપે ગોપાલ ઇટાલિયાના જેટલા વિડિયો લાવવા હોય, એડીટ કરવા હોય એટલા કરે. એની સામે કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ એક થઈ ભ્રષ્ટ ભાજપને જવાબ આપે. ભ્રષ્ટ ભાજપના કેટલાક નેતાઓ આવશે તમને ફોસવાશે, બહેકાવશે તમને મતદાન કરાવવા માટે પણ ભૂલથી પણ તેમની ચાલમાં ફસાતા નહીં. આખું ગુજરાત, પટેલ સમાજ, યુવા સમાજ, ખેડૂત સમાજ ગોપાલ ઇટાલિયાની સાથે છે. હું પટેલ સમાજને વિનંતી કરું છું કે ગોપાલ ઇટાલિયાના સમર્થન એક વીડિયોમાં સ્ટેટસમાં મુકો.
આ પણ વાંચો: ગૌરવ યાત્રાને ધર્મસ્થળો સાથે જોડીને ગુજરાતી મતદાતાઓને રિઝવશે ભાજપ
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભ્રષ્ટ ભાજપની સરકાર છે અને તાનાશાહ ભાજપના નેતાઓ તેને ચલાવી રહ્યા છે. 27 વર્ષ પછી જ્યારે અત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી છે તો ગુજરાતની જનતા હિસાબ માંગે છે ભાજપવાળા કહે છે હિસાબ બતાવી શકાય એમ નથી વિડીયો જોઈ લો. મોંઘવારી મુદ્દે શું કામ કર્યું? તો કહે છે કે વીડિયો જોઈ લો. યુવાનો પૂછે છે કે પેપર ફોડવા વાળા ને ક્યારે સજા આપશો? ભાજપ કહે છે વીડિયો જોઈ લો. જનતા પૂછે છે આટલું બધું શિક્ષણ મોંઘું કેમ છે ગુજરાતમાં? શા માટે ગરીબ માણસ પોતાના બાળકને ભણાવી શકતા નથી એટલી હાલત કફોડી થઈ છે ભાજપ વાળા કહે છે વીડિયો જોઈ લો. જનતા પૂછે છે શિક્ષણના મુદ્દે શું કામ કર્યું? સ્વાસ્થ્યના મુદ્દે શું કામ કર્યું બતાવો, રોડ રસ્તા ની આટલી ગંદી હાલત કેમ છે એ બતાવો.
અત્યારે દિવાળીની સિઝન છે તહેવારો આવી રહ્યા છે, એક માણસ પોતાના ઘરે જલેબી, ગાંઠિયા કે ફાફડા બનાવીને ખાઈ ન શકે એટલી મોંઘવારી છે એટલી હદે તેલ મોંઘુ થઈ ગયું છે. જનતા પૂછે છે કે મોંઘવારી ક્યારે દૂર થશે તે બતાવો ભાજપના નેતાઓ કહે છે વીડિયો જોઈ લો. મુદ્દો ચૂંટણીનો છે પણ ભાજપ પાસે જવાબ નથી. બેરોજગારી મુદ્દે જવાબ નથી, તૂટેલા રોડ મુદ્દે જવાબ નથી, પેપર ફોડવા વાળાને શા માટે બચાવવામાં આવે છે તે મુદ્દે જવાબ નથી એટલે ભાજપ વાળા રોજે રોજ ઊઠીને નવા નવા ગતકડા ચાલુ કરે છે. પણ જનતાએ કહ્યું છે આ વખતે અમે કોઈ વિડિયો કે ભાષણ જોઈને નહીં પણ મુદ્દો જોઈને મત આપવાના છીએ.
આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સાથે ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત હતા
Advertisement