Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી

20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી

0
7
  • સામાન્ય – મધ્યમવર્ગના બાળકોને ફીમાં રાહત આપવાને બદલે ભાજપ સરકારે ફી વધારા અંગે ખાનગી સંચાલકોની તરફેણ કરી : ડૉ. મનિષ દોશી

ગાંધીનગર: વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠપ્પ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે સતત ચિંતામાં છે. તેવા સંજોગોમાં ફીમાં રાહતની વ્યાજબી માંગને અવગણીને ભાજપ સરકારે ખાનગી શાળા-સંચાલકોની વધુ એક વખત તરફેણ કરી છે ત્યારે રાજ્યના સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓને રાહત આપવાને બદલે ખાનગી સંચાલકોને ફી વધારો આપવાની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શાળાને છેલ્લા બે વર્ષમાં વીજળીનો ખર્ચ, વહીવટી ખર્ચ, એકટીવીટીનો ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ સહિત અન્ય ખર્ચમાં મોટાપાયે ઘટાડો થયો છે. બીજી બાજુ વાલીઓને સતત મોબાઈલ, ટેબલેટ, લેપટોપ સહિત ડેટાપેકનો ખર્ચ મોટો થયો છે.

મંદી મોંઘવારી અને કોરોના મહામારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત ખૂબ જ કફોડી છે. ત્યારે ફીમાં રાહત આપવાના નિર્ણયને બદલે ફરી એક વખત ભાજપ સરકાર અને ભ્રષ્ટ શિક્ષણ વિભાગે ખાનગી શાળા સંચાલકોની તરફદારી કરીને ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓની મુશ્કેલીમાં ઊમેરો કર્યો હોવાનું મુખ્ય પ્રવક્તા ડો
મનીષ દોશીએ જણાવ્યું છે.

વધુમાં ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે. ભાજપ સરકારે સંચાલકોની વકીલાત કરીને ગુજરાતના લાખો વાલીઓ સાથે છેતરપિંડી કરી છે. જે સરકાર પહેલા ફી રાહત માટે વાત કરી રહી હતી, સરકારના શિક્ષણમંત્રી 25 ટકા ફી માફીને બાજુ ઉપર રાખી ખાનગી શાળાના સંચાલકોને ફાયદો થાય તે રીતે 5 થી 10 ટકા ફી વધારો કરેલ છે. ત્યારે કોરોનાના કપરાકાળ અને સતત વધતી જતી મોંઘવારીમાં સામાન્ય, મધ્યમવર્ગ માટે પરીવારનો નિર્વાહ કરવો અતિ મુશ્કેલ ભર્યો બની રહ્યો છે.

કોંગ્રેસ પક્ષની ફરી એક વખત માંગ છે કે, સરકાર સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓની આર્થિક હાલાકીને ધ્યાનમાં લઈ ફી વધારો પરત ખેંચે અને ગુજરાતના લાખો પરિવારોને રાહત આપે. આગામી દિવસોમાં શિક્ષણના હક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ ગુજરાતના સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં લડત ચલાવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat