નવી દિલ્હી: મહારાષ્ટ્રની પાંચ વિધાન પરિષદ બેઠકની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે મહાવિકાસ અઘાડી એટલે કે કોંગ્રેસ-NCP-શિવસેના ગઠબંધનને જીત મળી છે. ભાજપ માટે એટલા માટે પણ ઝટકો છે કારણ કે નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસના ઘર નાગપુરમાં સફાયો થઇ ગયો છે. નાગપુરમાં સંઘનું હેડક્વાર્ટર પણ છે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે ભલે એકનાથ શિંદે સાથે મળીને ઉદ્ધવ ઠાકરેને સત્તામાંથી બહાર કર્યા હોય પરંતુ મહાવિકાસ અઘાડીની આગળ તે પોતાનો રાજકીય પ્રભાવ બતાવી શકતા નથી. વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથને ઝટકો લાગ્યો છે જ્યારે મહાવિકાસ અઘાડીને જીત મળી છે.
મહાવિકાસ અઘાડીએ ત્રણ બેઠક જીતી
નાગપુર શિક્ષક ક્વોટાની MLC બેઠક પર મહાવિકાસ અઘાડીના સુધાકર અડબોલેએ ભાજપના નાગો ગણારને 7000થી વધુ મતોથી હરાવ્યા છે. અડબોલેને 16,700 વોટ મળ્યા જ્યારે ગણારને 8,211 વોટ મળ્યા હતા. NCP ઉમેદવાર વિક્રમ કાલે ઔરંગાબાદ શિક્ષક MLC બેઠક પરથી જીત્યા છે. વિક્રમ કાલેને 20,195 મત મળ્યા હતા. સૌથી મોટો અપસેટ અમરાવતી ગ્રેજ્યુએટ બેઠક પર થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર ધીરજ લિંગાડે અહીંથી જીત્યા છે. ધીરજે ભાજપના ઉમેદવાર રણજીત પાટીલને હરાવ્યા હતા.
કોંગ્રેસના બળવાખોર નેતાને મળી જીત
નાસિકની ગ્રેજ્યુએટ MLC બેઠક પર કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર સત્યજીત તાંબેએ જીત મેળવી છે. કોંગ્રેસે તાંબેના પિતા સુધીર તાંબેને ઉમેદવાર બનાવ્યા હતા જે ત્રણ વખતથી MLCની ચૂંટણી જીતી રહ્યા છે. એવામાં તેમણે ખુદ નોમિનેશન કરવાની જગ્યાએ પોતાના પુત્ર સત્યજીત તાંબેને અપક્ષ ઉમેદવાર તરીકે નોમિનેશન ભરાવ્યું હતું. એવામાં કોંગ્રેસે બન્ને નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને મહાવિકાસ અઘાડીએ શુભાંગી પાટિલને સમર્થન આપ્યુ હતુ. સત્યજીત તાંબેનો બળવો કોંગ્રેસને મોંઘો પડ્યો હતો.
ભાજપને મળી માત્ર એક બેઠક
કોંકણ શિક્ષક કોટાની MLC બેઠકના ભાજપના ઉમેદવાર જ્ઞાનેશ્વર મ્હાત્રેએ બલરામ પાટિલને હરાવ્યા હતા. જ્ઞાનેશ્વર મ્હાત્રેને 20 હજારથી વધુ અને બલરામ પાટિલને માત્ર 9500 મત મળ્યા હતા. આ રીતે ભાજપ-શિંદે જૂથને મહારાષ્ટ્રની પાંચમાંથી એક બેઠક મળી છે જ્યારે ચાર બેઠક પર તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ભાજપ માટે મોટો ઝટકો છે.
ગડકરી-ફડણવીસના વિસ્તારમાં ભાજપનો સફાયો
મહારાષ્ટ્રના રાજકારણમાં નિતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ ભાજપના દિગ્ગજ નેતા છે. ગડકરી કેન્દ્રીય મંત્રી છે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ છે. આ બન્ને નેતાઓનો ગૃહ વિસ્તાર નાગપુર છે. એવામાં કોંગ્રેસે નાગપુર MLC બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી છે. મહાગઠબંધન અઘાડી સમર્થિક ઉમેદવાર સુધાકર અડબોલેએ ભાજપના ઉમેદવાર નાગોરાવ ગાણારને હરાવ્યા હતા. આ બેઠક અત્યાર સુધી ભાજપ પાસે જ હતી.
નાગપુરમાં ભાજપની ત્રણ વર્ષમાં ત્રીજી હાર
નાગપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ વર્ષમાં ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. નાગપુરની કુલ 58 જિલ્લા પરિષદ બેઠકમાંથી કોંગ્રેસે 30, NCP 10, ભાજપ 15 અને અન્યએ 2 બેઠક જીતી હતી. શિવસેના આ ચૂંટણીમાં કોંગ્રેસ-NCP સાથે નહતી. ભાજપની હારનું સૌથી મોટુ કારણ શિવસેનાથી અલગ થઇને ચૂંટણી લડવાનું રહ્યું હતું. શિવસેનાએ સૌથી વધુ ભાજપની વોટ બેન્ક તોડી હતી. આટલુ જ નહી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ગામ ધાપેવાડામાં કોંગ્રેસના મહેન્દ્ર ડોંગરે જીત્યા હતા.
ઓક્ટોબર 2022માં નાગપુર જિલ્લામાં પંચાયત સમિતીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. પંચાયત સમિતિની મોટાભાગની બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી. ભાજપ આ ચૂંટણીમાં એક પણ મુખ્ય પદ જીતી શક્યુ નહતુ, તેના ખાતામાં માત્ર ઉપપ્રમુખના ત્રણ પદ આવ્યા હતા. કોંગ્રેસે 13માંથી 9 પંચાયત પ્રમુખ પદ પોતાના નામે કર્યા હતા. ભાજપ માટે આ હાર વધારે મોટી એટલા માટે હતી કારણ કે કેટલાક મોટા નેતા આ વિસ્તારમાંથી આવે છે. આ ચંદ્રશેખર બાવનકુલે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનો ગઢ માનવામાં આવે છે.
Advertisement