ભારતીય કિસાન સંઘના કાર્યકરો “પહેલા ખેડૂતોના પ્રશ્નો હલ કરો પછી નમો ખેડુત પંચાયત કરો” એવા નારા સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો
વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ હવે માથા પર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.ગુજરાતમાં હાલ ગામે ગામ નમો ખેડુત પંચાયતના કાર્યક્રમ અંતર્ગત ભાજપ સરકારે ખેડૂતો માટે ક્યાં ક્યાં કામો કર્યા છે એની ખેડૂતોને માહિતી આપવામાં આવે છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહીલની ઉપસ્થિતિમાં ચાલી રહેલી નમો ખેડુત પંચાયતનો ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કર્યો હતો.
Advertisement
Advertisement
એક બાજુ લાછરસ ગામમાં નમો ખેડુત પંચાયત ચાલી રહી હતી તો બીજી બાજુ ભારતીય કિસાન સંઘના કાર્યકરો “પેહલા ખેડૂતોના પ્રશ્નો હલ કરો પછી નમો ખેડુત પંચાયત કરો” એવા નારા સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.નર્મદા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપસિંહ છત્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે પણ ભાજપની વિચારધારા વાળા છે, અમે તમારો વિરોધ કરવા નહિ પણ અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડો એ માટે અહીંયા આવ્યા છે.પેહલા સમાન વીજદર લાગુ કરો, મીટર આધારીત વીજદરથી ખેડૂતોને મોટું નુકશાન જાય છે.ભારતીય કિશાન સંઘ છેલ્લાં ઘણા દિવસોથી 26 પ્રશ્નો લઈ વિધાનસભા બહાર ધરણાં કરી રહ્યા છે એનો ઉકેલ લાવો.
વધુમાં જણાવ્યું હતું કે કરજણ જળાશય યોજનાની કેનાલો બંધ થવાથી ભૂગર્ભ જળસ્તર નીચા જઈ રહ્યા છે, ગયા વર્ષે નવી બનેલી કેનાલ ચાલું કરી અને તરત એમાં ભંગાણ થયું.જો હાલ કેનાલ ચાલુ નહિ થાય તો અમારે ખેતી છોડી દેવી પડશે.વધુ વરસાદ, પુર અને વાવાઝોડાને લીધે નર્મદા જિલ્લામાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે તો કેમ અત્યાર સુધી સરકારે નુકશાની જાહેર નથી કરી.તમે પણ ખેડુત છો એટલે અમારા આ પ્રશ્નો બાબતે સરકારમાં રજુઆત કરો અને યોગ્ય નિરાકરણ લાવો.અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે ભાજપ કિસાન મોર્ચાના લેટર પેડ પર તમારી રજુઆત સરકારમાં મુકીશું અને સુખદ નિરાકરણ આવે એવી વ્યવસ્થા કરીશું, અમે ખેડૂતોની સાથે જ છે.
Advertisement