જૂનું અમદાવાદ જ્યારે કોટ વિસ્તાર પૂરતું સિમિત હતું ત્યારે સાબરમતી નદીના સામા કાંઠે નાનાં નાનાં ગામો અસ્તિત્વમાં હતાં, જે આજે અમદાવાદમાં ભળીને દાયકાઓ બાદ અમદાવાદનો જ એક વિસ્તાર બની ગયા છે. જોધપુર, મકરબા, સરખેજ, વસ્ત્રાપુર જેવું જ એક જૂનું ગામ એટલે વેજલપુર. મૂળભૂત રીતે રબારી સમાજનું આ ગામ હવે અમદાવાદની પચરંગી વસ્તી સમાવતો મધ્યમવર્ગિય રહેણાંક વિસ્તાર ગણાય છે. હજુ બે-અઢી દાયકા પહેલાં વેજલપુર અમદાવાદની હદ ગણાતી હતી. હવે વેજલપુરથી ય આગળ પાંચ કિલોમીટર દૂર અમદાવાદની હદ ખસેડાઈ ગઈ છે અને વેજલપુર શહેરની વચ્ચે આવેલું ગણાય છે. નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક અંતર્ગત વેજલપુર વિધાનસભા અંતર્ગત કોટ વિસ્તારની બહારના આ દરેક ગામો અને હવે અમદાવાદના પરાંઓને સમાવી લેવાયા છે. મુસ્લિમોના ગામ મક્તુમપુરા (જુહાપુરા) પણ આ બેઠક હેઠળ આવે છે. ભૌગોલિક રીતે આ મત વિસ્તાર ખાસ્સો મોટો છે અને અહીં કુલ 3,26,977 એટલે કે સરેરાશ એક વિધાનસભા બેઠકથી સ્હેજે એક લાખ વધારે મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક અંતર્ગત બે ચૂંટણી થઈ છે અને બંનેમાં ભાજપનો વિજય થયો છે. અહીં કાસ્ટ ફેબ્રિક જ એ પ્રકારે છે કે હિન્દુત્વની લેબોરેટરી ગણાતાં ગુજરાતમાં ભાજપને આ બેઠક પર હિન્દુ મતદારોનું ધ્રુવીકરણ કરવામાં આસાની રહે છે. અહીં ભાજપ યોગ્ય ઉમેદવાર પસંદ કરે અને જ્ઞાતિ સમીકરણો ધ્યાનમાં રાખે પછી ભાજપને અહીં સરસાઈ વધારવા સિવાય ખાસ કશી ચિંતા કરવાની રહેતી નથી. જોકે આ વખતે ત્રીજા પરિબળની હાજરીને કારણે ભાજપ માટે પણ, પાનના ગલ્લા પર થતી ચર્ચાઓની ભાષામાં કહીએ તો, સૂતા સૂતા જીતી જવાય એવી આસાન સ્થિતિ નહિ હોય.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | કિશોર ચૌહાણ | ભાજપ | 48,712 |
2017 | કિશોર ચૌહાણ | ભાજપ | 40,985 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ એલિસબ્રિજ: એક એકથી ચડિયાતા ઉમેદવારોના જંગમાં છેવટે પક્ષનું ચિહ્ન નિર્ણાયક
કાસ્ટ ફેબ્રિક
મુસ્લિમ વસ્તીથી પ્રચુર જુહાપુરા આ મત વિસ્તાર અંતર્ગત આવતું હોવાથી અહીં આશરે 1,35,000 મુસ્લિમ મતદારો છે. જ્યારે 90,000 ઓબીસી ઉપરાંત 35,000 દલિતો અને 35,000 બ્રાહ્મણો તેમજ 30,000 જૈન અને 28,000 પાટીદાર ભાજપની કોર વોટબેન્ક મનાય છે. કોમી તોફાનોને લીધે બે ધર્મ વચ્ચે સર્જાયેલી અવિશ્વાસની દિવાલ રાજકારણ સતત મોટી કરતું હોવાથી મતદાનની પેટર્નમાં પણ એ ફરક સ્પષ્ટ જોવા મળે છે. ભાજપ મોટાભાગે ઓબીસી, પાટીદાર, બ્રાહ્મણ અને જૈન સમીકરણ પર મુસ્તાક હોય છે.
સમસ્યાઓઃ
ચોમાસા દરમિયાન આ મત વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં દિવસો સુધી ભરાઈ રહેતાં બબ્બે ફૂટ પાણીની સમસ્યા અહીં સૌથી વિકરાળ માનવામાં આવે છે. જૂના ગામતળાવો બૂરાઈ જાય એ રીતે આડેધડ બાંધકામની પરમિશન અપાઈ અને પછી ઈમ્પેક્ટ ફી વસૂલીને એ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી દેવાયા તેની વરવી કિંમત સ્થાનિક રહીશો દર ચોમાસામાં ચૂકવતાં રહે છે. ગટરના પાણી સીધા સરખેજ રોજાનું તળાવ અને શિંગોડાનું તળાવ આખું વરસ સહન ન થાય એવી વાસ અને ગંદકી ફેલાવતાં રહે છે. આ સમસ્યાના કારણે જ વેજલપુર વિસ્તાર બધી યોગ્યતા હોવા છતાં વિકાસમાં પાછળ રહી ગયો અને નવા ઉભરેલા ગોતા, બોપલ જેવા વિસ્તારો ઝડપથી આગળ નીકળી ગયા હોવાનો સ્થાનિકોમાં વ્યાપક કચવાટ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જમાલપુર ખાડિયા: કાબલીવાલાના 25 હજાર પ્લસ મત પર ભાજપ-ભુષણ નિર્ભર
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપની ટીકિટ પર બે ટર્મ સુધી ચૂંટાયેલા કિશોર ચૌહાણ સામે સ્થાનિકોની નારાજગી અને સંગઠનનો નબળો પ્રતિભાવ જોતાં તેમને નો રિપિટ થિયરી લાગુ થશે એવી ધારણા સાચી પડી છે. તેમના સ્થાને ભાજપે વિદ્યાર્થી નેતા તરીકે કારકિર્દી શરૂ કરનારા અમિત ઠાકરને પસંદ કર્યા છે. અમિત ઠાકરની યોગ્યતા અને પક્ષ માટેની કામગીરી જોતાં તેમને વીશ વર્ષ મોડી આ તક મળી ગણાય છે. હોંશિયાર, અભ્યાસુ અને વ્યાપક સંપર્કો ધરાવતા નેતા તરીકે અમિત ઠાકર લાંબા સમયથી આ મત વિસ્તાર સાથે સંકળાયેલા હોવાથી મતદાન સુધીનો સમય તેમનાં પ્રચાર માટે પર્યાપ્ત બની રહે તેમ છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ બેઠક પરથી રાજેન્દ્ર પટેલને ઉતાર્યા છે. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ રાજેન્દ્ર પટેલ પણ વિદ્યાર્થી અવસ્થાથી જ એનએસયુઆઈ દ્વારા સક્રિય રાજનીતિમાં પ્રવેશ્યા છે. સ્થાનિક હોવાથી તેમના સંપર્કો અને કામગીરી પણ નોંધપાત્ર છે. સરળપ્રાપ્યતાને લીધે તેઓ ચહેરેથી, નામથી સર્વત્ર પરિચિત ગણાય છે. જોકે ભૌગોલિક રીતે આટલા મોટા મતવિસ્તારમાં પ્રચાર માટે તેમણે કોંગ્રેસના સંગઠન કરતાં પોતાના અંગત સૂત્રો પર વધુ આધારિત રહેવું પડે તેમ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દાણીલીમડા: ગઢ કોંગ્રેસનો, સૈન્ય AAP+AIMIMનું, વિજેતા થવાનાં ઓરતાં ભાજપને
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં કલ્પેશ પટેલને ઉતાર્યા છે. રસપ્રદ બાબત એ છે કે કલ્પેશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ પિતરાઈ ભાઈઓ છે. બીજી રસપ્રદ બાબત એ છે કે કલ્પેશ પટેલ, રાજેન્દ્ર પટેલ અને ભાજપના ઉમેદવાર અમિત ઠાકર કોલેજકાળના મિત્રો છે અને અત્યારે એક જ બેઠક પર અલગ અલગ પક્ષના ઉમેદવાર તરીકે સામસામે જંગ લડી રહ્યા છે. સિસ્ટમ બદલવાના અને ચૂકવાતા ટેક્સના વળતર તરીકે મફત શિક્ષણ, આરોગ્ય સેવાઓ આપવાના આપના વચનોની અહીં સારી એવી અસર જોવા મળે છે. અલબત્ત ફ્રેશ અને ડાયનેમિક ચહેરા તરીકે ભાજપના અમિત ઠાકર આ અસર પર હાવી થઈ શકે છે. એકંદરે ભાજપ માટે આ બેઠક સારી એવી સરસાઈથી જાળવી રાખવાનો આશાવાદ ખોટો નહિ ગણાય
Advertisement