એંશી-નેવુના દાયકામાં વારંવાર પડેલાં દુષ્કાળને આજના વરાછા રોડના વિકાસ સાથે સીધો સંબંધ છે. એ સમયે સુરત હીરા અને એમ્બ્રોઈડરી ઉદ્યોગનું ધમધમતું કેન્દ્ર બની રહ્યો હતો અને બીજી તરફ સૌરાષ્ટ્રમાં દુષ્કાળને લીધે જમીન સૂકીભઠ થઈ રહી હતી. રોજગારીના અભાવમાં સૌરાષ્ટ્રના ગામડાંના લોકોએ બહુ મોટા પ્રમાણમાં વરાછા સ્થળાંતર કર્યું અને હીરાઉદ્યોગમાં કે એમ્બ્રોઈડરીમાં રોજગારી શોધી. એ સૌ આજે સ્થાયી થઈને વરાછા રોડને મીની સૌરાષ્ટ્રનું બિરુદ અપાવી રહ્યા છે. કુંભણિયા ભજીયા માંગો કે પાન-માવો, સૌરાષ્ટ્રની વિશેષતા કહેવાય એવી હરએક ચીજ અહીં મળે છે અને વિપૂલ પ્રમાણમાં ચારેબાજુ મળી રહે છે. સુરતની બે મોટી વિધાનસભા બેઠક ઉત્તર અને પશ્ચિમમાંથી વરાછા રોડનો વિસ્તાર અલગ પાડીને બનાવેલી વરાછા રોડ વિધાનસભા બેઠક જનરલ કેટેગરીની છે. જેમાં કુલ 198,634 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ટિપિકલ સૌરાષ્ટ્રનો બગાવતી મિજાજ ધરાવતી આ બેઠક નવા સીમાંકન પછી બંને વખત ભાજપના ફાળે ગઈ છે, પરંતુ સો ટકા ભાજપની સમર્થિત કહી શકાય તેમ નથી. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના પગલે આ વિસ્તારમાં પ્રચાર કરવા જતાં ભાજપના નેતાઓના પગ ધ્રૂજતા હતા અને સ્વયં સાંસદ દર્શના જરદોષ પર પણ ઈંડા ફેંકાયા હતા. છતાં બીક બતાવીને, સરસાઈ ઘટાડીને મતદારોએ ભાજપને જ જીત આપી હતી. આ વખતે પણ અહીં એવી જ સ્થિતિ સર્જાય તેવી પૂરી શક્યતા છે. આ વખતે અનામત આંદોલન નથી પરંતુ તેનો ઓછાયો આ ચૂંટણીને જરૂર નિર્ણાયક બનાવી શકે તેમ છે. આક્રમકતા અને બગાવત એ આ વિસ્તારની આગવી ઓળખ છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | પરેશ વસાવા | કોંગ્રેસ | 29,801 |
2002 | પરેશ વસાવા | કોંગ્રેસ | 16,463 |
2007 | પરેશ વસાવા | કોંગ્રેસ | 1,668 |
2012 | કિશોર કાનાણી | ભાજપ | 20,359 |
2017 | કિશોર કાનાણી | ભાજપ | 13,998 |
કાસ્ટ ફેબ્રિક
આશરે બે લાખ મતદારો પૈકી અહીં ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને બોટાદ જિલ્લાના લેઉવા પટેલોની સંખ્યા દોઢ લાખ જેટલી છે. એટલે સ્વાભાવિક રીતે જ અહીં પટેલ પાવરનો દબદબો રહે છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલીના પંચોળી આહિર સમાજ સહિત ક્ષત્રિય મોચી અને બોટાદ વિસ્તારના પ્રજાપતિ સમાજનો પણ નોંધપાત્ર હિસ્સો છે. જોકે પરિણામ માટે પાટીદારો જ નિર્ણાયક રહે છે. આથી દરેક પક્ષ અહીં પાટીદારને જ મેદાનમાં ઉતારવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ સુરત (પશ્ચિમ): પૂર્ણતઃ ભાજપનો ગઢ, પણ આ વખતે પૂર્ણેશ હશે?
સમસ્યાઓઃ
કોરોનાકાળમાં આ વિસ્તારના રત્ન કલાકારોએ મોટાં પ્રમાણમાં નુકસાની ભોગવી છે. આથી તેમને રાહત પેકેજ આપવાની માંગ હજુ પૂરી થઈ નથી. મ્યુનિ. કોર્પોરેશન સંબંધિત સમસ્યાઓ અહીં મુખ્ય રહે છે. સમગ્ર રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઓવર અહીંથી પસાર થાય છે પરંતુ આડેધડ ટ્રાફિક એ કાયમી પ્રશ્ન છે. વાહન પાર્કિંગના પ્રશ્નને ઉકેલવા બહુમાળી પાર્કિંગ સંકૂલની માંગ પણ સંતોષાવાની બાકી છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કિશોર કાનાણી સ્થાનિકોમાં કુમાર કાનાણી તરીકે ઓળખાય છે. આખાબોલા હોવાથી વારંવાર વિવાદોમાં સપડાઈ જતાં કાનાણીનો લોકસંપર્ક તો મજબૂત છે પરંતુ વિવાદાસ્પદ છબીને લીધે બે ટર્મ જીત્યા હોવાના નામે તેમને આ વખતે ટીકિટ ન મળે એવી શક્યતા બળવત્તર છે. તેની સામે હીરાઉદ્યોગનું મોખરાનું નામ ગણાતાં દિનેશ નાવડિયા ભાજપની ટીકિટના મુખ્ય દાવેદાર છે. આ ઉપરાંત બબ્બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાનાણી સામે હારી ચૂકેલા ધીરુ ગજેરા પણ હવે ભાજપમાં જોડાઈને ટીકિટની માંગણી કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ કરંજ (સુરત શહેર): ભરશિયાળે ભાજપને પરસેવો તો વળશે જ
હરીફ કોણ છે?
કોંગ્રેસએ આ બેઠક પર પપન તોગડિયાને ઉમેદવાર બનાવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષના નેતા રહી ચૂકેલા પપન તોગડિયા અમરેલી જિલ્લાના વતની છે. આક્રમક યુવા નેતા તરીકેની છબી ધરાવે છે. જોકે ભાજપ સામે તેઓ પડકાર સર્જી શકે તેમ જણાતું નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નવસારીઃ ભાજપનો ગઢ, કોંગ્રેસની સાખ, AAPનો પડકાર… કોણ ફાવશે?
ત્રીજું પરિબળઃ
ભાજપને ખરો પડકાર આમઆદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશ કથિરિયા તરફથી મળવાનો છે. પાસના આક્રમક નેતા તરીકે ભાજપ સરકાર દ્વારા અનેક વખત જેલવાસ કરી ચૂકેલા કથિરિયા હવે આમઆદમી પાર્ટીમાં જોડાઈને 14 મહિનાના જેલવાસનો હિસાબ માંગવા ચૂંટણીમાં ઉતરી ચૂક્યા છે. આપમાં જોડાયા પછી યોજાયેલી બાઈક રેલીમાં તેમણે સમગ્ર વિસ્તારમાં છાકો પાડી દીધો છે. સ્થાનિક યુવાઓમાં તેમની લોકપ્રિયતા જોતાં ભાજપને આ વખતે પણ વરાછા પરસેવો પડાવશે એ નિશ્ચિત છે
Advertisement