મોજીલા શહેરની ઓળખ ધરાવતું જામનગર ક્રિકેટનું પિયર કહેવાય છે. જામસાહેબ રણજીએ પોષેલો ક્રિકેટ શોખ કાયમ માટે જાળવી રાખનારૂં જામનગર દરેક પેઢીએ ભારતીય ક્રિકેટ ટીમને પ્રતિભાશાળી ખેલાડીઓ આપતું રહે છે. રણજી અને વિનુ માંકડ જ્યાં પ્રેક્ટિસ કરતા હતા એ ક્રિકેટ બંગલો આજે સમયની થપાટ ખાઈને અવાવરૂં થતો જાય છે પણ ઔદ્યોગિક કંપનીઓના આગમન પછી જામનગરની પ્રતિભા અનેકવિધ ક્ષેત્રે સતત ઝળકતી રહે છે. જામનગરનો અસલ મિજાજ પ્રતિબિંબિત કરતી જામનગર ઉત્તરની વિધાનસભા બેઠક નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી છે. આ મતવિસ્તાર અંતર્ગત તાલુકાના નવાગામ ઘેડ, મહાનગરપાલિકાના પાંચ વોર્ડ, જામનગર પોર્ટના બેડી સહિતના ગામો આવરી લેવાયા છે. કુલ 2,18,785 મતદારો ધરાવતી આ બેઠક સંખ્યા અને વિસ્તાર બંને દૃષ્ટિએ નાની છે.
Advertisement
Advertisement
મિજાજઃ
શાહી મિજાજના આ શહેરનો રાજકીય મિજાજ મોટાભાગે ભાજપતરફી રહ્યો છે. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા સામે અહીં બાકીના તમામ મુદ્દાઓ કે નાગરિક સમસ્યાઓ ગૌણ બની જાય છે. પરંતુ જામનગર ઉત્તર બેઠકે નવા સીમાંકન પછી અહીં પક્ષ કરતાં વ્યક્તિને પ્રાધાન્ય આપ્યું અને સળંગ બે ટર્મ સુધી મતદારોએ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાનું સમર્થન કર્યું હતું. હકુભાએ પક્ષપલટો કર્યો પછી પણ તેઓ વધુ સરસાઈથી આ બેઠક જીત્યા હતા. જોકે હવે જામનગર દક્ષિણની માફક આ બેઠક પણ કાયમ માટે અંકે કરવાની ભાજપની રણનીતિ સફળ થતી જણાય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | ધર્મેન્દ્રસિંહ જાડેજા | કોંગ્રેસ | 9,448 |
2017 | ધર્મેન્દ્રસિંહ જાડેજા | ભાજપ | 40,963 |
(નવા સીમાંકન પછી આ બેઠક અસ્તિત્વમાં આવી હોવાથી અહીં અત્યાર સુધીમાં બે ચૂંટણી યોજાઈ છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ જામનગર (દક્ષિણ): ભાજપની ટીકિટ એ જ ગાંધીનગરની ટીકિટ, ટ્રેન્ડ બદલાવાની શક્યતા નહિવત્ત
કાસ્ટ ફેબ્રિક
આશરે 42,000 મુસ્લિમ મતદારો ધરાવતી આ બેઠક પર ભાજપે જીતવા માટે ધ્રુવીકરણનો સહારો લેવો ફરજિયાત છે. આથી જ અહીં ઉમેદવારની પસંદગી નિર્ણાયક બની જાય છે. 30,000 ક્ષત્રિયો, 18,000 પાટીદાર અને 15,000 બ્રાહ્મણ મતદારોની વોટબેન્ક પણ ગેમ ચેન્જર ગણાય છે. હકુભા ક્ષત્રિય અને મુસ્લિમ સમીકરણ વડે પહેલી વાર વિજેતા નીવડ્યા હતા. બીજી વાર તેમણે પોતાના સમર્થકો ઉપરાંત ભાજપની કમિટેડ વોટબેન્ક વડે સરસાઈ ખાસ્સી વધારી હતી.
સમસ્યાઓઃ
શહેરના આર્થિક વિકાસનો ખાસ લાભ શહેરી આયોજનની સુવિધાઓમાં જોવા મળતો નથી. કોમ્યુનિટી હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી રાજ્ય સરકારની ગ્રાન્ટ સિવાય અહીં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં ખાસ કામગીરી થયેલી નથી. મુસ્લિમોના કબ્રસ્તાન માટે વધુ જગ્યા ફાળવવાની માંગણી ખોરંભે ચડેલી હોવાથી મુસ્લિમોમાં કચવાટ જોવા મળે છે. પીવાલાયક પાણીના પ્રશ્નોની સમસ્યા પણ ગાંધીનગર, શાંતિનગર, નવાગામ ઘેડ જેવા વિસ્તારોમાં વ્યાપક છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ રાજકોટ (પશ્ચિમ): વજુભાઈ, વિજયભાઈ કે કોઈ પણ… ઉમેદવાર નહિ, અહીં કમળ જીતે છે
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
હકુભા પોતાની અંગત લોકપ્રિયતાના આધારે બબ્બે ટર્મથી અલગ અલગ પક્ષમાંથી જીત્યા હતા. પક્ષપલટો કરીને ભાજપના કેબિનેટ મંત્રી પણ બન્યાં. ત્યારબાદ નો રિપિટ થિયરી લાગુ થતાં પ્રધાનમંડળમાંથી પડતા મૂકાયા અને હવે તેમની ટીકિટ પણ કપાઈ ચૂકી છે. હાઈકોર્ટમાં એક જૂના કેસમાં રાહત ન મળી હોવાનું કારણ આગળ ધરવામાં આવે છે. પરંતુ એક ટોચના ઔદ્યોગિક જૂથનો વિરોધ, જમીન કૌભાંડમાં સંડોવણી વગેરે જેવા મુદ્દાઓના કારણે હકુભાની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાનો સહિયારો પ્રયાસ સફળ થયો જણાય છે. હવે તેમની જગ્યાએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે. સ્વચ્છ છબી, શિક્ષિત અને સેલિબ્રિટી મહિલા ઉમેદવાર હોવાથી સ્વાભાવિક રીતે જ ભાજપ આ બેઠક માટે નિશ્ચિંત છે. સેલિબ્રિટી સ્ટેટસ ઉપરાંત કાસ્ટ ફેક્ટર પણ તેમની તરફેણમાં છે.
હરીફ કોણ છે?
હકુભા જ અહીં ઉમેદવારી કરશે એવી ધારણા સાથે કોંગ્રેસે અહીં બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ બિપેન્દ્રસિંહની કામગીરી અને લોકસંપર્ક સૌ કોઈ સ્વીકારે છે. પરંતુ રીવાબાના સેલિબ્રિટી સ્ટેટસ, મોદીનો કરિશ્મા અને હિન્દુત્વની કાયમી અપીલ જેવા મુદ્દાઓ સામે બિપેન્દ્રસિંહ અંગત પ્રતિષ્ઠાના જોરે કેટલું લડી શકે છે એ જોવું રહ્યું.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં કરશનભાઈ કરમુરને મેદાનમાં ઉતાર્યા છે. આહિર અગ્રણી અને સામાજિક કર્મશીલ તરીકે જાણીતા કરમૂર જોકે દિગ્ગજો વચ્ચેની બીગ ફાઈટમાં ખાસ નોંધપાત્ર અસર ઊભી કરી શકે તેવું હાલ જણાતું નથી. સરવાળે આ એકતરફી જંગ બની રહે તેવી પૂરી શક્યતા છે.
Advertisement