દરેક મહાનગરનો વિકાસ એ તેની ઈતિહાસગાથા હોય છે. અમદાવાદ જ્યારે કાપડ ઉદ્યોગમાં ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું ત્યારે મિલ કામદારોનો મજુર વિસ્તાર ગુજરાતના વિભાજન પછી ધોરણસરનો વિકાસ પામ્યો અને તેને બાપુનગર નામ આપવામાં આવ્યું. મિલ ઉદ્યોગની મંદી પછી બેકાર બનેલાં મિલ કામદારોએ અગરબત્તી-મીણબત્તી, ચેવડાં-ચવાણાં, હાથવણાટના વસ્ત્રો, એમ્બ્રોઈડરી, વોશિંગ પાઉડર જેવા કામો શરૂ કરતાં આ વિસ્તાર લઘુ ઉદ્યોગનું કેન્દ્ર બન્યો. આજે દેશભરમાં વિખ્યાત બનેલ નિરમા બ્રાન્ડની શરૂઆત બાપુનગરની એક ઓરડીથી જ થઈ હતી. એંશીના દાયકામાં સુરતમાં હીરા ઉદ્યોગે તેજી પકડી એ પછી બાપુનગરમાં જમીન પ્રમાણમાં સસ્તી હોવાથી હીરાના કારખાના શરૂ થયા. આજનું બાપુનગર એ બધી ઓળખથી આગળ નીકળીને અમદાવાદની ચકાચૌંધ સાથે તાલ મિલાવી રહ્યું છે. મિલ કામદારો વખતની પરપ્રાંતિયોની વસ્તી અને હીરા ઉદ્યોગની તેજી વખતની સૌરાષ્ટ્રના પાટીદારોની વસ્તી અહીં લગભગ સપ્રમાણ છે. નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી વિધાનસભાની જનરલ કેટેગરીની આ બેઠક અંતર્ગત કુલ 1,97,648 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
પરપ્રાંતિયો, મુસ્લિમો, દલિતો અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે એકસરખી તક ધરાવે છે. આ બેઠક પર બે ચૂંટણી થઈ તેમાં એક વાર ભાજપના જગરૂપસિંહ રાજપૂત જીત્યા હતા તો બીજી વાર કોંગ્રેસના હિંમતસિંહ પટેલને તક મળી હતી. બાપુનગર બેઠક પર પરપ્રાંતિયને ટીકિટ અપાય તો પાડોશની અમરાઈવાડી, નિકોલ બેઠક પર બાપુનગરના મતદારો પર પ્રભાવ ધરાવતા ઉમેદવારને ટીકિટ મળે એ રીતે રાજકીય પક્ષો બે કે ત્રણ બેઠકના સંયોજનથી મતદારોને રાજી રાખવા પ્રયત્ન કરતાં હોય છે. અહીં મોટાભાગે કસોકસની હરીફાઈ થતી હોવાથી જીતનું માર્જિન બહુ સાંકડું રહેતું હોય છે. આ વખતની ચૂંટણી પણ તેમાંથી બાકાત નહિ હોય.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | જગરૂપસિંહ રાજપૂત | ભાજપ | 2,603 |
2017 | હિંમતસિંહ પટેલ | કોંગ્રેસ | 3,067 |
(નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી હોવાથી આ બેઠક પર બે ચૂંટણી યોજાઈ છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ દરિયાપુર: ગ્યાસુદ્દિનની હેટ્રિક અને ભાજપની આશા હસનલાલાની બેટિંગ પર નિર્ભર
કાસ્ટ ફેબ્રિક
68,000 જેટલાં પરપ્રાંતિયો અહીં સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ પ્રભાવશાળી છે. એ ઉપરાંત 45,000 મુસ્લિમ, 32,000 પાટીદાર અને 15,000 દલિત સમુદાય નોંધપાત્ર સ્થાન ધરાવે છે. પરપ્રાંતિયોમાં પણ ઉત્તર ભારતીયો સૌથી વધુ હોવાથી મોટાભાગે યુપી, બિહારનું કનેક્શન ધરાવતા ઉમેદવારને અહીં તક મળતી રહે છે. સૌરાષ્ટ્રના પાટીદારોને ઠક્કરબાપાનગરની ટીકિટ મળતી હોય તેની સીધી અસર બાપુનગરના પાટીદારો પર પણ પડતી રહે છે. બંને રાજકીય પક્ષો આ સમીકરણોને ધ્યાનમાં રાખે છે.
સમસ્યાઓઃ
એક સમયે ઠેરઠેર ધમધમતાં હીરાના કારખાનાં હવે સાવ ભૂતકાળનું દૃષ્ય બની ચૂક્યાં છે. અહીં પણ સુરતની માફક ડાયમન્ડ બુર્સ શરૂ કરવાના વચનોનો અમલ થયો નથી. એમ્બ્રોઈડરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા બિઝનેસ પાર્ક બનાવવાની વાતો પણ આગળ વધી નથી. આડેધડ બાંધકામોને ઈમ્પેક્ટ ફી વડે રેગ્યુલરાઈઝ કરાવવામાં બાપુનગર વિસ્તાર મોખરે હોવાથી અહીં ભારે અનિયમિતતાઓ જોવા મળે છે. પાણીના નિકાલ માટે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન હોવા છતાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અહીં સૌથી વધુ જોવા મળે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જમાલપુર ખાડિયા: કાબલીવાલાના 25 હજાર પ્લસ મત પર ભાજપ-ભુષણ નિર્ભર
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કોંગ્રેસના હિંમતસિંહ પટેલ રાજનીતિના મંજાયેલા ખેલાડી છે. વિદ્યાર્થીકાળમાં એનએસયુઆઈ મારફત રાજનીતિમાં પ્રવેશેલા હિંમતસિંહ અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસની આંતરિક જૂથબંધીમાં પોતાનો ફાયદો અંકે કરવામાં માહેર હિંમતસિંહ મત વિસ્તારના વિવિધ સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા રહીને જનસંપર્ક જાળવી રાખે છે. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનનો સીધો ફાયદો મળ્યો હોવા છતાં હિંમતસિંહ જીતનો માર્જિન ખાસ વધારી શક્યા ન હતા. એટલે આ વખતે તેમના માટે જીતવાનું આસાન મનાતું નથી. આ વખતે પાટીદાર મતદારોને રિઝવવા એ હિંમતસિંહ માટે મોટો પડકાર છે.
હરીફ કોણ છે?
ભાજપે આ વખતે ઉત્તરપ્રદેશ સમુદાયના દિનેશસિંહ કુશવાહાને પસંદ કર્યા છે. ઉત્તર ભારતીય સમાજના અનેકવિધ સામાજિક સંગઠનો સાથે જોડાયેલા કુશવાહ સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતાં હોવાથી પરપ્રાંતિયોના મત મેળવી શકે એવી ભાજપની આશા છે. જોકે પરપ્રાંતિયો ઉપરાંત પાટીદાર મતો માટે કુશવાહા ભાજપના સંગઠન અને અન્ય મત વિસ્તારના પાટીદાર અગ્રણીઓ પર નિર્ભર છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ દાણીલીમડા: ગઢ કોંગ્રેસનો, સૈન્ય AAP+AIMIMનું, વિજેતા થવાનાં ઓરતાં ભાજપને
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ દિક્ષિત સામાજિક કર્મશીલ તરીકે આ વિસ્તારમાં જાણીતા છે. જોકે તેઓ કોનાં મત તોડશે એ કહેવું હજુ વહેલું ગણાશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે અને તેમાં કોંગ્રેસ માટે આ વખતે રાહ આસાન નહિ હોય.
Advertisement