બાદશાહ શાહજહાઁના સમયમાં ગુજરાતમાં આવેલાં બાબી મુસ્લિમો મૂળ તો પૂર્વ અફઘાનિસ્તાનની એક લડાયક જાતિ હતી. મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યા પછી પોતપોતાના કબજા હેઠળના વિસ્તારના તેઓ નવાબ બની ગયા અને એમ ગુજરાતમાં જૂનાગઢ, પાલનપુર એવાં બાબી વંશના બે મુખ્ય રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. આ બંને રાજ્યોના બાબી વંશજોએ અન્યત્ર પણ પોતાનાં પરાક્રમથી રજવાડાં સ્થાપ્યાં તેમાં સરદારગઢ, પાજોદ, માણાવદર, રાધનપુર અને બાલાસિનોરને ગણવા પડે. મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લામાં આવેલું બાલાસિનોર બીજી રીતે ય યાદ કરવું પડે. ‘મારો ય જમાનો હતો, કોણ માનશે’ જેવી ગઝલોના સર્જક રૂસ્વા મઝલુમી પાજોદ સ્ટેટના વારસ હતા અને આઝાદી પછી વારસાઈ અંગેની કાનૂની લડતમાં ખુવાર થયા પછી બાલાસિનોરમાં સગાંઓને ત્યાં રહેતાં હતાં. આજે એ નવાબી જાહોજલાલી જૂનવાણી મહેલોના ખરી રહેલાં જર્જરિત કાંગરાઓમાં રહી ગઈ છે. બાબીઓનું બાલાસિનોર હવે ગુજરાત વિધાનસભામાં બેઠક ક્રમાંક 121 તરીકે ઓળખાય છે. બાલાસિનોર, વિરપુર તાલુકા ઉપરાંત કપડવંજ તાલુકાના કેટલાંક ગામો ધરાવતી આ બેઠક અંતર્ગત કુલ 2,83,465 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
નવાબી શાસન હેઠળ પલોટાયેલા બાલાસિનોરનો રાજકીય મિજાજ પણ અતરંગી રહ્યો છે. ગુજરાતની રાજનીતિમાં ગમે તેવાં વહેણ બદલાય તો પણ અહીં મોટાભાગે કોંગ્રેસતરફી ઝુકાવ રહ્યો છે અને અમૂક અપવાદોને બાદ કરતાં ભાગ્યે જ ભાજપના ઉમેદવારોને સફળતા મળી છે. બાલાસિનોર બેઠકની કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ 7 વાર, ભાજપ 3 વાર, સ્વતંત્ર પક્ષ, અપક્ષ અને રાજપા આ ત્રણેય એક-એક વાર વિજયી થઈ ચૂક્યા છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | માનસિંહ ચૌહાણ | રાજપા | 17,560 |
2002 | રાજેશ પાઠક | ભાજપ | 5,374 |
2007 | માનસિંહ ચૌહાણ | કોંગ્રેસ | 15,784 |
2012 | માનસિંહ ચૌહાણ | કોંગ્રેસ | 17,171 |
2017 | અજીતસિંહ ચૌહાણ | કોંગ્રેસ | 10,602 |
કાસ્ટ ફેબ્રિક
મુખ્યત્વે ઓબીસી ક્ષત્રિય મતદારો ધરાવતા આ વિસ્તારમાં ચૌહાણ, પરમાર, ઝાલા અને સોલંકી અટકનું પ્રભુત્વ છે. પછીના ક્રમે 18,000 જેટલાં દલિતો અને 15,000 જેટલાં મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક બને છે. ભાજપની કમિટેડ વોટબેન્ક ગણાય એવાં ઉજળિયાત મતદારોનું પ્રમાણ આ બેઠક પર જૂજ છે. માનસિંહ ચૌહાણ આ બેઠક પર ત્રણ દાયકાથી દબદબો ધરાવતા રહ્યા છે. ભાજપ, રાજપ અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષમાંથી તેઓ જીતી ચૂક્યા છે. બંને મુખ્ય પક્ષો ક્ષત્રિય ઉમેદવારને જ તક આપવાના હિમાયતી રહ્યા છે. જોકે 2002માં રાજેશ પાઠકે ભાજપની ટીકિટ પર વિજય મેળવીને બહુ મોટું આશ્ચર્ય સર્જ્યું હતું.
આ પણ વાંચો: #બેઠકપુરાણ શહેરાઃ ભાજપ એટલે જેઠાભાઈ એટલે જીત, અઢી દાયકાનું આ સમીકરણ હવે બદલાશે?
સમસ્યાઓઃ
સાવ નાનકડું શહેર હોવા છતાં અહીં ટ્રાફિકની સમસ્યા સૌથી મુખ્ય ગણાય એને વિડંબના કહેવી પડે. બાયપાસની માંગણી દોઢ દાયકા સુધી પેન્ડિંગ રહી. એ મંજૂર થયા પછી બાયપાસનું કામ શરૂ થવામાં બીજો એક દાયકો વીતી રહ્યો છે. જગતનો ત્રીજા નંબરનો ગણાતો ડાયનોસોર પાર્ક અહીં હોવા છતાં અહીં ટુરિઝમનો વિકાસ થયો નથી. વાહન વ્યવહારની અગવડ છે. મોટા ઉદ્યોગોની સદંતર ગેરહાજરી હોવાથી યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ કે રોજગારી માટે અન્યત્ર જવાની મજબૂરી છે. ખેતી અને ખેતમજૂરી તેમજ પશુપાલન આ વિસ્તારમાં મુખ્ય રોજગારી હોવા છતાં સિંચાઈની સમસ્યાનો ઉકેલ હજુ સુધી નથી મળ્યો.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
દસ હજારથી વધુ મતના માર્જિનથી જીતેલાં અજીતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઈ જશે એવી વાયકાઓ સતત ઊઠતી રહી છે પરંતુ તેમણે કોંગ્રેસનો હાથ પકડી રાખ્યો છે. સ્થાનિક સ્તરે તેઓ મજબૂત નેતાની છાપ ધરાવે છે. ઓબીસી ક્ષત્રિય સમાજમાં પણ તેમની છાપ મળતાવડાં અને હાથવગા નેતા તરીકેની ગણાય છે. તેમની ટીકિટ નિશ્ચિત છે પરંતુ આ વખતે જીતવા માટે તેમણે ભાજપવિરોધી વોટબેન્કને બરાબર ઓળખવી પડશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
હરીફ કોણ છે?
ભાજપ આ વખતે માનસિંહ ચૌહાણના પરિવારમાંથી કોઈ યુવા ચહેરાને ઉતારે એવી શક્યતા પ્રબળ છે. આ ઉપરાંત દિગ્ગજ મહિલા અગ્રણી લીલાબહેન આંકોલિયા સળંગ બે ચૂંટણીથી દાવેદારી કરી રહ્યાં હતાં. આ વખતે તેમનાં પરિવારમાંથી કોઈકને તક મળી શકે છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટી અહીં બહુ જ નિર્ણાયક બનવાની છે. યુવા અગ્રમી અને ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રમુખ રાજેન્દ્રસિંહ બારૈયા આમઆદમી પાર્ટીના ઉમેદવાર બને તેવી સંભાવના છે. તેઓ અગાઉ મહિસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પણ હતા. એટલે તેમની ઉમેદવારી કોંગ્રેસ માટે નુકસાનકારક બનશે એ નિશ્ચિત છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ સંતરામપુરઃ કોંગ્રેસનું એક સમયનું રજવાડું હવે ભાજપનો’કુબેર ખજાનો’ બનવાના પંથે
Advertisement