અમદાવાદ જ્યારે આસ્ટોડિયા હતું અને પછી કર્ણાવતી બન્યું એ વખતથી કોટ વિસ્તારની ઉત્તરે અસારવા ગામ અસ્તિત્વમાં હતું. અસલ ગામના લક્ષણો આજે પણ જૂના અસારવાની સાંકડી શેરીઓ અને દેશી ઢબના મકાનોમાં જોવા મળે છે. સુલતાન મુહંમદ બેગડાના પ્રધાન દરિયાખાન અને લશ્કરી અધિકારી કાલુખાને કોટની બહાર પોતાને મળેલી જાગીર પર અનુક્રમે દરિયાપુર અને કાલુપુર વસાવ્યા એ બંને વિસ્તારો ઝડપભેર વિકસતા ગયા અને દિલ્હી દરવાજાથી આગળ માધુપુરા, ચમનપુરા અને અસારવા જેવા ગામોનો વિકાસ પણ થતો ગયો. ગત સદીના પ્રથમ દાયકાઓમાં કોટન મિલ ઉદ્યોગના પગલે અમદાવાદના શહેરીકરણે હરણફાળ ભરી ત્યારે અસારવા ભાગોળનું ગામ મટીને અમદાવાદનો એક વિસ્તાર બની ચૂક્યું હતું. માધુપુરા અને દિલ્હી દરવાજા વિસ્તાર અનાજ, કઠોળ અને મસાલાના મોટા બજાર તરીકે વિકસિત થયું જ્યારે ચમનપુરા, અસારવા, દૂધેશ્વર વગેરે વિસ્તારો કોટન મિલ સંબંધિત મશીનરીના ઉદ્યોગોનું કેન્દ્ર બન્યાં. મિલ મજૂરોની મોટી વસ્તીને લીધે અહીં રહેણાંક તરીકે પણ સારો એવો વિકાસ થયો. ગુજરાત રાજ્યની રચના વખતથી જ વિધાનસભા બેઠક તરીકે અસ્તિત્વમાં આવેલી આ બેઠક ગત ચૂંટણીથી અનુસુચિત જાતિ માટે અનામત બની છે. આ બેઠક અંતર્ગત અસારવા ઉપરાંત દુધેશ્વર, શાહીબાગ, દિલ્હી ચકલા વિસ્તાર સહિત કુલ પાંચ વોર્ડ સમાયેલા છે અને કુલ મતદારો 2,12,775 નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
1985 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અહીં સઘન કામગીરી કરી તેનું પરિણામ 1990 પછી ભાજપને ફળતું રહ્યું છે. રામ જન્મભૂમિ આંદોલનમાં સમયે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો કારસેવામાં અને બાદમાં અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રામાં જોડાયા હતા. જેને લીધે ભાજપતરફી હવામાન રચાયું અને 1990માં કોંગ્રેસના ટોચના નેતા પ્રબોધ રાવલ સામે સંઘ પરિવારમાંથી આવતા ભાજપના ઉમેદવાર વિઠ્ઠલભાઈ પટેલ જીતી ગયા હતા. ત્યારથી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. 1998ના એક અપવાદને બાદ કરતાં દરેક ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઉત્તરોત્તર વધતી સરસાઈથી અહીં જીતતા રહે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | અમરિશ પટેલ | ભાજપ | 958 |
2002 | પ્રદીપસિંહ જાડેજા | ભાજપ | 24,703 |
2007 | પ્રદીપસિંહ જાડેજા | ભાજપ | 17,703 |
2012 | રજનીકાંત પટેલ | ભાજપ | 35,045 |
2017 | પ્રદીપ પરમાર | ભાજપ | 49,264 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ બાપુનગર: કોંગ્રેસે દર્શાવેલ ‘હિંમત’ પછી હવે પાટીદારોનો ઝુકાવ નિર્ણાયક
કાસ્ટ ફેબ્રિક
આશરે 50,000 જેટલાં દલિત મતદારો ધરાવતી આ બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે. પછીના ક્રમે ક્ષત્રિયો 22,000 અને ઠાકોર 15,000 જેટલાં છે. પાટીદારોની સંખ્યા પણ 18,000 જેટલી છે જેમાં કડવા-લેઉવા લગભગ સરખા પ્રમાણમાં છે. અહીં વસતાં પાટીદારો મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાંથી આવેલાં છે. ભાજપ અહીં દલિત, ક્ષત્રિય અને પાટીદાર સમીકરણ આધારિત વ્યુહ ઘડે છે તો કોંગ્રેસ દલિત, ઠાકોર અથવા દલિત, ક્ષત્રિય સમીકરણ બનાવવા પ્રયત્નશીલ હોય છે.
સમસ્યાઓઃ
રહેણાંક, વેપારી અને ઔદ્યોગિક એમ દરેક પ્રકારની રોજગારલક્ષી ગતિવિધિ ધરાવતો વિસ્તાર હોવાથી અહીં ગીચ ટ્રાફિક, ગેરકાયદે બાંધકામો અને પીવાના પાણીની સમસ્યા મુખ્ય ગણાય છે. ઔદ્યોગિક એકમોના કચરાનો નિકાલ ધોરણસર ન થતો હોવાથી ગંદકીની ફરિયાદ પણ વ્યાપક છે. જૂના ગામોની પોળ વિકસાવવાની યોજનાઓનો અમલ થયો નથી. ગામ તળાવ ગેરકાયદે મકાનો હેઠળ દબાઈ ગયા હોવાથી પાણીના નિકાલની સમસ્યા પણ જોવા મળે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મણિનગરઃ અહીં ઉમેદવાર કરતાં મોદીનું નામ અને કમળનું પ્રતીક જ પૂરતું
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પ્રદીપ પરમાર આ બેઠક પર સારા એવાં માર્જિનથી જીત્યા હતા અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પણ બન્યા પરંતુ નબળી કામગીરી અને ખાસ તો મત વિસ્તારમાં જનસંપર્ક ઓછો હોવાની ફરિયાદોને લીધે તેમનું પત્તુ કપાવાનું નિશ્ચિત મનાતું હતું. આ બેઠક પર ભાજપમાંથી રેકોર્ડબ્રેક 100 જેટલાં નેતાઓએ દાવેદારી કરી હતી. આ બેઠક પરથી આખરે ભાજપે દર્શનાબહેન વાઘેલાને પસંદ કર્યા છે. અમદાવાદના ડેપ્યુટી મેયર રહી ચૂકેલાં દર્શનાબહેન સ્થાનિક સ્તરે સક્રિય હોવા ઉપરાંત દલિતો અને મહિલાઓમાં મજબૂત સંપર્ક ધરાવે છે. સ્વચ્છ છબી ધરાવતાં હોવા ઉપરાંત સ્થાનિક સંગઠન પણ તેમનાં માટે હકારાત્મક છે જેનો સીધો ફાયદો તેમને પ્રચારકાર્યમાં મળી રહ્યો જણાય છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ બેઠક પર વિપુલ પરમારને પસંદ કર્યા છે. મ્યુનિ. કોર્પોરેટર રહી ચૂકેલા વિપુલ પરમાર વિવિધ સંસ્થાઓના માધ્યમથી દલિત યુવાનોમાં સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. આક્રમક નેતા તરીકેની છાપ હોવાથી ભાજપ સામે ઝીંક ઝીલી શકે તેવી ધારણા છે. જોકે તેઓ સંપૂર્ણપણે પોતાના અંગત વિશ્વાસુ કાર્યકરો પર જ નિર્ભર હોવાનું ચિત્ર ઉપસે છે. સ્થાનિક સ્તરે રાજ્યકક્ષાના કોઈ નેતા તેમના પ્રચાર કાર્યમાં જોડાયા હોવાનું ખાસ જોવા મળતું નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વટવાઃ જાડેજાના ગઢમાં જાડેજા વગર જીતવાનો પડકાર સફળ થશે?
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં પૂર્વ શહેર પ્રમુખ અને નિવૃત્ત પોલીસ અધિકારી જે.જે.મેવાડાને મેદાનમાં ઉતાર્યા છે. નરોડા વિસ્તારમાં પાર્ટી પ્લોટ સહિતની સંપત્તિ ધરાવતા મેવાડા સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં તપાસના આદેશ હાઈકોર્ટે આપ્યા પછી તેમના પ્રચાર અભિયાનને થોડી બ્રેક લાગી છે. આરંભે મજબૂત અને આક્રમક શરૂઆત કર્યા બાદ હવે મેવાડા બચાવની સ્થિતિમાં જોવા મળે છે. જોકે સ્થાનિક સંપર્કના કારણે તેઓ અહીં સારો દેખાવ કરવાની આશા સેવતા હોય તો એ અસ્થાને નહિ હોય. એકંદરે તેઓ કોંગ્રેસને નુકશાન કરે એવું માનવામાં આવે છે.
Advertisement