નોકરી સાથે રહેવાની સગવડનું વચન આપી બેંગલુરુના એજન્ટે નડિયાદની મહિલાને ઓમાન મોકલી , ત્યાંના એજન્ટે ભૂખી રાખીને અત્યાચાર ગુજાર્યો નડિયાદના ભૂમેલની યુવતી સહિત અન્ય 20 યુવતી યાતના વેઠતી હતી * સાંસદ વહારે આવતાં સ્વદેશ પરત આવી શકી સારી નોકરી મેળવી ડોલર કમાવવા માટે વિદેશ જતા ચરોતર વાસીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે . નડિયાદ તાલુકાના ભુમેલની દીકરી અને ભાલેજની પરિણીતા એજન્ટ મારફત ઓમાન પહોંચી હતી . જ્યાં તેને સારી નોકરી અને રહેવાની સગવડ મળશે તેમ જણાવાયું હતું . પરંતુ ઓમાન પહોંચ્યા બાદ આ મહિલા પર જે વીતી છે , તેની આપવીતી કહેતા પણ તેના ઘરના સભ્યો ડરી રહ્યા છે . પોતાનું નામ જાહેર નહી કરવાની શરતે મહિલાએ તેની અને અન્ય યુવતીઓ સાથે બનેલ ઘટનાનું વર્ણન કર્યું જે ખરેખર રૂવાંટા ઉભા કરી દેનારૂ છે .
વિદેશમાં સારી નોકરીની લાલચ આપી નડિયાદના ભુમેલ ગામે રહેતી મોનલ ( નામ બદલેલ છે ) ના લગ્ન ભાલેજ ગામે રહેતા સુરેશ ( નામ બદલેલ છે ) સાથે થયા હતા . લગ્નના થોડા વર્ષો બાદ પરિવારની આર્થિક સ્થિતિ મજબુત કરવા મોનલે વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી . જેથી ભુમેલમાં રહેતી તેની બહેન આશા ( નામ બદલેલ છે ) એ બેંગલોરમાં રહેતા મહંમદ હનીફ નામના એજન્ટ સાથે તેનો સંપર્ક કરાવ્યો હતો . મોનલ , સુરેશ અને આશાએ અવાર નવાર મહંમદના મોબાઈલ નંબર પર વાત કરી મોનલનું ઓમાનમાં નોકરી માટે ગોઠવ્યું હતુ . મહંમદ હનીફે પણ મોનલને ઓમાનમાં સારી નોકરી , રહેવાની સગવડ મળશે , અને ત્યાં કમાયા બાદ રૂપિયા આપવાના તેવી વાત કરતા પરિવાર તેની વાતોમાં આવી ગયું હતું .ઓમાનના એજન્ટે શારીરિક – માનસિક ત્રાસ ગુજાર્યો આખરે 1 જુલાઈ 2021 ના રોજ મોનલ ઓમાન પહોંચી જ્યાં એક સ્થાનિક વ્યક્તિના ઘરે તેને નોકરી આપવામાં આવી .
પરંતુ જ્યા તે નોકરી કરતી હતી , તે લોકોની નજર ખરાબ હોઇ તેમજ વધુ કામ કરાવતા હોઈ મોનલે બે જ દિવસમાં નોકરી છોડી દીધી હતી . નોકરી છોડી તે એજન્ટના રૂમ પર પાછી આવી ગઈ હતી , જ્યાં એજન્ટના માણસો દ્વારા તેને એક રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી . અહીં તેની સાથે અન્ય રાજ્યો , અને અન્ય દેશોની 20 જેટલી યુવતીઓ હતી . જે એક જ રૂમમાં રહેવા મજબુર હતી . એજન્ટના માણસો દ્વારા તે લોકોને નોકરી મોકલવા માટે માર મારવામાં આવતો , તેમજ જમવાનું પણ ન આપી શારીરીક માનસીક ત્રાસ આપવામાં આવતો હતો હોવાનું મોનલે જણાવ્યું હતું . મોબાઈલથી પરિવારને લોકેશન મોકલ્યું મોનલ ઓમાન પહોંચ્યા બાદ ક્યાં રહેતી હતી , તેનું એડ્રેસ પણ તેને જણાવવામાં નતુ આવ્યું . બેંગલોરના એજન્ટે તેને ઓમાન મોકલી ત્યારબાદ તે ક્યાં રહે છે , તે અંગેનું મોબાઈલ લોકેશન તેણે પરિવારને મોકલાવ્યું હતું .
જેના આધારે પરિવારને તેણી ઓમાનમાં ક્યાં રહે છે , તે જાણવા મળ્યું હતું ઓમાનમાં સંઘર્ષના સાત મહિના ગુજાર્યા મોનલે જણાવ્યું હતુ કે એજન્ટો દ્વારા જે રૂમમાં અમને રાખ્યા હતા , ત્યા ન મોબાઈલ ફોન હતો , કે ન હતી યોગ્ય સુવિધા . તે લોકો કહે ત્યા નોકરી પર જવા તૈયાર ન થાવ તો યુવતીઓને માર મારવામાં આવતો , શારીરિક માનસિક અત્યાચાર કરવામાં આવતો જે દ્રશ્યો ખુબ જ ડરામણા હતા .
ભારતીય એમ્બેસીએ લોકેશનના આધારે મુક્ત કરાવી મોનલના પિતાએ જણાવ્યું હતું કે દીકરી ને પરત મેળવવા અમે ખેડા જિલ્લા સાંસદ અને સંચાર મંત્રી દેવુસિહ ચૌહાણના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો . જે બાદ તેઓએ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને પત્ર દ્વારા જાણ કરી હતી . જે બાદ ઓમાન સ્થિત ભારતીય એમ્બેસીને જાણ કરતા એમ્બેસીની ટીમ મોબાઈલ લોકેશનના આધારે સ્થળ પર તપાસ કરવા પહોંચી હતી . જે બાદ એક અઠવાડિયામાં મોનલ ઘરે પહોંચી ગઈ હતી .
પરત મોકલવા એજન્ટે 1.50 લાખની માગ્યા હતા ભારતીય એમ્બેસી દ્વારા મોબાઈલ લોકેશનના આધારે મોનલની તપાસ કરતા ઓમાન સ્થિત એજન્ટ અને તેની ટીમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો . સરકાર એક્શનમાં આવી હોવાનું જાણતા જ એજન્ટે મોનલ ના પિતાને ફોન કરી રૂ .1.50 લાખ આપો તો દીકરી ને પરત મોકલી દઈશું તેમ કહેતા જ તેના પિતાએ રૂપિયા મોકલ્યા હતા , અને મોનલ પરત આવી ગઈ હતી .