- કોઈ દિવસ ધારાસભ્ય કે સાંસદે બસમાં મુસાફરી કરી છે?? ST બસમાં એમના માટે સીટ રિઝર્વ કેમ????
- સામાન્ય વ્યક્તિઓની જો ભણતરના આધારે નોકરી માટે યોગ્યતા નક્કી થતી હોય તો આખો દેશ ચલાવતા મંત્રીઓ માટે કેમ ભણતરના આધારે યોગ્યતા નક્કી નથી કરાતી??
- એક વાર ધારાસભ્ય, સંસદસભ્ય બનનારને આજીવન પેન્શન મળે તો બીજી બાજુ 2006 પછી સરકારી નોકરી કરનારને પેન્શન કેમ નહિ????
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: “બેટા ભણી ગણીને મોટો અધિકારી બનજે” આ જ શિખામણ વડીલો બાળકોને ભણતરના સમયે આપતા હોય છે.પણ વડીલો કેમ ભણી ગણીને અધિકારી બનવાની જ શીખ આપતા હતા નેતા કે મંત્રી બનવાની નહિ? કારણ એટલું જ કે વડીલો જાણતા હતા કે ભણશે તો જ અધિકારી બનશે નેતા કે મંત્રી બનવા માટે ભણતરની કોઈ જરૂર જ નથી. કદાચ આ આપણા દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય કહી શકાય કે ભણતરનું કોઈ મૂલ્ય જ નથી રહ્યું, અત્યારની વાત કરો કે પછી ભૂતકાળની એક સ્નાતક ચપરાસી હોય છે અને અભણ-ઓછું ભણેલો નેતા અથવા તો મંત્રી હોય છે.
આજે તમે જોશો તો એક પટાવાળો, તલાટી કે પછી કલાર્ક સ્નાતક કે અનુસ્નાતક હશે, જે એમના ભણતરને યોગ્ય પોસ્ટ છે જ નહીં એનું કારણ એટલું જ કે દેશમાં બેરોજગારી જ એટલી હદે વધી ગઈ છે અને બીજી બાજુ સરકાર યોગ્ય સમયે ભરતી પ્રક્રિયા કરતી જ નથી એટલે બેરોજગાર યુવાનો કોઈ પણ રીતે રોજગારી મેળવવા પોતાના ઉચ્ચ ભણતર સાથે સમાધાન કરી યોગ્યતા કરતા નીચી પોસ્ટ પર નોકરી કરવા તૈયાર થઈ જાય છે.એક IAS અથવા તો IPS અધિકારી અભણ/ઓછુ ભણેલા દેશના મંત્રી આગળ જ્યારે હા..જી..ભરતા હોય, અધિકારી આગળ મંત્રીઓ રોફ ઝાડતા હોય ત્યારે ત્યારે એમનું સ્વમાન જરૂર ઘવાતું હશે, અને સ્વમાન ઘવાય એ વ્યાજબી પણ છે.
આજે કોઈ પણ સરકારી ભરતી બહાર પડે ત્યારે એમાં જે તે હોદ્દા માટે અભ્યાસનું એક ચોક્કસ ધોરણ નક્કી કરાતું હોય છે, ત્યારે સામાન્ય વ્યક્તિઓની જો ભણતરના આધારે નોકરી માટે યોગ્યતા નક્કી થતી હોય તો આખો દેશ ચલાવતા મંત્રીઓ માટે કેમ ભણતરના આધારે યોગ્યતા નક્કી નથી કરાતી??? શુ દેશના વહીવટમાં ભણતર જરૂરી નથી.જો કે સત્યતા એ પણ છે કે નેતાઓ અથવા મંત્રીઓ જે નિર્ણય લે છે એ નિર્ણય પાછળ ઉચ્ચ અધિકારીઓ જ હોય છે પરંતુ એ નિર્ણય યોગ્ય છે કે કેમ એ નક્કી કરવાની જવાબદારી મંત્રીઓની પણ હોય છે.અધિકારીઓના કહેવાથી લેવાયેલો નિર્ણય જો ખોટો સાબિત થાય તો છેલ્લે જનતાએ જ ભોગવવાનો વારો આવે છે.
લોકો રાત દિવસ એક કરી ગમે એટલું ભણી મોટો અધિકારી બની જાય પરંતુ મની અને મસલ્સ પાવરના જોરે નેતા અથવા તો મંત્રીની સામે અધિકારીએ સલામ ભરવી જ પડે.આજે દેશમાં ભણેલા ગણેલા લોકો કરતા વધુ સવલત તો દેશના નેતા અને મંત્રીઓને મળી રહી છે.એક વાર ધારાસભ્ય, સંસદસભ્ય કે મંત્રી બની જાવ એટલે તમે આજીવન પેન્શનના હકદાર થઈ જાવ છો. પછી ભલેને તમે એ પદ 5 મહિના માટે ભોગવ્યું હોય કે પછી 5 વર્ષ માટે.એની સામે 2006 પછીની સરકારી નોકરી કરનાર માટે સરકારે પેન્શન યોજના જ બંધ કરી દીધી.ધારાસભ્ય, સંસદસભ્ય અને મંત્રી તો અમુક ટૂંકા સમય માટે જ રહેવાના છે જ્યારે સરકારી કર્મચારી એમની આખી જિંદગી નોકરી સિવાય બીજું કંઈ કરવાના જ નથી ત્યારે દેશના વહિવટનો જે અભિન્ન અવિભાજ્ય અંગ છે એવા સરકારી કર્મચારીઓને આવો અન્યાય કેમ???
લાભની જો વાત કરીએ સરકારે ST બસોમાં ધારાસભ્ય, સંસદ સભ્ય માટે સીટ રિઝર્વ રાખી છે, અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કોઈ દિવસ ધારાસભ્ય કે સંસદસભ્યે બસમાં મુસાફરી કરી છે?? અરે એમની વાત તો બાજુએ મુકો પણ સામાન્ય સરપંચ મેં વોર્ડનો સભ્ય પણ ચૂંટાયા પછી મોંઘીદાટ AC ગાડીઓ ફરતા જોવા મળે છે તો પછી ધારાસભ્ય કે સંસદસભ્યની તો વાત જ શુ કરવી??? કોઈ દિવસ તેઓ બસમાં સવારી કરી જુએ તો એમને ખ્યાલ આવશે કે સામાન્ય જનતા કેવી સ્થિતિમાં મુસાફરી કરતી હતી.હવે ST બસોમાં આ જ રિઝર્વ સીટનો લાભ કોઈ ગરીબ વ્યક્તિને ફાળવી દેવાય તો એને યોગ્ય નિર્ણય કહેવાય, લાભ પણ યોગ્ય વ્યક્તિને જ મળે એ જરૂરી છે.
પગાર, ભથ્થુ વધારવાની જો વાત આવે તો તમામ પક્ષના ધારાસભ્ય/સંસદસભ્ય સુરમાં સુર પુરાવે છે, પણ જ્યારે જ્યારે સરકારી કર્મચારીઓના પગાર અથવા અન્ય ભથ્થા જ્યારે વધારવાની વાત આવે ત્યારે એ જ ધારાસભ્ય, સંસદસભ્ય અને મંત્રીઓ કોઈ વાત સાંભળતા નથી. અને જો સરકારી કર્મચારી આંદોલન કરે તો એમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે, આ તે કેવી લોકશાહી?? આખો દિવસ વૈતરૂ કરી કામગીરી કરતા સરકારી કર્મીઓ કરતા ઠાઠથી જીવતા ધારાસભ્ય, સંસદસભ્ય અને મંત્રીઓને ઘી કેળા જ છે.