Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > બનાસકાંઠા: પાલનપુરવાસીઓ જીવે છે પરંતુ તેમની આત્મા મરી પરવારી છે

બનાસકાંઠા: પાલનપુરવાસીઓ જીવે છે પરંતુ તેમની આત્મા મરી પરવારી છે

0
220

મુજાહિદ તુંવર: બનાસકાંઠા ગુજરાતના ઉત્તરે આવેલો જિલ્લો છે. પાલનપુર તેનું “મુખ્યમથક” છે. બનાસકાંઠામાં અંબાજી યાત્રાધામ, ડીસા બટાકા માટે પ્રખ્યાત વેપારી મથક, પાલનપુર હીરા ઉધોગનું કેન્દ્ર માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે. જ્યારે પાલનપુરનું નામ રાજા પ્રહલાદનદેવના નામ પરથી પડ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પાલનપુર શહેરની સ્થાપના 1184માં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અનેક રાજા-રજવાડાઓ અને નવાબોએ પાલનપુર પર રાજ કર્યો છે. પાલનપુર પર જાલોરી વંશના નવાબો દ્વારા લાંબા સમય સુધી રાજ કર્યો હોવાથી પાલનપુરને નવાબોની નગરી પણ કહેવામાં આવે છે.

જોકે, પાછલી ત્રણ સદીઓથી પાલનપુર ઉપર રાજ કરનારાઓ માત્રને માત્ર પાલનપુરનું શોષણ કરી રહ્યાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હિન્દુત્વના નામે પાલનપુર પર રાજ કરનારાઓએ પાછલા કેટલાક વર્ષોમાં લોકોને શું આપ્યું છે? શું શાનદાર ઝગારા મારતા રોડ-રસ્તાઓ આપ્યા છે કે પછી ફ્રિમાં ગરીબ લોકોને સારવાર આપે તેવી નવી સીવિલ હોસ્પિટલ ઉભી કરી છે? જણાવી દઈએ કે, પાલનપુર નગરપાલિકાની વાર્ષિક આવક કરોડો રૂપિયાની છે. જોકે, તે છતાં પણ પાછલી ત્રણ સદીઓથી સતત પાલનપુર અધોગતિ તરફ ધકેલાઇ રહ્યું છે. બનાસકાંઠાનું મુખ્યમથક હોવા છતાં સારા રોડ-રસ્તાઓ પણ નથી.

માત્ર પાલનપુર શહેરના રોડ-રસ્તાઓ નહીં પરંતુ પાલનપુરવાસીઓ પણ એક ગુલામી હેઠળ ધકેલાઇ રહ્યાં છે. તેઓ માનસિક રીતે ગુલામ બની જ ગયા છે તેમ કહીશું તો પણ અતિશ્યોક્તિ થશે નહીં. કેમ કે પોતાનું જીવન દોહિલુ બની ગયું હોવા છતાં પણ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ સામે પોતાનો આવાજ બુલંગ કરી રહ્યાં નથી. તો બીજી તરફ પાલનપુર પર રાજ કરનાર નગરપાલિકા અને બીજેપી નેતાઓની પેનલને લીલા-લહેર છે. એક વખત નગરપાલિકાના અધિકારીઓ અને અન્ય સરકારી અધિકારીઓના ઘરની મુલાકાત અચૂક લેવી જોઈએ, તો ખ્યાલ આવે કે હિન્દુત્વના નામે મેળવેલી જીત ક્યાં ફાયદો કરાવી રહ્યો છે. પાલનપુરવાસીઓ ગુલામીને સ્વીકારી લીધી હોવાથી તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ખાડાઓ અને ગંદકીમાં ધકેલી દેવામાં આવ્યા છે.

પાલનપુર નગરપાલિકાને કથિત રીતે સૌથી ભ્રષ્ટ નગરપાલિકા કહીશું તો પણ ખોટું ગણાશે નહીં. કેમ કે આઝાદીના આટ-આટલા વર્ષો વીતિ ગયા છતાં પણ પાલનપુર શહેરમાં એક રસ્તો પણ સારો બનાવી શકી નથી. બીજું તો બીજું પાલનપુરની અંદર જ ગંદકીનો ઢગલો કરી દીધો છે. પાછલા વર્ષોમાં હરાયા ઢોરોનો એટલો ત્રાસ વધી ગયો છે કે ના પૂછો વાત. પાલનપુરમાં માનવજાતની કોઈ કિંમત રહી નથી. તેથી જ તો એમ કહી શકાય કે પાલનપુરમાં માત્ર લોકોના શરીર ફરી રહ્યાં છે આત્મા તો મરી પરવારી છે.

પહેલા પાલનપુર નવાબોની નગરી કહેવાતું હતું પરંતુ હવે ભ્રષ્ટ અધિકારીઓની કૃપાથી તેને જીવંત મૃતાત્માઓનો શહેર કહીશું તો પણ કંઈ ખોટું ગણાશે નહીં.

બનાસકાંઠાનું મુખ્યમથક પાલનપુરની ખરાબ સ્થિતિને જોતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. શું પાલનપુરમાં બેસતા ક્લેક્ટર-મામલતદાર વગેરે જેવા અધિકારીઓની પાલનપુરના વિકાસમાં કોઈ જ જવાબદારી નથી? પાલનપુરના જીવલેણ રસ્તાઓ વિશે તેઓ અજાણ હશે? પાલનપુર નગરપાલિકા પાછલા અનેક વર્ષોથી શું જખ મારી રહી છે?

પાલનપુરના રોડ-રસ્તાઓ અને લોકોના જીવનને અધોગતિમાં ધકેલનારા અધિકારીઓ વિરૂદ્ધ કોણ પગલા ભરશે? આ પ્રશ્ન પાલનપુરની જનતાને પોતાની જાતને પૂછવો પડશે. કેમ કે ક્યાં સુધી તેઓ પાલનપુરના ખાડાઓમાં પટકાતા-અથડાતા ઢોરની જેમ ફરતા રહેશે.

જો ઉપરોક્ત પ્રશ્નનો જવાબ પાલનપુરવાસીઓને ના મળે તો તેઓ એક વખત ગાંધીજીને પણ યાદ કરી શકે છે અને વિપક્ષનો સાથ લઈ શકે છે. ગાંધીજીએ નિષ્ઠૂર અંગ્રેજોને પણ લાઈન પર લાવી દીધા હતા તો પાલનપુરવાસીઓ તેમના રસ્તા પર ચાલીને ભ્રષ્ટ અધિકારીઓને ચોક્કસ લાઈન પર લાવી શકે છે.

પાલનપુરની પોલીસ પણ તાનાશાહની જેમ વર્તન કરતી હોવાનું સામે આવી રહ્યું છે. રિક્ષા ચાલકો સહિત બાઈક અને ગાડી ચાલકોની થોડી એવી ભૂલ થાય તો પાલનપુર પોલીસ તેમને હજારો રૂપિયાનો દંડ ફટકારી દે છે પરંતુ હરાયા ઢોર પાલનપુરવાસીઓને ડગલેને પગલે નડે છે તેનો કોઈ જ ઉકેલ કાઢવામાં આવતો નથી.

પાલનપુરે પોતાની તસવીર બદલવી છે તો તેને દરેક ક્ષેત્ર પરિવર્તન લાવવું પડશે. જેમાં રાજકીય પરિવર્તન ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat