Gujarat Exclusive > દેશ-વિદેશ > બાબરી કેસ: ચુકાદા સાથે જ રિટાયર થશે CBIના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ

બાબરી કેસ: ચુકાદા સાથે જ રિટાયર થશે CBIના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ

0
72

લખનઉ: અયોધ્યામાં રામ મંદિર (Ram Temple In Ayodhya) નિર્માણનો શુભારંભ થયા બાદ હવે બાબરી મસ્જિદના વિધ્વંસ કેસ (Babari Case) ના ચુકાદો આવવા જઈ રહ્યો છે. સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો (CBI)ના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ આજે આ કેસમાં ચુકાદો (Babri Verdict) સંભળાવવા સાથે જ નિવૃત થઈ જશે.

સુરેન્દ્ર કુમાર યાદવ CBIની સ્પેશિયલ કોર્ટના જજ છે. જેઓ બાબરી મસ્જિદ કેસમાં 32 આરોપીઓની સજા પર ચુકાદો સંભળાવવાના છે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, સાધ્વી ઋતંભરા, ભાજપના ફાયર બ્રાન્ડ નેતા વિનય કટિયાર આરોપી છે.

આ દિગ્ગજોને બાબરી વિધ્વંસ કેસમાં શું સજા મળશે કે પછી તમામ આરોપોમાંથી મુક્તિ મળશે? તેના પર CBIના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ નિર્ણય આપશે. 30 સપ્ટેમ્બરે જ તેમના કાર્યકાળનો અંતિમ દિવસ પણ છે. ચુકાદો સંભળાવવા સાથે જ સાંજે 5 વાગ્યે CBI કોર્ટના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ રિટાયર થઈ જશે.

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

ઉલ્લેખનીય છે કે, CBIની કોર્ટના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવને 1 વર્ષનો કાર્યકાળ વિસ્તારવામાં આવ્યો હતો. બાબરી વિધ્વંસ કેસની સુનાવણીને ધ્યાનમાં રાખીને જ સુરેન્દ્ર કુમાર યાદવની સર્વિસ એક વર્ષ માટે લંબાવાઈ હતી. સુરેદ્રકુમાર યાદવ ફૈઝાબાદ સાથે નજીકથી સંકળાયેલા રહ્યાં. તેમનું પ્રથમ પોસ્ટિંગ ફૈઝાબાદ જિલ્લામાં જ થયું હતું. જેનું નામ હવે બદલાઈને અયોધ્યા થઈ ચૂક્યું છે.

સુરેન્દ્ર કુમારને ADJ તરીકે પ્રથમ પ્રમોશન ફૈઝાબાદમાં જ મળ્યું હતું. જેમને 5 વર્ષ પહેલા જ બાબરી વિધ્વંસ કેસમાં સ્પેશિયલ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ 16મીં સદીની બાબરી મસ્જિદને તોડી પડાયાના 28 વર્ષ બાદ લખનઉની વિશેષ CBI કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભાળવશે. હાઈપ્રોફાઈલ કેસમાં ચુકાદાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કેસમાં ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ છે.

કોર્ટે આ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું હતું, પરંતુ કોરોના મહામારી અને સ્વાસ્થ્ય કારણોસર તેઓ કોર્ટમાં હાજર રહેવા અસમર્થ છે.