ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે 75 સપ્તાહની દેશવ્યાપી ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નો પ્રારંભ 12 મી માર્ચ- 2021થી પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે ગુજરાતમા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં જન-જન સુધી રાષ્ટ્રભાવનાની ચેતનાને વધુ બળવત્તર બનાવવા 75 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે એમ રમત ગમત અને યુવા સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમા જણાવાયુ છે.
રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં ઉજવણીનું ભવ્ય આયોજન કર્યું છે. જે અંતર્ગત રાજયમાં રાજ્યકક્ષાના 15, જિલ્લાકક્ષાના 20 અને તાલુકાકક્ષાના 40 મળીને કુલ 75 સ્થળોએ 75 સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.આ તમામ કાર્યક્રમો 2 થી 3 કલાકની અવધિના રહેશે. દરેક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો/સેલેબ્રિટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
ઉપરાંત, આઝાદીની ગાથા અને સ્વર્ણિમ ગુજરાત અંગેનો મલ્ટીમિડીયા શૉ રજૂ કરવામાં આવશે. લોકપ્રિય વક્તાઓ, જાણીતા સ્ત્રી-પુરુષ કલાકારો અને યુવા પ્રતિભાશાળી કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવશે.
સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથો-સાથ સ્થાનિક કલાકારો, સ્થાનિક કલા, સ્થાનિક વાનગીઓ તથા ખાદી વગેરેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા/મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પ્રવાસન વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને માહિતી વિભાગ દ્વારા સંકલનમાં રહીને આ કાર્યક્રમોનું આયોજન કરાશે.
આ ઉજવણીના ભાગરૂપે ભારતની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રગતિના વિવિધ પાસાઓ ઉજાગર થાય તે પ્રકારના કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાઇ રહ્યા છે. નવી પેઢી સ્વતંત્રતા સંગ્રામના અનેક નામી-અનામી નાયકોના જીવનથી અને તેમણે કરેલા સંઘર્ષથી પરિચિત થાય તેમજ દેશની આઝાદી કેટલી મહામૂલી છે તે અંગેની જાગૃતિ કેળવાય તે પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ થઇ રહ્યું છે.