Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > પતિ આરીફ સાથેની 72 મિનિટની વાતચીત આઈશાના અંતિમ પગલાનું કારણ બની!

પતિ આરીફ સાથેની 72 મિનિટની વાતચીત આઈશાના અંતિમ પગલાનું કારણ બની!

0
444
  • ન્યાય માટે પિતાની સરકાર સામે અપીલ

  • સ્કૂલ અને કોલેજમાં ટોપર રહી ચૂકી છે આઈશા

  • આઈશાનો અંતિમ વીડિયો રાજસ્થાનથી વાઈરલ: પિતા

શાહબાઝ શેખ/જૈનુલ અંસારી, અમદાવાદ: થોડાક દિવસો પહેલા આ ફાનિ દુનિયાને હસતા હસતા અલવિદા કહેનાર આઈશાની આત્મહત્યા આજે આપણા સમાજની સંકુચિત માનસિકતાને દર્શાવે છે. આયેશાની આત્મહત્યાને લઈ અનેક પાસાઓની ચર્ચા થઈ રહી છે, પરંતુ આજે અમે આઈશાના જીવન સાથે જોડાયેલા એવા પાસાઓને જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લોકો અજાણ છે. આખરે સ્કૂલ અને કોલેજમાં અવ્વલ રહેનારી આઈશાએ કયા કારણોસર આ પગલું ભર્યું? આ સવાલ દરેકને સતાવી રહ્યો છે.

અમદાવાદની વટવામાં રહેતી આઈશાએ પોતાના પતિના અસહ્ય ત્રાસના કારણે આ દુનિયા છોડી હોવાની હકીકત સામે આવી રહી છે. જે દિવસે અંતિમ પગલુ ભર્યું, તે દિવસે આઈશા સવારે 9 કલાકે ઘરેથી હસતા ચહેરે નીકળી હતી. જો કે જ્યારે તે ઓફિસ પહોંચી, ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે તેણે પોતાનો સંસાર ફરી વસાવવા માટે એક પ્રયત્ન તો કરવો જ જોઈએ.

આખરે આઈશાએ પતિ આરિફ સાથે ફોન પર 72 મિનિટ સુધી વાત કરી હતી. જેમાં આરિફ આઈશાને આપઘાત કરવા માટે ઉશ્કેરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આરિફે જ આઈશાને કહ્યું હતું કે,

“તું કલ મરતી હો તો આજ મરજા. તેરે મરને સે મેરે કો કોઈ ફરક નહીં પડતા, લેકિન મરને સે પહેલે મુઝે એક વીડિયો ભેજ દેના ઓર મેરા નામ બીચ મેં ના આયે.”

આરીફની વાત સાંભળીને જ આઈશાને આઘાત લાગ્યો અને તેણે પિતાને ફોન કરીને તમામ આપવિતી જણાવી હતી. આઈશાએ પિતાને જણાવ્યું કે, આરીફ કોઈ વાતે નથી માની રહ્યો. તે મને સાથે રાખવા નથી માંગતો. આથી હું દુનિયાથી કંટાળી ગઈ છું. મારે જીવવું નથી. આઈશાના પિતા લિયાકત અલીએ પણ પુત્રીને સમજાવી અને ઘરે પરત આવવા જણાવ્યું હતું. જો કે પતિની વાતથી દુ:ખી આઈશાએ ઘરે જવાના બદલે મોતને વ્હાલું કરવાનું મુનાસીબ માન્યું.

આઈશાના પિતા લીયાકત અલી મકરાણીએ ગુજરાત એક્સક્લુઝિવ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે,

મારી પુત્રીના લગ્નના બે મહિના બાદ જ તેનો પતિ આરીફ તેની સાથે અવાનવાર ઝઘડો કરતો હતો. આઈશાના સાસરિયા પણ દહેજ માટે તેને ત્રાસ આપતા હતા. જો કે આઈશા તેનો સંસાર બચાવવા માટે ચૂપ રહીને બધુ જ સહન કરતી રહી. પતિ આરીફના અન્ય કોઈ છોકરી સાથે અફેર હોવાની વાત આઈશા જાણી ગઈ હતી. આ અંગે આઈશાએ તેની સાસુને જાણ કરી હતી. આરીફની માતા પણ પુત્રને સમજાવવાની જગ્યાએ પુત્રવધુ આઈશા પર ઉશ્કેરાઈ અને તેને ધમકીઓ આપવા લાગી હતી.

આટલું જ નહીં પતિ આરીફ અને સાસુ-સસરા આઈશા ઉપર દહેજ લાવવાનું દબાણ કરી રહ્યા હતા. આઈશાનું લગ્ન જીવન બચાવવા ખાતર તેના પિતાએ 1.50 લાખ રુપિયા પણ આપ્યા હતા. આમ છતાં તેમની માંગ હજુ પણ ચાલુ જ હતી. આખરે દહેજ મામલે ઝઘડો વધતા આરીફ આઈશાને તેના પિતાના ઘરે અમદાવાદ મૂકી ગયો હતો. જ્યાં થોડા દિવસો બાદ સમાજના અગ્રણીઓએ મધ્યસ્થી કરીને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

આઈશા છેલ્લા 6 મહિનાથી પિતાના ઘરે જ હતી. પોતાના દુ:ખી લગ્ન જીવનને ભૂલવા માટે આઈશાએ નવેસરથી જિંદગીની શરૂઆત કરી હતી. આઈશા એક મહિનાથી શાહીબાગ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહી હતી.

સ્કૂલ અને કોલેજમાં ટોપર રહી ચૂકી છે આઈશા

જમાલપુર ખાતે આવેલી એફ.ડી.ગર્લ્સ કૉલેજમાં અભ્યાસમાં અવલ્લ હોશિયાર અને દીની તાલીમ પણ મેળવી રહી હતી. આઈશાએ B.A.સુધીનો અભ્યાસ કર્યો છે અને આગળ ભણવાની ઈચ્છા પણ ધરાવતી હતી. જો કે લગ્ન નક્કી થઈ ગયા બાદ આઈશાના પતિએ તેને આગળ ભણાવવાની વાત માંડી વાળી હતી.

આઈશાએ પોતાના પસંદથી કર્યા હતા લગ્ન

આઈશાનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ ખાતે આવેલ વટવા વિસ્તારમાં રહે છે અને તેના પિતા સિલાઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. રાજસ્થાનમાં રહેતા એક પરિચિતને ત્યાં આરીફ અને આઈશાની મુલાકાત થઈ હતી. જે બાદ આરીફે મોટી-મોટી વાતો કરીને આઈશાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરીફના માતા-પિતાને પણ આઈશા પસંદ પડતા આખરે બન્નેના રાજીખુશીથી નિકાહ કરવામાં આવ્યા હતા.

આઈશાનો અંતિમ વીડિયો રાજસ્થાનથી વાઈરલ

અમદાવાદના રિવરફન્ટ ખાતે આઈશાએ વીડિયો બનાવી મોતની છલાંગ લગાવી હતી. આ વીડિયો આઈશાએ પોતાના પતિ આરીફને જ મોકલ્યો હતો. આઈશાના પિતા લિયાકત અલીનું કહેવું છે કે, ખુદ આરીફે જ પોતાના બચાવ માટે આ વીડિયો વાયરલ કર્યો છે.

આરીફ અને તેનો પરિવાર રફૂચક્કર

આઈશાના આપઘાત પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આરીફ અને તેનો પરિવાર રફૂચક્કર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ અમદાવાદ પોલીસની એક ટીમ આરીફની ધરપકડ માટે રાજસ્થાન રવાના થઈ ગઈ છે. જ્યારે રાજસ્થાન પોલીસે પણ આરીફ અને તેના પરિવારની શોધખોળ માટે ચક્રોગતિમાન કર્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat