Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ભાજપના હોદ્દેદારની ગંભીર આક્ષેપો સાથેની ઓડિયો કલીપ વાયરલ, મચ્યો ખળભળાટ

નર્મદા ભાજપના હોદ્દેદારની ગંભીર આક્ષેપો સાથેની ઓડિયો કલીપ વાયરલ, મચ્યો ખળભળાટ

0
2251

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખની વરણીને લઈને મોટું જૂથવાદ ચાલી રહ્યું છે. અવારનવાર જિલ્લા ભાજપનું એક જૂથ અન્ય એક બીજા જૂથ વિરુદ્ધની ફરિયાદ લઈ ગાંધીનગરના આંટા ફેરા મારી રહ્યું છે. નર્મદા જિલ્લા ભાજપમાં જૂથવાદ એટલે હદ સુધી વધી ગયો છે કે, એની નોંધ ઠેક પ્રદેશ કક્ષા સુધી લેવાઈ રહી છે. જુના અને પીઢ કાર્યકરોનું એક જૂથ આગામી જિલ્લા ભાજપ પ્રમુખ-મહામંત્રી તરીકે કોઈ નવા ચેહરાને તક આપવાની હાઈકમાન્ડ પાસે જીદ પકડી છે. ત્યારે જ નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જુના પીઢ કાર્યકર એવા અશોક પટેલની (માલિક) પોતાના એક મિત્ર સાથેની વાત ચિતની ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એ ઓડિયો ક્લિપમાં ગંભીર આક્ષેપો પણ લગાવાયા છે. હાલ તો નર્મદા જિલ્લા ભાજપના આ હોદ્દેદારે પોતાની હૈયાવરાળ ઠાલવી છે. મળતી માહિતી મુજબ મોટે ભાગના નર્મદા ભાજપના કાર્યકરોમાં હાલ જિલ્લા ભાજપ સંગઠન પ્રત્યે નારાજગી છે, ત્યારે આગામી સમયમાં અન્ય ભાજપ કાર્યકરો પણ ખુલીને બહાર આવી પોતાની નારાજગી દર્શાવે તો બિલકુલ નવાઈ નહિ. છેલ્લા 30 વર્ષથી નર્મદા જિલ્લા ભાજપમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા કાર્યકર્તાઓને પણ હાંસિયામાં ધકેલી દીધા હોવાની વાતો વહેતી થઈ છે.

નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ એ ઓડિયો ક્લિપમાં એમ જણાવી રહ્યા છે કે, આપણે તો મહેનત કરી કરીને મરી ગયા આપણને કોણ બનાવે, બધા ભ્રષ્ટાચારમાં એવા ખુંપી ગયા છે કે લોકોના હોંશ ઉડી જશે, 15 વર્ષથી એ લોકોએ હદ કરી નાખી છે. આપણે તો નિષ્ઠાવાન કાર્યકર તરીકે ભારત માતાની અને ભાજપની સેવા કરવાની જ છે પણ પાર્ટીમાં અત્યારે ઘણું ખરાબ છે. આપણે બધા જુના સમર્પિત કાર્યકરોએ પાર્ટી માટે જાત ઘસી નાખી છે. ભારત માતાની સેવા માટે પોઇચા પટ્ટી પર કોઈ ઘુસવા નહોતા દેતા એવા સમયે આપણે બોવ જ મહેનત કરી છે, પણ મોટા નેતાઓએ મિલીભગત કરીને ભ્રષ્ટાચાર કર્યો છે, બધા જ સમર્પિત કાર્યકર્તાઓ છે પણ શું કરીએ બોલો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેની ઓડિયો કલીપ વાયરલ થઈ છે એ અશોક પટેલે પણ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે, પણ તેઓ જે રીતે નર્વસ થઈને ઓડિયો ક્લિપમાં એ મુજબ અશોક પટેલને અણસાર આવી ગયો હોવો જોઈએ કે એમને તો નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નહિ જ બનાવે એવો ક્યાસ કાઢી શકાય. બીજું એ કે તેઓ કહી રહ્યા છે કે મોટા નેતાઓએ મિલીભગત કરી ભ્રષ્ટાચાર કર્યો છે તો એ નેતાઓ કોણ હોવા જોઈએ એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે. આ ઓડિયો કલીપ નર્મદા જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની પાક્કી સાબિતી પણ આપે જ છે.

અમદાવાદ: 7 વર્કરોના મોતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો