Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: દારૂની બાતમી કેમ આપી એમ કહી માજી સરપંચ પર જીવલેણ હુમલો

નર્મદા: દારૂની બાતમી કેમ આપી એમ કહી માજી સરપંચ પર જીવલેણ હુમલો

0
1370

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસે લોકડાઉન દરમિયાન ઘણી જગ્યાએ બાતમીના આધારે રેડ કરી દેશી તથા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. ત્યારે નાંદોદ તાલુકાનાં વાઘેથા ગામમાં માજી સરપંચ પર 4-5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો, એમણે હુમલો કરતા એમ જણાવ્યું હતું કે તું દારૂની બાતમી કેમ પોલીસને આપે છે.

નાંદોદ તાલુકાનાં વાઘેથા ગ્રામ પંચાયતના માજી સરપંચ ચંદ્રકાંત મનસુખભાઈ વસાવા પોતાના ખેતરમાં બેઠા હતા એ દરમિયાન ગામના પ્રિતેશ દાવનજીભાઇ વસાવાએ અચાનક આવી હુમલો કર્યો હતો, તેની સાથે અન્ય લોકોમાં વિરલ બચુભાઇ વસાવા, સુનિલ મહેંદ્રભાઇ વસાવા, રેખાબેન મહેંદ્રભાઇ વસાવા ગીરીશ સોમાભાઇ વસાવાએ પણ એમને બેફામ ગાળો આપી હતી. હુમલો કર્યા બાદ “તું પોલીસને દારૂ વેચવા અંગેની બાતમી આપે છે જેથી પોલીસ અમારા ઘરે તેમજ ગામમાં અવાર નવાર આવી રેડ કરે છે. હવે પછી જો અમારી બાતમી આપીશ તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યાં હતાં. આ મામલે ચંદ્રકાંત મનસુખભાઈ વસાવાની ફરિયાદને આધારે આમલેથા પોલીસ મથકમાં 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અગાઉ મારા ભાણીયા અને એક યુવાનને પણ માર માર્યો હતો: ચંદ્રકાંત વસાવા, માજી સરપંચ વાઘેથા

ચંદ્રકાંત વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ લોકડાઉનમાં બર્થડે પાર્ટી મનાવતા 9 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, ત્યારે એ બાતમી અમે આપી હોવાનો આ લોકોએ આક્ષેપ લગાવ્યો હતો અને ગામમાં તેઓ એવી વાતો કરતા હતાં કે આમને મારવા પડશે. હું વાઘેથા પંચાયતમાં ભ્રષ્ટાચાર મામલે જે લડત લડી રહ્યો છું, RTI હેઠળ જે માહિતી માંગી છે એની અદાવત રાખી મારી પર સરપંચનાં માણસોએ જ હુમલો કર્યો છે.

તો શું વાઘેથામાં દારૂ મળતો હશે?

વાઘેથા ગ્રામ પંચાયતનાં માજી સરપંચ પર દારૂ વેચાતો હોવાની બાતમી અપાઈ હોવાની રીસ રાખી હુમલો કરાયો છે ત્યારે એ વિસ્તારમાં દારૂ ચોક્કસ મળતો હોવો જોઈએ. નર્મદા પોલીસ દ્વારા એ વિસ્તારમાં જો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો જરૂર મોટા પ્રમાણમાં દારૂનો વેપલો ઝડપાઇ શકે છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનાં બે સાગરીત રાજેશ ખન્ના અને કાલુ હમામને ગુજરાત ATS એ ઝડપી પાડ્યાં