બનસકાંઠાઃ ડીસાના બાઈવાડામાં જમીનના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યોની હત્યા કરી દેવામાં આવી છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યો ઉપર છરી વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં પાંચ સભ્યો ગંભીર રૂપથી ઘાયલ થતાં લોહીલુહાણ સ્થિતિમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ બે સભ્યોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં જ પોલીસે કાર્યવાહી કરીને બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
ઘટનાના પગલે 108ની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થ ડીસા હોસ્પિટલ તેમજ પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા લોકો મહાવીર ચેલાભાઈ માજીરાણા, અંતરાબેન મહેશભાઈ માજીરાણા અને મહેશ ગણેશભાઈ માજીરાણાને હાલ સારવાર અપાઇ રહી છે. જેમાં એક પુરુષ અને એક મહિલાને ડોક્ટરે મૃત જાહેર કર્યાં છે.
સમગ્ર ઘટના પગલે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે બે સભ્યોના મોતથી સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાયો હતો. જ્યારે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.