Gujarat Exclusive > યુથ > મનોરંજન > રામાયણમાં લંકેશની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીનું નિધન

રામાયણમાં લંકેશની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદીનું નિધન

0
82

રામાયણમાં લંકેશ (Lankesh) નુ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi)નું નિધન થઈ ગયું છે. અરવિંદ ત્રિવેદીએ 82 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઇ સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામના વતની હતા. જોકે તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં વર્ષ 1938માં 8 નવેમ્બરે થયો હતો. તેઓએ મુંબઇની ભવન્સ કોલેજથી અભ્યાસ મેળવ્યો હતો. વર્ષ1966 માં તેઓએ નલિની બેન સાથે લગ્ન કર્યા હતા. તેમના પરિવારમાં ત્રણ પુત્રીઓ છે.

300થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો

પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ 300 કરતા વધુ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેઓએ રામાયણમાં રાવણના પાત્રની ભજવેલી ભૂમિકાએ તેમના જીવનને બદલી નાંખ્યુ હતુ. અભિનેતાના જીવનમાં ધાર્મિકતાને રામાયણે વધારી દીધી હતી. તેઓએ રામાયણ પહેલા વિક્રમ અને વેતાળની ટીવી સિરીયલમાં કામ કર્યુ હતુ. જેમાં તેઓે યોગીના પાત્રનો રોલ કર્યો હતો. આ ઉપરાંત દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં તેઓે અદ્ભૂત અભિનય કર્યો હતો.

વર્ષ 1971માં પરાયા ધન હિન્દી ફિલ્મમાં કામ કર્યુ હતુ. જ્યારે આજ વર્ષે તેમની જેસલ તોરલ ફિલ્મે પણ ખૂબ જ આકર્ષણ જમાવ્યુ હતુ. 1973માં તેઓએ કોમેડી ફિલ્મ આજ કી તાજા ખબરમાં ઇન્સપેક્ટરની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે કિરણ કુમારે પણ રોલ ભજવ્યો હતો. જે ફિલ્મમાં અસરાનીના અભિનયનને 1974માં ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત નરસિંહ ભગતના તેમના પાત્રને પણ ખૂબ જ યાદગાર બનાવ્યુ હતુ.

રામ નવમીએ અચૂક ઇડર આવતા

અરવિંદ ત્રિવેદી વાર તહેવારે અને ખાસ રામનવમીએ અચૂક ઇડરમાં આવેલા તેમના અન્નપૂર્ણા બંગ્લો ખાતે આવીને રોકાતા હતા. તેઓ જન પ્રતિનિધી તરીકે લોકો સાથે સીધો પરિચય ધરાવતા હતા. સાથે જ ગુજરાતી અભિનેતા તરીકે લોકોના હ્દયમાં વસેલા હોવાને લઇ મોટી સંખ્યામાં તેઓને લોકો મળવા માટે આવતા હતા. તેમના ચાહકો માટે રામ નવમી એટલે લંકેશના પ્રેમાળ દર્શનની તીથી તરીકે યાદ રાખી તેમને મળવા જતા. જ્યાં તેમની સાથે લોકો રામ ની પૂજા ભક્તિમાં સવાર સાંજ જોડાતા હતા.

સાબરકાંઠાના સાંસદ રહ્યા

લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદી 1991થી 1996 સુધી સાબરકાંઠાના સાંસદ સભ્ય તરીકે રહ્યા હતા. તેમજ ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન પદે 2002ના વર્ષમાં રહ્યા હતા. તેઓે ના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ તરીકે જાણતા હતા. રામાયણમાં તેમના અટ્ટહાસ્યને લઇને તેઓ રાવણના પાત્ર તરીકે પંસદ કરવાાં આવ્યા હતા. તેઓએ તેમના અટ્ટ હાસ્ય વડે રાવણના તિરસ્કાર જનક પાત્રની ભૂમીકાના અભિનયને લઇ તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા હતા અને લોકોના મનમાં રાવણની છબીને અંકિત કરી હતી.

અરવિંદ ત્રિવેદી રામ ભક્ત હતા 

લંકેશ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદી રામ ભક્ત હતા. તેઓ સતત રામની ભક્તિમાં લીન રહેતા હતા. તેમના ઇડર સ્થિત નિવાસ સ્થાને તેઓના ઘરમાં જ ભગવાન શ્રી રામની સાડા ચાર ફુંટ ઉંચી રામજીની પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમીત પૂજા અર્ચના કરતા હતા.

રામ જન્મોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરતા હતા

અરવિંદ ત્રિવેદી રામજન્મોત્સવને પ્રતિવર્ષ અચુક ઉજવતા હતા. તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં તેઓ રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા. તેમની આ પરંપરા નિયમીત રહી હતી. ઉંમરના કારણે નાદુરસ્ત તબિયત છતા તેઓ રામ જન્મોત્સવ ની ઉજવણી કરવા મુંબઇ થી અચૂક ઇડર આવી પહોંચતા હતા. તેઓ તાજેતરમાં પણ ઇડર સ્થિત તેમના અન્નપૂર્ણા નિવાસ સ્થાને રોકાણ કરવા માટે આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat