તમે એવા લોકો વિશે તો સાંભળ્યું જ હશે કે જેમની એક કે બે પત્નીઓ હોય, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈની 14 પત્નીઓ હોય. જો તમે સાંભળ્યું ન હોય તો હવે જાણી લો, કારણ કે ઓડિશામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિની 2 કે 10 નહીં પણ 17 પત્નીઓ છે. અધિકારીએ બુધવારે જણાવ્યું હતુ કે- ઓડિશાના 66 વર્ષીય વ્યક્તિ જેમણે વિવિધ રાજ્યોની 14 આધેડ, શિક્ષિત અને સારી રીતે કામ કરતી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, હવે તેમની 17 પત્નીઓ છે.
અગાઉ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા આ વ્યક્તિએ 14 લગ્ન કર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડોક્ટરની ખોટી ઓળખ હેઠળ મહિલાઓનો સંપર્ક કરનાર આરોપીએ છત્તીસગઢના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આસામના ડોક્ટર અને ઓડિશાની ઉચ્ચ શિક્ષિત મહિલા સાથે પણ લગ્ન કર્યા હતા.
ભુવનેશ્વરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ યુએસ ડેશે ભુવનેશ્વરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “બનાવટી ડૉક્ટરની વધુ ત્રણ પત્નીઓની ઓળખ કરવામાં આવી છે.” ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના એક વિદ્યાર્થીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક નકલી ડૉક્ટરે તેને રાજ્યની મેડિકલ કોલેજમાં સીટ આપવાનું વચન આપીને 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ડેશે કહ્યું- “તેમના મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે અને તેમના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે,”.
આરોપીઓ પાસેથી ત્રણ પાન કાર્ડ અને 11 એટીએમ કાર્ડ મળી આવ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પાસેથી પણ મદદ માંગવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેના ઉપર કાર્યવાહી થઇ તે પહેલા તેમણે તેમની પત્નીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી, જેમાંથી 4 ઓડિશામાં, 3 દિલ્હીમાં, 3 આસામમાં, 2-2 મધ્ય પ્રદેશ અને પંજાબમાં અને 1-1 છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં રહે છે.
રમેશ ચંદ્ર સ્વેન જેમણે ડો. બિભુ પ્રકાશ સ્વૈન અને ડો. રામાણી રંજન સ્વૈન જેવા અલગ-અલગ નામો રાખીને છેતરપિંડી આચરી છે, તે ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાના દરિયાકાંઠાના એક ગામડાના રહેવાસી છે. સ્વેન મહિલાઓને રાજી કરવા અને કોલેજના શિક્ષિકાઓ, કઠોર પોલીસવાળાઓ અને જેલના વકીલોને પણ પોતાના ઝાંસામાં લેવામા માહિર હતા.
જોકે, તેના નસીબે તેને 38 વર્ષ પછી દગો આપી દીધો, જ્યારે સોમવારે વેલેન્ટાઇન ડેના દિવસે તેની હાલની પત્નીના આરોપના આધારે પોલીસ દ્વારા તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી, જેની સાથે તેણે 2020માં લગ્ન કર્યા હતા. સ્વેને પ્રથમ વખત 1982માં લગ્ન કર્યા હતા અને છેલ્લે 2020માં લગ્ન કર્યા હતા. તેમના છેલ્લા લગ્ન એક શિક્ષિકા સાથે દિલ્હીના આર્ય સમાજ મંદિરમાં થયા હતા.