Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું પાલનપુરની પોલીસ ‘અંસવેદનશીલ’ અને ‘બેજવાબદાર’ છે?

શું પાલનપુરની પોલીસ ‘અંસવેદનશીલ’ અને ‘બેજવાબદાર’ છે?

0
1263

મુજાહિદ તુંવર: એક સામાન્ય વ્યક્તિ જ્યારે ઘરેથી સવારે પોતાના કુટુંબના ભરણપોષણ માટે પોતાના કામ ધંધા ઉપર નિકળે છે, ત્યારે તે તેના સાથે દુનિયાભરની ચિંતાઓને પણ લઇને જતો હોય છે. ઘરથી બહાર જનાર પિતાને બાળકોના ભણતરની સાથે ભવિષ્યની ચિંતા સહિત સામાજિક જવાબદારીઓ અને તે નિભાવવા માટે પડી રહેલી આર્થિક મુશ્કેલીઓને હલ કરીને આગળ વધવાની ચિંતા સતત તેમના સાથે સફર કરતી હોય છે.

નાના એવા પગારમાં એક સામાન્ય વ્યક્તિએ પોતાનું ઘર-પરિવાર ચલાવવાનું હોય છે. આમ એક વ્યક્તિએ પ્રતિદિવસ અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે, તેવામાં તેના સામે દેશમાં રહેલી કેટલીક અન્ય સામાન્ય મુશ્કેલીઓને પણ હલ કરીને આગળ વધવાનું હોય છે, પરંતુ લાચાર સામાન્ય વ્યક્તિ ઘણી વખત અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરી શકતો નથી. તેથી તેનું કામ કરવાનું ટાઇમ-ટેબલ વિખેરાઇ જાય છે અને પરિવાર માટે બનાવેલ ભવિષ્યના પ્લાન એક મૃગજળ સમાન બનીને રહી જાય છે.

આજે અમે તમને જણાવીશું આવા જ એક પિતા અને સામાન્ય વ્યક્તિ વિશે જે પોતાના પરિવારના ગુજરાન માટે રાત-દિવસ એક કરી નાંખે છે, પરંતુ તેમના જીવનમાં ઘટેલી એક દૂર્ઘટના તેમના જીવનને હચમચાવીને મૂકી દે છે.

વાત છે, મહેસાણા જિલ્લામાં આવેલા ડભાડ ગામમાં રહેલા મનસુરી બરકત ભાઇની. મનસુરી બરકત ભાઇ વર્ષોથી ડભાડ ગામમાં રહીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે, તેમના માથે બે બાળકોની જવાબદારી છે. ડભાડ ગામમાં આવેલ મસ્જિદ સામે એક પતરાનું જૂની ઢબનું નાનું એવું ઘર છે, જેમાં તેઓ પોતાના પરિવાર સાથે હાલમાં રહી રહ્યાં છે. બરકત ભાઇની પત્નીએ વર્ષો પહેલા બંને બાળકોની જવાબદારી તેમને સોપીને દુનિયામાંથી વિદાય લઇ લીધી હતી. જોકે, બરકત ભાઇએ હિંમત રાખીને પોતાની સામાજિક જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવીને બે બાળકોને મોટા કર્યા.

જવાબદારીઓનું વહન કરવા માટે બરકત ભાઇ હાલમાં બે વ્યવસાય કરે છે, જે બંને ધંધા પબ્લિક મદદ દ્વારા તેમને મળ્યા છે. બરકત ભાઇ સવારે પાંચ વાગે ઉઠીને નમાઝ પઢ્યા બાદ ડભાડથી દસ કિલોમીટર દૂર આવેલ ખેરાલુ પેપર (સમાચાર પત્ર) લેવા માટે જાય છે, જે સવારે તેઓ ગામમાં વહેંચે છે. આ તેમનો એક ધંધો થયો.

બીજા ધંધાના રૂપમાં તેમની પાસે એક રિક્ષા છે, જે પણ થોડા મહિના પહેલા જ પબ્લિક મદદથી લેવામાં આવી છે. આમ તેઓ આ બંને ધંધા દ્વારા પોતાના પરિવારની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યાં હતા.

જોકે, જીવન છે, તેમાં તડકો અને છાયડો બંને આવતા હોય છે. આમ તડકા રૂપી એક કડવી ઘટનાએ તેમને જંઝોળીને મૂકી દીધા. છેલ્લા નોરતાના દિવસે બરકત ભાઇ પોતાના સગા-સંબંધીને ત્યાં પોતાના નાના દિકરા અને તેના મિત્ર રાહુલ પાઠક (નામ બદલેલ છે.) સાથે ગયા હતા. પાલનપુરમાં નવરાત્રી ખુબ જ સારી થાય છે, તેથી તેમનો નાનો પુત્ર અને તેનો મિત્ર પાઠક બંને પપ્પાની રજા લઇને ગરબાની મજા લેવા માટે ગયા, તેથી બંને અણસમજુ બાળકોને અડધી રાત પાલનપુરમાં જ પાડી નાંખી.

બાર-એક વાગ્યાની આસપાસ બરકત ભાઇ પોતાના ઘર તરફ વળ્યા કારણ કે સવારે તેમને પેપર લેવા માટે પણ જવાનું હોય છે. આમ જવાબદારીના કારણે તેમને રિક્ષા સ્ટાર્ટ કરીને નિકળવું જ પડ્યું. પાલનપુરથી બહાર નિકળતા તેમને દેશના રક્ષકની એક ગાડી મળી (પોલીસની ગાડી) જેને તેમની રિક્ષા સામે ડિપર આપી અને ક્રોસ થઇ ગઇ.

બરકત ભાઇ પોતાની મસ્તીમાં આગળ વધી રહ્યાં હતા, ત્યાં જ રક્ષકની ગાડી રિક્ષાની આગળ આવીને ઉભી રહી ગઇ અને તે ગાડીમાંથી રક્ષકે ઉતરતાની સાથે જ બરકત ભાઈને એક થપ્પડ મારી દીધી. પહેલી થપ્પડ પડી ત્યાર સુધી તો તેઓ કંઇ જ સમજ્યા નહીં કે તેમને કેમ મારવામાં આવી રહ્યાં હતા. તેમની સાથે રહેલ પુત્ર પણ સમજી શકી રહ્યો નહતો કે, પોલીસ અચાનક આવીને કેમ માર મારવા લાગી છે.

પોલીસની એક થપ્પડ તો બરકત ભાઇ સહન કરી ગયા પરંતુ જ્યારે પોલીસવાળાએ થપ્પડોનો વરસાદ કરી નાંખ્યો ત્યારે એક 55 વર્ષનના વ્યક્તિની સહનશક્તિ ખત્મ થઇ ગઇ અને એકદમ મૂર્છિત જેવી સ્થિતિમાં જમીન દોસ્ત થઇ ગયો. પોલીસવાળાઓ કહી રહ્યાં હતા કે, ડિપર આપી તો કેમ ઉભો ના રહ્યો અને તેના સાથે અસંખ્ય ગાળો પણ ભાંડી હતી.

નીચે પડેલા બરકત ભાઇને દેશના રક્ષકોએ પોતાની ગાડીમાં નાખ્યો અને તેમની રિક્ષા પણ લઇ લીધી અને તેમની સાથે પોલીસ સ્ટેશન કરી નાંખી. પોલીસ તે ભૂલી ગઇ કે તેમની સાથે તેમનો પુત્ર અને એક અન્ય બાળક રિક્ષામાં ઘરે જઇ રહ્યાં હતા. તે દરમિયાન તેમની સાથે વધુ એક વ્યક્તિ રિક્ષામાં બેસેલો હતો, જે સરકારી ખાતામાં જ કામ કરી રહ્યો છે, જે પણ પોતાની નોકરી ખત્મ કરીને બરકત ભાઇના સાથે ડભાડ જઇ રહ્યો હતો.

આમ બરકત ભાઇના પુત્ર અને તેના મિત્ર રાહુલ સાથે રહેલ એક સરકારી કર્મચારી પણ વિચારી રહ્યો હતો કે, આ પોલીસને સરકારે મદદ કરવા માટે બેસાડેલી છે કે સામાન્ય વ્યક્તિઓ સાથે મારપીટ કરીને તેમના જીવનમાં ડરનો માહોલ ઉભો કરવા માટે રાખેલ છે. જોકે, સારી વાત તે છે કે, તે વખતે બંને બાળકો સાથે એક જવાબદાર વ્યક્તિ રહેલ હતો, કેમ કે પોલીસ પોતાની બધી જ જવાબદારીઓથી ભૂલી ગઇ છે. જો પોલીસે જવાબદારીપૂર્ણ કામ કર્યું હોત તો બે બાળકોને રસ્તામાં છોડીને જતી રહી ના હોત. તે રાત બરકત ભાઇ અને તેમના સાથે રહેલા બંને બાળકો માટે સૌથી કાળી રાત બનીને રહી જશે.

આમ આ વાર્તા કહેવા પાછળનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે, પોલીસ પ્રતિદિવસ અંસવેદનશીલ બનતી જઇ રહી છે, જેના ઉપર ગુજરાત સરકારે ધ્યાન આપવું જોઇએ. આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે કહ્યું હતુ કે, પોલીસ વિભાગ સૌથી ભષ્ટ્ર છે તેના માટે તેમની ટીકા થઇ હતી પરંતુ તે વાતને લઇને તેમની ટીકા કરવાની જરૂરત નહતી, કારણ કે સમયે-સમયે પોલીસ અધિકારીઓ લાંચ-રૂશ્વત લેતા રંગે હાથે ઝડપાયા છે.

આમ પોલીસ પર ભષ્ટ્રાચારનો આરોપ તો વર્ષોથી લાગતો રહ્યો છે. જોકે, તે ઉપરાંત પોલીસ “અંસવેદનશીલતા”નો વધુ એક કલંક પોતાના માથે લગાવવા જઇ રહી છે. આમ પ્રતિદિવસ પોલીસ પોતાની જવાબદારીઓમાંથી છટકી રહી છે, તેને માત્ર લોકો પાસેથી દંડ વસૂલવામાં જ રસ છે. લોકોની રક્ષા કરવા માટે તેમની નિમણૂંક કરવામાં આવી છે, તે વાત પોલીસથી વિસરાઇ ગઇ છે. માનવતા, સંવેદના, સામાન્ય વ્યક્તિની લાચારી વગેરે જેવી બાબત પોલીસ મેન સમજવા માટે તૈયાર જ નથી. આમ હાલમાં તો અમે ગુજરાતભરની પોલીસ પર આંગળી ઉઠાવી શકીએ નહીં પરંતુ પાલનપુરની પોલીસને ચોક્કસ રીતે “અસંવેદનશીલ અને બેજવાબદાર” પોલીસ કહી શકીએ.

તમને એક વાત જણાવી દઇએ કે, બરકત ભાઇ પોલીસ દ્વારા ડિપર મારીને ઉભા રાખવાનો ઈશારો તે માટે સમજી શક્યા નહતા, કેમ કે તેઓ રાત્રે ક્યારેય પાલનપુર કે અન્ય શહેરમાં રિક્ષા લઇને ગયા નહતા.

ગુજરાતમાં માત્ર 3.6 ટકા બાળકોને જ મળે છે પોષણયુક્ત આહાર, દેશભરનો આંકડો 7 ટકા