અરવલ્લીના માલપુરમાં સરકારી અધિકારીઓને દારૂ પીતા રંગે હાથે ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર પોલીસને મળેલી બાતમીના આધારે અરવલ્લીના માલપુર અને બાયડના નાયબ મામલતદારોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા છે.
માલપુરના અણીયોર ગામેથી DySPની ટીમે 31 ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા જૈમિન પટેલ અને નિલેશ પટેલની ધરપકડ કરી લીધી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, અણિયોર ચોકડીથી આગળ આવેલ પેટ્રોલ પંપની પાછળ આવેલી એક ઓરડીમાં બે-ત્રણ લોકો 31 ડિસેમ્બરની પાર્ટી કરી રહ્યાં છે. આ દરમિયાન પોલીસે અચાનક રેડ પાડતા ઉપરોક્ત બંને મામલતદારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન ઝડપાયેલા બંને મામલતદારો નશામાં ચકચોર હોવાનું સામે આવી રહ્યું છે.