Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ચિંતાથી ચતુરાઈ ઘટે, માટે ‘મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા’ના સિદ્ધાંતને આત્મસાત કરો અને સુખી રહો

#Column: ચિંતાથી ચતુરાઈ ઘટે, માટે ‘મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા’ના સિદ્ધાંતને આત્મસાત કરો અને સુખી રહો

0
225

ડૉ. જય નારાયણ વ્યાસ: માણસ આ દુનિયા પર જન્મ લે છે. શરૂઆતના વરસોમાં એને કોઈ ચિંતા વળગતી નથી.

એને ભૂખ લાગે રડે છે.

અને થોડું ખિલખિલાટ હસાવો તો હસી પણ પડે છે.

જેમ જેમ એની ઉંમર વધે છે તેમ તેમ એનો આ દુનિયા સાથેનો સંપર્ક અને સમજ વધતી જાય છે.

નિશાળમાં ભણે ત્યારે એને પરીક્ષાની ચિંતા સતાવે છે.

ઘરમાં નાનાં મોટાં ભાઈબહેન હોય ત્યારે એમની સાથે અથવા પડોશીના બાળકો સાથે સરખામણી થવા માંડે એટલે કચવાતે મને ક્યારેક મનમાં ઈર્ષાનો ભાવ આવી જાય.

આ માનવસહજ વૃત્તિ છે. ધીરે ધીરે અભ્યાસમાં, નોકરીમાં, ધંધામાં, સામાજિક પ્રવૃત્તિમાં, અરે! કુટુંબ કે પોતાના ઘર સુદ્ધાંમાં માણસને ક્યાંક ને ક્યાંક પોતાનો હરીફ દેખાવા માંડે છે. એક છુપો ભય અથવા ઈર્ષા એના મનમાં ઉછળવા માંડે છે. આ અજ્ઞાત ભય અને ઈર્ષામાંથી તણાવ ઊભો થાય છે.

એક અસલામતીની ભાવના ઉભી થાય છે. પોતાની તક અથવા પોતાની પાસેનું કંઈક કોઈક ઝૂંટવી જશે એવા સાચા-જુઠા ભયમાં એ પોતાનું જીવન વિતાવે છે. જે થવા કાળ જ હોય છે તે તો થાય જ છે પણ મોત કરતાં મોતનો ભય માણસને વધુ હેરાન કરી જાય છે. એના મનની શાંતિ અને સુખ જાણે કે છીનવાઈ જાય છે.

સુખે જીવવું હોય તો આ ભયનો પડછાયો અથવા અસલામતીની ભાવના મનમાંથી કાઢી નાખો.

આપણે જોઈતું હોય તે પામવા માટે પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ પણ કોઈ એને છીનવી જશે એવા કાલ્પનિક ભયના ઓથાર હેઠળ જીવવાનો કોઈ અર્થ નથી.

પરિસ્થિતિ ત્રણ પ્રકારની હોય છે –
પહેલી, જે આપણા કાબૂમાં જ નથી.
બીજી, જે આપણે સમજીને પ્રયત્ન કરવાથી સુલટાવી શકીએ છીએ.
ત્રીજી, દોડવું હોય ને ઢાળ આવે એમ સંપૂર્ણ સાનૂકૂળ પરિસ્થિતિ સામે આવે છે.

જેને આપણે કોઈ કાળે બદલી શકીએ તેમ નથી તેને સુધારવા પ્રયત્ન કરવો વ્યર્થ છે.

જેને પ્રયત્ન કરવાથી સુધારી શકાય છે એવી પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવવા માટે સતત લાગ્યા રહેવું જોઇએ.

ક્યારેક ઝૂડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી દે છે.

અને સાનુકુળ પરિસ્થિતી મળે તો એનો મહત્તમ ફાયદો ઉઠાવવો જોઇએ.

આ ત્રણેયમાં કેન્દ્રસ્થાને તમે છો, તમારે જ તમારા ભાગ્ય વિધાતા બનવાનું છે.

પણ સાથે સાથે કુદરત અથવા ઇશ્વર, જેને તમે માનતા હો તે એક એવી અદૃશ્ય શક્તિ છે કે જે ન ધાર્યાં પરિણામ તમને આપી શકે છે.

એટલે જ કહ્યું છે –
કોઈનું મીંઢળ કોઈના હાથે
કોઈનું ભાવિ કોઈના સાથે
કોઈના રથનો કોઈ સારથિ
કોઈને હાથ લગામ
આ તો રમત રમાડે રામ…

‘આનંદ’ ચલચિત્ર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન બંને માટે યશ અપાવનારું બની રહ્યું. આ બંને કલાકારો પોતાની ભૂમિકામાં એવા ખીલ્યા કે બંનેનાં પાત્રો અમર થઈ ગયાં.

આ ચલચિત્રનો એક સંવાદ યાદ રાખવા જેવો છે –

જિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથ મેં હૈ જહાંપનાહ! ઉસે ન તો આપ બદલ સકતે હૈ, ન હી મેં’

આમ આપણું કામ છે કર્તવ્ય કરવાનું. કરણી જ એવી કરો કે અંતિમ પરિણામ તમને અમર કરી દે.

તમારું કામ પ્રામાણિકતાપૂર્વક પ્રયત્ન કરવાનું છે. તમારા પ્રયત્નોનું ફળ ઉપરવાળાના હાથમાં છે.

એનામાં વિશ્વાસ હોય તો નિર્ભીક મને તણાવ વગર, ગભરાટ કે બીક વગર જે કાંઈ સારામાં સારું થઈ શકે તે તમે કરો. ચિંતા કરવાથી તો નુકસાન થાય છે.

આ પણ વાંચો: #Column: બી યોર ઓન સેલ્ફ, તમે પણ ઈશ્વરનું એક અનોખુ સર્જન છો

કહ્યું છે –
ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,
ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન!!

ચિંતાથી ચતુરાઈ ઘટે, માટે ‘મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા’ના સિદ્ધાંતને આત્મસાત કરો અને સુખી રહો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat