દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘ખેલો ઈન્ડિયા દસ કા દમ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અનુરાગ ઠાકુરે કહ્યું કે આપણને આપણા ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષા છે.
Advertisement
Advertisement
ભારતને એશિયન ગેમ્સમાં અત્યાર સુધીના સૌથી વધુ મેડલ જીતવાની આશા
‘ખેલો ઈન્ડિયા દસ કા દમ’ના ઉદઘાટન સમારોહને સંબોધતા ઠાકુરે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે જ્યારે આપનો ઉત્કૃષ્ટ દેખાવ રમતગમતમાં જોવા મળશે ત્યારે મેડલ આપના કદમ ચૂમવા તૈયાર રહેશે. પીએમ મોદીએ ‘ ખેલો ઈન્ડિયા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો અને આપણે રમતોના માધ્યમથી દેશને દુનિયાભરમાં કેવી રીતે આગળ લઈ જવાનું કાર્ય કરી શકીએ તેવો એક વિચાર દેશ સમક્ષ મૂક્યો. હું કહી શકું કે આ વખતે ભારતને એશિયન ગેમ્સમાં આજ સુધીના સૌથી વધુ મેડલ જીતવાની આશા છે. અમને આપણા ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષા છે અને તેમણે પણ ઘણી મહેનત કરી છે. આજે દસ કા દમમાં રમતગમતના માધ્યમથી મહિલા સશક્તિકરણની શરૂઆત થઈ હતી.
10 અલગ અલગ રમતોમાં 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઉમેર્યું કે 10 રાજ્યોના 10 અલગ અલગ રમતોમાં 10,000થી વધુ ખેલાડીઓ આ રમતોમાં ભાગ લેશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના પહેલા સેશનમાં 1800 દીકરીઓએ ભાગ લીધો હતો તો આ વખતે 2700થી વધુ દીકરીઓએભાગ લીધો છે. તે દર્શાવે છે કે છેલ્લાં 3-4 વર્ષમાં જ દીકરીઓની ભાગીદારીમાં 50થી 60 ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ છે કે દીકરીઓ આગળ ન હોય તેવું કોઈ ક્ષેત્ર નથી. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે વધુ દીકરીઓ રમતોમાં ભાગ લેશે ત્યારે વધારે મેડલ આવશે.
Advertisement