અમદાવાદ: ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસને એક વખત ફરીથી અકસ્માત નડ્યો છે. શુક્રવારે થયેલા અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. જોકે, કોઇ અન્ય જાનહાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી. દૂર્ઘટનાને લઈને રેલવે તરફથી જાનવરોના માલિકો સામે કેસ નોંધાવવામાં આવ્યા છે. રેલવે અનુસાર ઘટના બપોરે લગભગ 3:44 વાગે આણંદ નજીક ઘટી હતી. અહીં અચાનક ટ્રેન આગળ ગાય આવીને ટકરાઇ ગઇ હતી. ટ્રેન ગાંધીનગરથી મુંબઇ જઇ રહી હતી. અકસ્માત પછી ટ્રેનોને લગભગ 10 મીનિટ સુધી રોકવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનને કોઈ ખાસ નુકશાન થયું નથી. માત્ર ફ્રન્ટ કોચ અટલે ડ્રાઇવર કોચના આગળના ભાગમાં નજીવો ડેન્ટ આવ્યો છે. ટ્રેન તેના સમય અનુસાર ચાલી રહી છે.
Advertisement
Advertisement
વટવા રેલવે સ્ટેશન પર તૈનાત આરપીએફ નિરીક્ષક પ્રદીપ શર્માએ જાણકારી આપતા જણાવ્યું કે રેલવે અધિનિયમ, 1989ની ધારા 147 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જે રેલવેના કોઇપણ હિસ્સામાં અનધિકૃત પ્રવેશ અને તેની સંપત્તિના દુરપોયગથી સંબંધિત છે. આ અકસ્માત પર રેલ મંત્રીની સ્પષ્ટતા પણ આવી છે. ગુજરાતના આણંદમાં બોલતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પાટા પર પશુઓ સાથે અથડામણ અનિવાર્ય છે અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની રચના કરતી વખતે આને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે પણ હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત અકસ્માતનો શિકાર બની હતી. મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેન વટવા અને મણિનગર સ્ટેશન પાસે પશુઓના ટોળા સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. દુર્ઘટના બાદ લગભગ 20 મિનિટ સુધી ટ્રેનને રોકવી પડી હતી. આ અકસ્માતમાં ચાર ભેંસોના મોત થયા હતા.
ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન
તમને જણાવી દઈએ કે આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી અને નવી દિલ્હી અને માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે દોડતી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ થઈને અમદાવાદ જાય છે અને પછી આ રૂટ દ્વારા ગાંધીનગર પરત આવે છે. આ ટ્રેનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં GPS આધારિત માહિતી પ્રણાલી, CCTV કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.
Advertisement