Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દાંડી કૂચના મિજાજની અનુભૂતિ કરાવતા ગાંધી ચિત્રોના પ્રદર્શનનો સયાજીબાગ મ્યુઝિયમ ખાતે કરાવ્યો પ્રારંભ

દાંડી કૂચના મિજાજની અનુભૂતિ કરાવતા ગાંધી ચિત્રોના પ્રદર્શનનો સયાજીબાગ મ્યુઝિયમ ખાતે કરાવ્યો પ્રારંભ

0
90
  • બાપુના અંતેવાસી અને યરવડામાં તેમની સાથે જેલવાસ ભોગવનારા છગનલાલ જાદવના આ રેખાચિત્રો દર્શનીય છે

  • આ ચિત્રો સ્વતંત્રતા આંદોલન સમયના મિજાજને અને આઝાદી માટેના ધબકારને મૂર્તિમંત કરે છે: ગૃહ રાજ્ય મંત્રી

ગાંધીનગર: રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સયાજીબાગમાં આવેલા વડોદરા સંગ્રહાલય ખાતે ગોરા હાકેમોની હકુમતના પાયા હચમચાવનાર દાંડી કૂચના ચપટી નમકના પ્રતીક રૂપ મીઠાના ગાંગડા અને બાપુના પ્રિય રેંટિયા સમક્ષ દીપ પ્રગટાવીને બાપુના અંતેવાસી સદગત છગનલાલ જાદવે દોરેલા બાપુ,દાંડીકૂચ અને સ્વતંત્રતા આંદોલન વિષયક રેખા ચિત્રોના જાહેર પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.

તેમણે અમદાવાદની ગુજરીમાંથી સ્વતંત્રતાના અમુલ્ય દસ્તાવેજ જેવી છગનદાદાની ચિત્ર પોથી શોધીને ઇતિહાસનો વૈભવ વારસો વધારનારા ઇતિહાસવિદ રિઝવાન કાદરી અને તેને સર્વ સુલભ બનાવવા માટે તેની છપાઈમાં સહયોગ આપનારી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાને હાર્દિક અભિનંદન આપ્યા હતા.સંસ્થાના સંતો દ્વારા શાંતિ મંત્રોના પઠન વચ્ચે ગૃહ રાજ્ય મંત્રીએ દીપ પ્રગટાવ્યો હતો.

પ્રધાનમંત્રી આ અમુલ્ય ચિત્રપોથી જોઈને ખૂબ પ્રસન્ન થયાં તેનો ઉલ્લેખ કરતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે,તેના ચિત્રો દાંડી કૂચ વખતે પૂજ્ય બાપુના ભાવ જગતને,સ્વતંત્રતા આંદોલન સમયે દેશના મિજાજને અને આંદોલનના ધબકારને મૂર્તિમંત કરે છે. આ ચિત્રપોથી દાંડી કૂચનો અર્વાચીન અને જીવંત દસ્તાવેજ છે.

પ્રધાનમંત્રીએ વર્તમાનમાં આઝાદી વખતની સ્થિતિનું મૂલ્યાંકન કાયમી કરવાની કરેલી હિમાયતને યાદ કરતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે,ભાવિ પેઢીને સ્વતંત્રતા કેટલા વિકટ સંઘર્ષો પછી મળી છે તેની અનુભૂતિ કરાવવા આ પ્રકારનું દસ્તાવેજીકરણ અનિવાર્ય છે.

રિઝવાન કાદરીએ પ્રત્યેક રેખાચિત્ર પાછળની કલ્પનાની વિગતવાર જાણકારી મંત્રીને આપવાની સાથે આશ્રમની રાત્રી શાળામાં જાદવજી ને શિક્ષણ આપવાની બાપુએ કરેલી વ્યવસ્થા,રવિશંકર રાવળ પાસે તેમને મળેલી ચિત્રકલાની તાલીમ, તેમણે બાપુ સાથે યરવડામાં ભોગવેલો જેલ વાસ, બાપુ ઉપરાંત સરદાર સાહેબ,જવાહરલાલ, મૃદુલા સારાભાઈ, જુગતરામ દવેના ચિત્રો ઈત્યાદી પર પ્રકાશ પાડ્યો હતો.

પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ,જિલ્લા કલેકટર આર.બી.બારડ,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે ગૃહ મંત્રીની સાથે પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાના મહંત ભગવતપ્રિય દાસજી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat