Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમૂલના ભાવ વધારાનો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા વિરોધ

અમૂલના ભાવ વધારાનો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા વિરોધ

0
193
  • અમૂલ દૂધની વિવિધ પ્રોડ્કટના ભાવમાં બે રૂપિયાનો વધારો ઝીંકાયો

  • અમૂલ દૂધની જુદી જુદી 18 પ્રોડક્ટના ભાવો અમૂલ ડેરી તરફથી જાહેર કરાયા

  • હાઇકોર્ટના જજનું રેઇટીંગ કમિશન નક્કી કરવા મુકેશ પરીખની માંગ

ગાંધીનગર: પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેના કારણે મોંઘવારી સતત વધી રહી છે. પરિણામે દેશવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ત્યાં વળી અમૂલ ફેડ ડેરી દ્વારા આજે વિવિધ દૂધની 18 પ્રોડક્ટના ભાવમાં બે રૂપિયાનો આજે વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથેના નવા ભાવો ડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાનો વિરોધ કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ ( અખિલ ભારતીય )ના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે કે, ભારતીય ગ્રાહકની ખરીદ શક્તિ અને કમ્મર તૂટી ગઇ છે. ગ્રાહકોમાં મોંઘવારી અને ભાવવધારા સામે અસંતોષ અને આક્રોશ ભભૂકી રહ્યો છે. વર્તમાન કોરોના કાળ અને લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર અને વેપાર જયારે ઠપ્પ થઇ ગયા હોય ત્યારે એક પછી એક ચીજવસ્તુઓમાં ભાવવધારો પ્રજાને દાઝયા પર ડામ સમાન બની રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે દૂધ ઉત્પાદકોના સહકારી સંઘો સિન્ડિકેટ ( કાર્ટેલ ) કરીને અવારનવાર ભાવ વધારે છે. નામાંકિત અમુલ બ્રાન્ડના દૂધમાં પ્રતિ લીટરે રૂપિયા 2નો ભાવવધારો આઘાત નજક અને અસહ્ય છે. અમૂલ ગોલ્ડ,તાજા અને શક્તિના 500 ગ્રામના દૂધના પાઉચ પર એક રૂપિયાનો વધારો ઝીંકયો છે. આ ભાવવધારો ભૂખ્યાં બાળકોના મુખમાંથી દૂધનું ટીંપુ છીનવી લેશે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને તાકીદ કરી છે કે એકબાજુ પેટ્રોલ અને ડીઝલનો સતત ભાવ વધારો, બેફામ એકસાઇસ ડયૂટી અને વેટ સરકારી લૂંટ સમાન છે. ત્યાં દૂધનો ભાવ વધારાને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આકરી આલોચના કરીએ છીએ. સરકારે દૂધને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકીને ભાવવધારા પર નિયંત્રણ મૂકવું જોઇએ. મનમાની અને આપખુદશાહીથી દૂધનો ભાવવધારો ગરીબ અને મધ્યમવર્ગના કરોડો અસંગઠિત ગ્રાહકો સહન કરી શકે તેમ નથી.

પરીખે વધુમાં જણાવ્યું છે કે, સરકારે દૂધ ઉત્પાદક સંઘોની નફાખોરી અટકાવવા માટે સક્ષમ અને નિષ્ણાંત અર્થશાસ્ત્રી, પશુપાલકોના પ્રતિનિધિ તેમજ ગ્રાહકોના પ્રતિનિધિનો સમાવેશ કરી હાઇકોર્ટના જજનું રેઇટીંગ કમિશન ( ભાવ નિર્ધારણ પંચ ) નક્કી કરવું જોઇએ. વાંધા સૂચનો અને રજૂઆતો સાંભળ્યા બાદ દૂધ અને તમામ પ્રોડક્ટના ભાવ નક્કી કરવાની કાનૂની વ્યવસ્થા ગોઠવવી જોઇએ. મનસ્વી અને મનફાવે તેમ રાતોરાત ભાવ વધારવા સામે ગ્રાહક સુરક્ષાનો ઉગ્ર વિરોધ મુકેશ પરીખે વ્યક્ત કર્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat