Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદઃ AMTS બસો વેન્ટીલેટર પર; વર્ષે રુ.350 કરોડનું સરકારી ઓક્સિજન

અમદાવાદઃ AMTS બસો વેન્ટીલેટર પર; વર્ષે રુ.350 કરોડનું સરકારી ઓક્સિજન

0
479

* આવક કરતાં ખર્ચ વધુ હોવાથી હાફી જતું AMTS તંત્ર
*રોજના 117.83 લાખના ખર્ચની સામે માત્ર 33.67 લાખની આવક
*દરરોજ 80 લાખ રૂપિયાની ખોટ, બે રુટ રદ કરવા પડ્યા
*લોકડાઉન બાદના સંચાલનમાં AMTS ને 45 કરોડનું નુકસાન

મનોજ કે. કારીઆ, અમદાવાદઃ શહેરમાં એકથી બીજે  સ્થળે પ્રવાસ કરાવતી AMTS બસોનું સંચાલન કરતાં તંત્રની હાલત કફોડી બનતી જાય છે. તેમાંય વળી લોકડાઉન બાદ રોડ પર ફરીવાર દોડતી થયેલી અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ ( AMTS )ની બસો પ્રતિદિન 80 લાખથી વધુ ખોટ કરી રહી છે. બીજી તરફ પેસેન્જરો પણ નહીં મળતાં હોવાથી બે રૂટ રદ કરવામાં આવ્યા છે. તો કેટલાંક રૂટો ઓછા કરવામાં આવ્યા છે. રોજના સવા કરોડના ખર્ચની સામે આવકનું પ્રમાણ બહુ જ ઓછું છે. કોર્પોરેશન AMTS સેવાને જીવિત રાખવા દર વર્ષે 350 કરોડ રૂપિયાનું ઓકિસજન પુરું પાડે છે.

સામાન્ય દિવસોમાં 706 બસોના સંચાલનમાં રોજની ખોટ રુ.86 કરોડ 

હાલ ઓછી બસો દોડતી હોવા છતાં દરરોજ 80 લાખની ખોટ થઇ રહી છે. સામાન્ય રીતે 706 બસોના સંચાલનમાં 86 કરોડ રૂપિયાની ખોટ થતી હતી. એટલે કે સામાન્ય દિવસો કરતાં એએમટીએસની ખોટનું પ્રમાણ ઘટ્યું છે. તેનું કારણ ઓછી ફ્રિકવન્સી છે. પરંતુ તેને ખર્ચની દૃષ્ટિએ જેવામાં આવે તો નુકસાનનું પ્રમાણ વધી જાય છે.

લોકડાઉન બાદ શરૂ કરાયેલી આ સેવા પાછળ 45 કરોડથી વધુ રકમનું નુકસાન થયું છે. કોર્પોરેશન દ્વારા એએમટીએસને વર્ષે દહાડે લોન પેટે 350 કરોડ રૂપિયાની રકમ ચૂકવીને ઓક્સીજન પુરું પાડવામાં આવે છે. તેમાંય વળી લોકડાઉનના કારણે બસો બંધ રહી હોવાથી હાલ એએમટીએસની સ્થિતિ વેન્ટીલેટર પર મૂકાયાં જેવી છે. જેથી એએમટીએસનું સંચાલન કરતાં તંત્ર તરફથી સરકાર પાસે આર્થિક રાહત પેકેજ આપવા માંગણી કરાઇ છે.

સામાન્ય દિવસોમાં 706 બસ, 149 રુટ અને 7673 ટ્રીપ

સામાન્ય દિવસોમાં અમદાવાદ શહેરમાં 706 બસો 149 રૂટો પર 7673 ટ્રીપ મારે છે. તે સમયમાં પ્રતિદિન સરેરાશ 33.67 લાખની આવક થાય છે. તેની સામે  બસનું ડિઝલ, ગેસ કે પછી રિપેરીંગ ખર્ચ ઉપરાંત કર્મચારીનો પગાર તેમ જ નિવત્ત કર્મચારીનુ પેન્શન વગેરે ખર્ચ ગણવામાં આવે તો દરરોજનો 117.83 લાખનો ખર્ચ થાય છે. મતલબ કે દરરોજ 84.16 લાખની ખોટ જાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે લોકડાઉન રાખવામાં આવ્યું હતું. જૂનથી અનલોક કરવામાં આવતાં એએમટીએસની બસો ફરીવાર રોડ પર દોડતી થઇ હતી.

આ પણ વાંચોઃ 4 મહિનાથી લોકડાઉનમાં ભરાયેલા ગુજરાતીઓ આબુ તરફ, હોટલો ફૂલ

કોરોના કાળમાં  355 બસ,72 રુટ પર 4276 ટ્રીપ થાય છે

કોરોના કાળમાં પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં લઇને 355 બસો 72 રૂટો પર 4276 ટ્રીપો મારે છે. ઉપરથી કોરોનાના કારણે  હાલ બસમાં માત્ર 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવે છે. જેના કારણે એએમટીએસને પ્રતિદિન માત્ર 4 લાખની આવક થાય છે. તેની સામે ઉપર મુજબનો ખર્ચ ગણવામાં આવે તો દરરોજનો સરેરાશ 84.25 લાખનો ખર્ચો છે. આમ સરવાળે 80 લાખથી વધુ રોજ ખોટ થાય છે. અનલોક બાદ શરૂ કરાયેલી એ.એમ.ટી.એસની 57 દિવસની આવક સામે ખર્ચો બાદ કરીએ તો 57 દિવસમાં 45 કરોડ 60 લાખનું નુકસાન થયું છે. સામાન્ય દિવસોમાં આટલાં જ દિવસોનું ગણીએ તો 47 કરોડ 57 લાખ થવા જાય છે. એટલે કે સામાન્ય દિવસો કરતાં અનલોકના સમયગાળામાં નુકસાન ઘટયું છે.

આ પણ વાંચોઃ રાજસ્થાન બોર્ડર ફરી એકવાર સીલ, ગુજરાત આવતા મુસાફરો અટવાયા

આવકની દ્દષ્ટિએ 16.91 કરોડનું નુકસાન થયું

ખર્ચની સામે આવકની સરખામણી કરવા જઇએ તો સામાન્ય દિવસોમાં નુકસાન ઓછું થાય છે. પરંતુ સામાન્ય દિવસોના 57 દિવસોની સરેરાશ આવક સામે અનલોકના 57 દિવસમાં થયેલી આવક ગણીએ તો 16.91 કરોડનું નુકસાન થયું છે. કેમ કે સામાન્ય દિવસોમાં પ્રતિદિન સરેરાશ 33.67 લાખની આવક થતી હતી. તેને 57 દિવસની રીતે ગણીએ તો 19.19 કરોડની આવક થાય. તે જ રીતે અનલોકના 57 દિવસોમાં પ્રતિદિન 4 લાખની આવક થઇ હતી. 4 લાખની આવક લેખે 57 દિવસની ગણવામાં આવે તો 2 કરોડ 28 લાખ થવા જાય છે. એટલે કે સામાન્ય દિવસો તથા અનલોકના દિવસોમાં થતી આવકની બાદબાકી કરવામાં આવે તો AMTSને16 કરોડ 91 લાખનું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં માસ્ક વિના બહાર નીકળવું પડશે મોંઘુ, 1 ઓગસ્ટથી દંડની રકમ વધી

10 રૂટમાં નાનીબસો દોડાવાય છે

પ્રવર્તમાન પરિસ્થિતિમાં પેસેન્જરની જરૂરિયાત મુજબ જ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવે છે. એટલું જ નહી પરંતુ ત્યાં નાની કે મોટી બસ મૂકવી તેનો નિર્ણય કરાય છે. હાલ 10 રૂટમાં 29 નાની બસો દોડાવવામાં આવે છે. જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવે છે.

બે રૂટ તથા 160 ટ્રીપો રદ કરાઇ

લોકડાઉન બાદ અનલોક થયા પછી શરૂ કરાયેલા રૂટો પૈકી બે રૂટ તથા 160 ટ્રીપો રદ કરવામાં આવી છે. તેમાંથી 89/3 વાડજથી સારથી બંગલોઝ ( ચાંદખેડા )નો રૂટ બંધ કરી દઇને પાલડીથી સારથી બંગલોઝ જતી બસમાં મર્જ કરી દેવામાં આવી છે. તે જ રીતે લાલ દરવાજાથી કાલુપુર વચ્ચેનો રૂટ પણ બંધ કરાયો છે.

સ્ટાફ કરતાં પેન્શનરનો ખર્ચો વધુ

એએમટીએસમાં વધતાં જતાં નુકસાનને ઘટાડવા માટે એએમટીએસ (AMTS)દ્રારા ખાનગી બસોને પ્રોત્સાહન આપ્યું છે. તેની સાથેસાથે ખર્ચમાં કાપ મૂકવા માટે 1997 પછી નવી ભરતી બંધ કરી દીધી છે. ખાનગી બસોના આગમનના કારણે એએમટીએસની બસો દોડતી ઓછી થતાં તે બસોના વધારાના ડ્રાયવરોને તેમ જ કર્મચારીઓને કોર્પોરેશનમાં ટ્રાન્સફર કરી દીધાં છે. પરંતુ સંસ્થાનો પ્રારંભ 1947થી થયો હતો. ત્યારથી નિમણૂંક પામેલાં કેટલાંય કર્મચારીઓ નિવત્ત થયા છે. તેમને પેન્શન ચુકવવામાં આવે છે. એક અંદાજ મુજબ કુલ પગારના 65થી 67 ટકા તો પેન્શનની રકમ પેટે ચુકવાય છે. જો કે તાજેતરમાં લોકડાઉનમાં પણ કર્મચારીઓને પુરેપુરો પગાર ચૂકવાયો હતો.

4.46 કરોડની નુકસાન છતાં દોડતી એસ.ટી. બસો

એસ.ટી. નિગમ તરફથી દરરોજ 4584 જેટલી બસો મારફતે 17744 ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે. તેના થકી 19,49,005 કિલોમીટર બસો દોડે છે. તેમાં 3,52,599 મુસાફરો દ્રારા હાલ પ્રવાસ કરવામાં આવે છે. દરેક બસ સેનેટાઇઝ કરીને મુસાફરનું થર્મલ સ્ક્રેનીંગ કરીને તે બસોમાં સોશીય્લ ડિસ્ટન્સીંગના કારણે માત્ર 29 મુસાફરોને જ બસમાં બેસાડવામાં આવે છે. જેના લીધે એસ.ટી.ને દૈનિક 1,76,68,131ની આવક થાય છે. પરિણામે એસ.ટી. નિગમને દરરોજની 4.46 કરોડનું નુકસાન થાય છે. છતાં પણ જનતાના આરોગ્યની કાળજી માટે એસ.ટી.બસોનું સંચાલન ચાલુ રાખવામાં આવ્યું છે. નિગમના આ પગલાંને એસોસીએસન ઓફ એસ.ટી. ઓફીસર્સે બિરદાવ્યું છે.