Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નિસર્ગ વાવાઝોડું: ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે હાઈલેવલ મિટિંગ યોજાઈ

નિસર્ગ વાવાઝોડું: ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે હાઈલેવલ મિટિંગ યોજાઈ

0
292

ગાંધીનગર/મુંબઈ/નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ના તાંડવ બાદ વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે જણાવ્યું કે, 3-જૂને ચક્રવાતી વાવાઝોડુ “નિસર્ગ” મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાને પાર કરશે. આ હરિહરેશ્વર શહેર મુંબઈ અને પૂણે બન્નેથી 200 કિલોમીટરના અંતરે, જ્યારે દમણથી 360 કિલોમીટર દૂર છે.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સમીક્ષા માટે એક હાઈલેવલની બેઠક કરી હતી. જે બાદ તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ ક્રમશ: વિજય રૂપાણી અને ઉદ્ધવ ઠાકરે અને દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફૂલ્લ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકો કરી હતી. અમિત શાહે તેમને કેન્દ્ર તરફથી તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.

અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વાવાઝોડાને પગલે તૈયારીઓ પર નેશનર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (NDRF)ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે. આ વાવાઝોડુ 3-જૂનના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ત્રાટકવાની આશંકા છે.

વાવાઝોડના સંકટને જોતા તકેદારીના ભાગરૂપે NDRFની 9 ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે. જેમાં 3 ટીમને મુંબઈ, 2 ટીમોને પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં 1-1 ટીમને મોકલવામાં આવી છે.

દક્ષિણ-પૂર્વ અને તેની સાથે સંકળાયેલા પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વિપ ક્ષેત્રમાં સર્જાયેલ લૉ ડિપ્રેશન સોમવારે સવાર સુધીમાં ડિપ્રેશનમાં બદલાઈ ગયું છે.આ ડિપ્રેશન સોમવારે સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં બદલાઈને આગળ જતા ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. જે બાદ 3 જૂનની સાંજે અથવા રાત્રે એક શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ જશે.

IMDના વૈજ્ઞાનિક આનંદકુમાર દાસના જણાવ્યા મુજબ, તે ગોવાના પણજીથી લગભગ 370 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, મુંબઈથી 690 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ અને ગુજરાતના સુરતથી 920 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિર છે.

IMDના જણાવ્યા અનુસાર, જ્યારે આ શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડામાં તબ્દીલ થઈ જશે, ત્યારે પવનની ગતિ 105 થી 115 કિમી પ્રતિકલાકની રહેશે અને 3 જૂન સવાર 5:30 કલાકે 125 કિમી પ્રતિકલાક સુધી પહોંચી જશે. 4-જૂન સાંજે 5:30 કલાકે આ વાવાઝોડુ નબળુ પજી જશે અને પવનની ગતિ 60થી 70 કિમી પ્રતિકલાક સુધી થઈ જશે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાની આગહીના પગલે અગાઉથી એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અહીં 3-જૂને રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને દરિયોના ખેડવાની સલાહ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં વાવાઝોડાની ઈફેક્ટ શરૂ,3 જૂને ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની સંભાવના