Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: થલતેજ-શીલજ-રાંચરડા રેલ્વે ઓવરબ્રિજનું અમિત શાહે કર્યુ ઇ-લોકાર્પણ

અમદાવાદ: થલતેજ-શીલજ-રાંચરડા રેલ્વે ઓવરબ્રિજનું અમિત શાહે કર્યુ ઇ-લોકાર્પણ

0
104
  • રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં ભારતમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો

  • ભારત સરકારની યોજનાઓનો સૌથી વધુ લાભ ગુજરાત સરકારે પ્રો-એક્ટીવ અભિગમથી લીધો

  • 55 કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ અમિત શાહે કર્યું

ગાંધીનગર: ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. 55 કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આજે ઈ-લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022 સુધીમાં દેશમાં 1 લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. થલતેજ- શીલજ -રાંચરડા રેલવે ઓવરબ્રિજનું દિલ્હીથી ઈ-લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે, આ બ્રિજના નિર્માણમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણમાં 1050 ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વ્યક્તિગતથી માંડી સામૂદાયિક એમ તમામ ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે. વધતી વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશમાં વ્યાપક ક્ષેત્રમાં માળખાકિય વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભાજપ યુવા મોરચાના આગેવાનની ફરિયાદ: માતાએ મકાન વેચ્યું, 9 મહિને પુત્રએ લોક તોડી કબ્જો લીધો

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ રાજ્ય સરકારે પ્રો-એક્ટીવ અભિગમથી લીધો છે. દેશમાં ગુજરાત રાજ્ય કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવામાં અગ્રક્રમે છે તેના મૂળમાં ગુજરાત સરકારનો લોક વિકાસ માટેનો સકારાત્મક અભિગમ રહેલો છે.

તેમણે કહ્યું કે,અમદાવાદ ઝડપથી વિકસી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ મેટ્રોના બીજા ચરણની શરૂઆત કરાવી હતી. તે જ રીતે બી.આર.ટી.એસ. નું માળખું વિકસિત કરી પરિવહન સેવાને મજબૂત બનાવી છે.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમદાવાદ દેશમાં ઝડપથી વિકાસ પામી રહેલું શહેર છે, ત્યારે શહેરની 65 લાખની જનતાને તમામ પ્રકારની વ્યવસ્થા – સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઈન પર રોજની 100 ટ્રેન પસાર થાય છે. તેના કારણે ઘણાં બધાં માનવ કલાકો તથા ઇંધણનો વપરાશ થતો હતો.આ વિસ્તાર પણ છેલ્લા 15 વર્ષમાં ખૂબ ઝડપથી વિકસ્યો છે. જેથી ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હતી, પરંતુ આ ઓવરબ્રિજના નિર્માણથી આ બધી સમસ્યાઓનો અંત આવશે.

રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા વગેરે માટે તથા ઓક્ટ્રોયની નાબૂદી બાદ રાજ્યના કોર્પોરેશનોને વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેના કારણે આજે રાજ્યના નગરો ખૂબ ઝડપથી વિકસિત થઇ રહ્યા છે. તાજેતરમાં એસ.જી. હાઈવે પર બે ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી રાજકોટ સુધીના છ માર્ગીય રસ્તાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બધાથી વધતી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે.

આ પણ વાંચો: પૂણેની સીરમ ઇંસ્ટીટ્યૂટમાં લાગી આગ, અહી બની રહી છે કોવિશીલ્ડ વેક્સીન

આ રેલવે ઓવરબ્રિજ સિમેન્ટના સ્લેબના બદલે લોખંડના હેવી ગર્ડરોથી નવી ડિઝાઈનથી બનેલો બ્રિજ છે. જે હજારો ભારેખમ ટ્રકોનો પણ ભાર સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભારતમાં આવી માત્ર બે જ સ્ટીલની મિલો છે જે તેને બનાવે છે.

આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યો ભૂપેન્દ્ર પટેલ, અરવિંદ પટેલ, કિશોર ચૌહાણ,પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ, ભાજપના અગ્રણીઓ સર્વ અનિલ પટેલ,ઋત્વિજ પટેલ, માર્ગ મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવા સહિત માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9