ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની 18 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં આ ચૂંટણી ના યોજવાની માંગ કરી છે. અમિત ચાવડાએ કહ્યુ કે, વર્તમાન સંજોગોમાં કોરોના મહામારી ચાલી રહી છે. જો ચૂંટણી યોજવામાં આવશે તો કોરોના સંક્રમણ વધુ ફેલાવવાનો ડર રહેલો છે. પ્રજાજનો પણ ચૂંટણી પ્રચાર અને તેની પ્રક્રિયાથી નારાજ જોવા મળી રહ્યા છે.
અમિત ચાવડાએ ચૂંટણી પંચને લખેલો પત્ર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરતા 19 માર્ચ 2021ના રોજ આપના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના સંદર્ભમાં કેટલીક નક્કર હકીકતો પ્રત્યે આપનું ગંભીરતાપૂર્વક ધ્યાન દોરતા જણાવવાનું કે, અગાઉ રાજ્યની છ મહાનગરપાલિકાઓની જાહેરાત પૂર્વે તે છ મહાનગરપાલિકાની ચૂંટણીઓની સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષની આ અત્યંત વ્યાજબી માંગણીને પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી.
ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક પ્રતિનિધિ મંડળ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કોવિડ-19ની મહામારી અને તેની બીજી લહેરને ધ્યાનમાં રાખીને હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ના યોજાય અને વહીવટદાર મુકવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ.
તેમ છતાં કોંગ્રેસ પક્ષની આવી વારંવારની ગંભીર રજૂઆત અને માંગણીને અવગણીને રાજ્યમાં કોવિડ-19 મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું હોવા છતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પછી કોવિડ-19 મહામારીના સંક્રમણમાં જબરજસ્ત વિસ્ફોટ થયેલ છે અને સંક્રમણમાં દિન પ્રતિદિન વિક્રમજનક વધારો થઇ રહ્યો છે. કોવિડ-19ની મહામારીનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ લોકડાઉન કરવું પડે તેવા નિર્દેશો આપ્યા છે અને ગાંધીનગર સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરર્ફ્યુ લાદવાની ફરજ પડી છે. આ સંજોગોમાં ચૂંટણીના પ્રચાર-પ્રસાર દરમિયાન પણ પ્રજાજનોમાં પણ એવી લાગણી પ્રવર્તી રહી છે કે વર્તમાન સંજોગોમાં આ ચૂંટણી મુલતવી રાખવામાં આવે. પ્રજાજનો ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયાથી અત્યંત નારાજ છે.
વધુમાં આગામી બે સપ્તાહમાં કોવિડ-19ની મહામારીના સંક્રમણમાં વિક્રમજનક વધારો થવાનું તજજ્ઞોનું અનુમાન છે. બીજી બાજુ વેક્સીનેશનની પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે. જે પૂર્મ થયે નાગરિકોને સંક્રમણ સામે સુરક્ષા મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ 4021 પોઝિટિવ કેસ, 35 લોકોના મોત
આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની એવી માંગણી છે કે કોવિડ-19 મહામારીના સંક્રમણમાં ઘટાડો થાય નહીં અને પરિસ્થિતિ કાબુમાં આવે નહી ત્યા સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખવી.